અંગુઠાનું સ્મિત
અંગુઠાનું સ્મિત
આકાશના મોબાઈલની રીંગ રણકી. તેણે તાબડતોબ કૉલ રીસીવ કર્યો પણ એ પછી તરત જ કોલ ડીસકનેક્ટ કરી નાંખ્યો. પહેલા ધડાકે તો એને ખબર ન પડી કે કયો કૉલ છે પરંતુ એ પછી ગણતરીની સેકંડોમાં એને ખ્યાલ આવી ગયો કે એ તો વોટ્સ એપ થ્રુ કરવામાં આવેલો કોલ હતો. એ પછી એક નોટીફીકેશન પણ તેને જોવા મળ્યું. અને એ પણ વોટ્સ એપનુ હતું.
સાંજે ચેક કરી લઈશ એમ વિચારતા તે પોતાના કાર્યમાં જોતરાઈ ગયો. જે વ્યક્તિનો કોલ હતો અને જેના તરફથી એને નોટીફીકેશન મળ્યું હતું એ વ્યક્તિ પ્રત્યે તો એને એટલી દાઝ ચઢી હતી કે ન પૂછો વાત !
છેલ્લા કેટલાક દિવસોથી તે એક એવું કામ હાથ પર લઈને ફરી રહ્યો હતો કે જેનો હજી સુધી કોઈ નીવેડો કે ઉકેલ આવ્યો નહોતો. તે સરકારી કચેરીના ત્રણ ધક્કા ખાઈ ચૂક્યો હતો.
ખેર, જ્યારે સાંજે છ વાગ્યે તે વોટ્સ એપ એપ્લીકેશનમા એન્ટર થયો ત્યારે તેને એક વોઈસ મેસેજ જોવા મળ્યો. વોટ્સએપ એપ્લીકેશનમા જે જગ્યાએ મેસેજ ટાઈપ કરવાનો હોય છે તે જગ્યાએ એક માઈક્રોફોનની નિશાની જોવા મળે છે. એના પર આંગળી દબાવીને જે તે સંદેશને રેકોર્ડ કરી શકાય છે.
આવો જ સંદેશ તેને સાંભળવા મળ્યો. સંદેશ હતો: તમારું કામ થઈ ગયું છે. દુકાને આવીને અનાજ લઈ જજો.
તેણે તો કલ્પના પણ નહોતી કરી કે આટલી જલદી આ સમસ્યાનો ઊકેલ મળી આવશે. તેના મનમાં ફેલાયેલી કડવાશ; આ મેસેજ સાંભળ્યા બાદ થોડી ઓછી થવા પામી. અલબત્ત જ્યાં સુધી પોતે દુકાને જાય નહીં અને અનાજ લઈને પરત ન આવે ત્યાં સુધી તેણે મનમાં સીસ્ટમ પ્રત્યે અને તેની સાથે જોડાયેલ એક-બે વ્યક્તિ પ્રત્યે રોષ જારી રાખવાનું નક્કી કર્યું. તેણે એ વાત યાદ કરી લીધી કે પોતે થોડા સમય માટે નોળીયો બની ગયેલ છે. એણે આ વાત પણ સ્મરી લીધી કે હજી જંગ જારી છે.
બીજે દિવસે સવારે જ્યારે તે ઊઠ્યો ત્યારે મનમાં અનેક વિચારો તેને આવતા હતા. શું થશે તે કેવળ ભગવાન જ જાણતા હતા. તેણે ચા પીધી. એ પછી નાહી લીધું અને બાંધણી જવા રવાના થયો. સ્કૂટીમાં ઓઈલ સાથેનું પેટ્રોલ નાખેલું હોય તેને એ બાબતની તો ચિંતા નહોતી જ કે સ્કૂટી હેરાન કરશે. તેણે જરૂરી વસ્તુઓ લઈને પ્રયાણ કર્યુ.
જેવો તે મુખ્ય રોડ પર આવ્યો કે તેને ' યહા સબ અપની હી ધુન મેં દિવાને હૈ ……' ગીત યાદ આવી ગયું. દૂર રહીને કોઈ ' સફલ હોગી તેરી…...' ગીત ગુનગુનાવી રહ્યું ન હોય એવું પણ તેને લાગવા માંડ્યું. મુખ્ય રોડ પરથી તેને બીજા એક રોડ પર જવાનું હતું. તે ગયો. તેને એક મોર જોવા મળ્યો. તે કળા કરી રહ્યો હતો. તે મોરના જીવન વિશે વિચાર કરવા લાગ્યો.
