mariyam dhupli

Tragedy Thriller

4  

mariyam dhupli

Tragedy Thriller

અનલોક

અનલોક

4 mins
323


શ્યામલીની નજર ક્યારની બારીની બહાર તરફ મંડાયેલી હતી. બારીની અંદર તરફની પાળી ઉપર એણે બંને પગ લંબાવી મૂક્યા હતા. આંખો તો શૂન્યાવકાશમાં ચક્કર કાપી રહી હતી. છતાં નજર આગળનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. 

એ દ્રશ્ય નિહાળી નિહાળી લાગેલા થાકે એની નજરને શૂન્યાવકાશનો માર્ગ દેખાડ્યો હતો. 

વાહનવ્યવહાર વિનાના સૂના ઠપ્પ રસ્તાઓ. માનવીઓ વિનાના ભેંકાર માર્ગો. બંધ દુકાનો ઉપર ચુસ્ત લટકી રહેલા તાળાઓ. ચારે તરફ કરફ્યુ. અંતરમાં પણ.

મહિનાથી ઠપ્પ પડેલું કામ. રોજીરોટીને લાગેલી લાત. આ પહેલા કદી કોઈની આગળ હાથ પસાર્યો ન હતો. હજી પસારવો ન હતો. કાશ સ્વાભિમાનની મીઠી મીઠી વાણી ભૂખ્યાં આંતરડા પણ સમજતા હોત ! 

એનો ઊંડો ઉચ્છવાસ બારી બહારના શાંત વાતાવરણમાં હળવેથી વહી ગયો. 

"શ્યામલી....ઓ શ્યામલી....."

મંદ સ્વરમાં પડેલો ટહુકો કાન સીધી પહોંચતા થોડો સમય લાગ્યો. વિચારોનું જગત થોડી ક્ષણો માટે થંભી ગયું. બારીની નીચે તરફ એણે ધીમે રહી ઝાંખ્યું. આગળના એક તૂટેલા દાંતવાળું હાસ્ય નજર આગળ ડોકાઈ રહ્યું. 

"તું અહીં શું કરી રહ્યો છે ? જા, ઘરે જા."

શ્યામલીએ એને ફટકાર્યો. એ આમ અહીં આ વાતાવરણમાં રસ્તા બહાર રખડે એ જરાયે સુરક્ષિત ન હતું. ઉપરથી એનું અહીં આવવું, પોતાને મળવું. એના ઊંચી જાતના ઘરના સભ્યોને જરાયે ગમતું ન હતું. પણ ખબર નહીં એ હિંમત ભેગી કરતો દર વખત જેમ ક્યાંથી આવી ચઢ્યો ?

મનમાં તો હરખનો મેઘ વરસ્યો. લોકડાઉનનો આખો મહિનો એકલોઅટૂલો જ પસાર થઈ રહ્યો હતો. ન કોઈની જોડે વાર્તાલાપ. ન કોઈની જોડે સંપર્ક. મનના વિચારો મનમાંજ વાગોળતી રહેતી હતી. ઉપરથી આર્થિક ચિંતાઓ. વીજળીનું બિલ, મકાનનું ભાડું અને કરિયાણાની ચૂકવણી. કઈ રીતે પહોંચી રહેવાશે ? કામ ક્યાં સુધી ઠપ્પ પડી રહેશે ? એક પછી એક ચિંતાઓની અખૂટ સાંકળ. 

અઠવાડિયાઓ પછી કોઈનો પ્રત્યક્ષ સંપર્ક મનને ગમી રહ્યો હતો. પણ એ આમ સ્વાર્થી પણ ન બની શકે ને. એનો બાળમિત્ર એને મળવા કેવું જોખમ ઉપાડી આવ્યો હતો ! આ ખતરનાક વાયરસનું સંક્રમણ અને એના જીવલેણ પરિણામો એ સમજતો પણ હશે ખરો ? જો એને કઈ થઈ જાય તો ? એમ પણ આ વિશાળ વિશ્વમાં એ નિર્દોષ જીવ સિવાય એનો એક પણ સાચો મિત્ર હતોજ ક્યાં ? લોકડાઉન પહેલા પણ વારેઘડીએ એ આમજ આવી ત્રાટકતો. એની જાતજાતની ને ભાતભાતની મીઠી મધુરી વાતોમાં જીવનનું બધુજ કડવું દર્દ ઓગળી જતું. એણે ઘણી વાર એને ટોક્યો હતો. 

" આમ વારંવાર શા માટે અહીં આવે છે ? ને એ પણ ગમે તે સમયે ?"

એનું નાનકડું મોઢું પડી જતું. રિસાયેલા હાવભાવો પર કેવો પ્રેમ ઉપજી આવતો !