રોડની બાજુમાં કેટલીક મહિલાઓએ ખાડા ખોદવાનુ કામ ચાલુ કરી દીધું હતુ. તે દુકાને પહોંચ્યો એ વેળા લાઈન ઘણી લાંબી હતી. તેમ છતાં તે વહેલા મોડા નંબર તો આવશે જ ને એ આશાએ ઊભો રહ્યો. લાઈનમાં મોટાભાગે મહિલાઓ હતી. દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હતી કે પોતાનો નંબર ક્યારે આવે અને પોતે છૂટી થાય ! આકાશના આવ્યા બાદ આવેલ ઈસ્લામ ધર્મ પાળતી એક મહિલા આકાશની આગળ આવી ગઈ. એણે આકાશને પોતે પહેલા લઈ લે એવા મતલબની વાત કરી. આકાશે પરવાનગી આપી દીધી. પણ વહેલા અનાજ લઈ લેવાની એની ઈચ્છા ફળીભૂત થઈ નહી. તેણે પોતાનો અંગૂઠો મૂક્યો પણ લેપટોપમાં આવ્યો જ નહીં આખરે એણે ઉદાસ ચહેરે ઘેર જવું પડ્યું. સ્ત્રીઓની વાતોમાં તેને કોઈને કોઈ સમસ્યા વિશે સાંભળવા મળ્યું. કોઈ મહિલાને પેટલાદ દવાખાને જવાનું હતું. એના ઘરમાં કોઈને પગે ગોટલા ચઢી ગયા હતા. 'ખાના પકાણે કા હૈ 'શબ્દો પણ તેને સાંભળવા મળ્યા. "આ સ્ત્રીઓ કેવી નાની નાની વાતો પણ એકબીજાને કહી દેતી હોય છે!" આકાશે મનોમન વિચાર કર્યો.
તેને લગભગ દોઢ કલાક જેવું ઊભું રહેવું પડયું. અમુક અમુક સમયે તેને પેલા જંગની વાત યાદ આવતી રહેતી હતી. બારીની છેક નજીક આવવાનું થયું અને હવે તેનો નંબર લાગી જ જવાનો હતો એ વેળા તેને પેશાબ જવાનું થયું. જોકે તેણે કંટ્રોલ કરી દીધો. કંટ્રોલ થઈ શકે તેમ હતું. જો એમ ન હોત તો તે તાબડતોબ નાઠો હોત.
દસમા- બારમા ધોરણનું પરિણામ આવવાનું હોય એ વેળા કેવી ઈંતેજારી થાય એવી ઈતેજારી તેને અત્યારે થવા લાગી. તેણે અંગૂઠો મૂક્યો.
લેપટોપ પર કામ કરતા શખ્સે લીલી ઝંડી આપી અને તેને રુપિયા 220 ચૂકવવા જણાવ્યું. એ દિવસે આકાશ પાસે 150 રુપિયા જ બચ્યા હતા. પેલાએ એટલા તો એટલા સ્વીકારી લીધા. અને ચૂકવવાના બાકી રહેતા પૈસા ફરી ચૂકવી દેવાની છૂટ આપી.
એ પછી તેણે નિયત જથ્થામાં મળતું અનાજ લઈ લીધું. તેને 20 કિલોગ્રામ ઘઉ આપવામાં આવ્યા. 8 કિલોગ્રામ ચોખા આપવામાં આવ્યા અને તુવેરદાલ તેમજ કપાસતેલનું એક પાઉચ આપવામાં આવ્યું. લગભગ ત્રીસેક કિલોગ્રામ જેટલું વજન થવા પામ્યું હતું.
એ બધું તેણે સ્કૂટીના આગળના ભાગે મૂકી દીધું અને એ પછી ઘેર આવવા રવાના થયો. રસ્તામાં તેને એક દ્રશ્ય જોવા મળ્યું કે જેમા ખાડા ખોદનારા મજૂરો બપોરના ભોજન માટે ઘેર જઈ રહ્યા હતા. આગળ જતા કેટલીક દીકરીઓ અને સ્ત્રીઓ- પુરુષો ખેતરમાં કામ કરીને ઘેર જઈ રહ્યા હતા.
હવે તેનું મન એક પ્રકારની શાંતિ અનુભવી રહ્યું હતું. મુખ્ય રોડ પર તે ઊભો રહયો અને ભલા માણસ પાસેથી પપૈયું ખરીદ્યું. ગલકા ખરીધ્યા. તેણે મરચાંની માંગણી ન કરી. તેને એક કહેવત યાદ આવી ગઈ કે ' કોઈ આંગળી આપે તો હાથ ન લઈ લેવાય ! '
જેવો તે ઘરમાં દાખલ થયો કે તેણે મોબાઈલમાં જોયું. સમય હતો બપોરના 12:26. તેણે ફટાફટ હાથ-પગ ધોઈ નાખ્યા. દૂધીનુ શાક હોઈ તેની જમવાની ઈચ્છા મરી ગઈ. અથાણું અને રોટલી લઈને તેણે ચન્યા-મન્યા કરીને જમી લીધું. સંતોષકારક રીતે તો નહીં જ. એ પછી પપૈયું કાપ્યું અને આરોગ્યુ. થોડું માને પણ આપ્યું.
એ પછી જ્યારે તે હાથ ધોવા ગયો ત્યારે તેની નજર હાથના ડાબા અંગુઠા ઉપર થોડી વાર માટે ચોટેલી રહી. તેને અંગુઠામાં બે આંખો દેખાઈ. અંગુઠો સ્મિત રેલાવી રહ્યો હતો. તેને અંગુઠો કહી રહયો હતો: હું તારો તો અંશ છું. ખરા ટાણે કામ ન લાગું તો તારો અંશ કહેવાને લાયક નથી.
એ રાત્રે જ્યારે તે સૂવા ગયો ત્યારે તેણે નોળીયાનું કવચ કે આવરણ કાઢી નાખ્યું અને એક કોમનમેન બનીને સૂઈ ગયો.