" કેમ હું અહીં આવું એ તને નથી ગમતું ? તું મારી મિત્ર ન બની શકે ?"

એની મધ જેવી વાણી આગળ હથિયાર નાખવા વિવશ થઈ જવાતું. એના એ અપરિપક્વ જગતમાં થોડી ક્ષણો ખોવાઈ જવાનું કેવું સોહામણું અનુભવાતું ! જાણે પરિપક્વ જીવનની બેટરી હળવી હળવી ચાર્જ થઈ જતી. ને પછી આખો દિવસ હોંશે હોંશે પસાર થઈ જતો. 

હા, પણ કયા સમયે આવવું અને કયા સમયે ન આવવું એ અંગે એને ઘણો ચેતવવો પડતો. 

" તારા કામના સમયે ન આવીશ. પ્રોમીસ. પણ પ્લીઝ રિસાય ન જા." 

પાક્કું વચન આપ્યું હતું અને ત્યાર બાદ કદી કામના સમયે એણે વિક્ષેપ કર્યો ન હતો. 

લોકડાઉન શરૂ થયું ત્યારથી એ ઘરેજ પુરાયો હતો. એની પોપટ જેવી વાણી ખુબજ યાદ આવતી. મનને હળવું કરનારા એ નાના જાદુગરની સાચી કદર સમજાઈ હતી. આજે જયારે એ આંખો આગળ હતો ત્યારે મન થઈ રહ્યું હતું કે એ આમજ આંખો આગળ રહે. એની ચટર પટર વાતો સાંભળતીજ રહે અને એ નિર્દોષ બાળજગતમાં ડૂબકી લગાવી વિશ્વની આ બધી અફરાતફરીઓથી કશે દૂર નીકળી પડે.પણ......

" જાઉં છું.જાઉં છું. ફક્ત તને કહેવા આવ્યો છું. ટીવી પર સમાચાર આવ્યા છે. તે જોયા ? કાલથી લોકડાઉન પૂરું. બધાજ કામે જશે. મમ્મી પણ. દુકાનો ખુલી જશે. પપ્પાની પણ. હું ઘરેથીજ ઓનલાઈન ભણીશ. તને મળવા પણ આવીશ. " 

સમાચાર સાંભળતાજ શ્યામલી પાળી ઉપરથી વીજળીવેગે ઊભી થઈ ગઈ. એના શરીરમાં ખુશીની ઝણઝણાટી છૂટી ગઈ. 

" સાચેજ ? "

કામ ફરી શરૂ. હાશ ! મન તો થયું કે એ ખુશીના સમાચાર સંભળાવનાર પોતાના બાળમિત્રને ગોદમાં ઊંચકી......

" નવનીત......" 

શહેરીમાં ગુંજેલા અવાજમાં ધાક અને ક્રોધનો રણકો પડ્યો. બે મિત્રો વચ્ચે ઉદ્દભવેલ ખુશીનું વાતાવરણ અચાનકથી ધ્રૂજી ઊઠ્યું. પોતાનો જીવ બચાવવાની દોટ ઘર તરફ ઉપડી. માહિતીની અંતિમ પણ મહત્વની કડી અત્યંત ઉતાવળા શબ્દે પહોંચાડવાની ફરજ દોડતા દોડતા જ પૂરી થઈ રહી. ટીવી ઉપર રટણ કરાવવામાં આવેલ દરેક શબ્દ એ બાળમાનસમાં ગોખાઈ ચૂક્યો હતો.

" માસ્ક પહેરવાનું ભૂલતી નહીં. હાથ વારંવાર ધોજે અને હા, અન્ય શરીરથી સુરક્ષિત બે મીટરનું અંતર રાખજે. "

અંતિમ વાક્ય સાંભળતાજ શ્યામલી ધપ્પ કરતી પાળી ઉપર ફસડાઈ પડી. 

ઘરે પહોંચેલા નવનીતના ચહેરા ઉપર એક જોરદાર થપ્પડ પડ્યો. 

" કેટલી વાર કહ્યું છે ત્યાં ન જા. સમજાતું નથી ? " 

રુદન અને આક્રંદ જોડે દીકરો ઘરમાં પ્રવેશ્યો કે સ્ત્રીની નજર ધૃણાપૂર્વક શહેરીના છેવટના મકાન તરફ ઊઠી. શ્યામલી હજી પણ શોક્ગ્રસ્ત બારી નજીકની પાળી ઉપર ફસડાયેલી હતી. 

એ તરફથી નજર હટાવતી સ્ત્રી પોતાના મકાનના અંદર તરફ પ્રવેશતી મનોમન બબડાટ કરતી મોઢું મચકોડી રહી.

' બાળકોને પણ છોડતી નથી વેશ્યા....' 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy