અમૃત સમીપે
અમૃત સમીપે
શહેરની અદ્યતન હોસ્પિટલનાં સ્ટાફ ક્વાર્ટરના આ નાનાં પણ સુંદર ગાર્ડનમાં ઢળતી સંધ્યાનો સોનેરી પ્રકાશ પથરાયેલો હતો. દિવસ ભરની ડ્યૂટી બજાવી માંડ ફ્રી થયેલાં અનેક ડોક્ટરસ-નર્સ ઇવનીંગ વોક લઇ રહ્યાં હતાં. કોઇ-કોઇ પોતાના નાનાં બાળકોને ઝૂલા-સ્લાઈડ કે મેરી ગો રાઉન્ડ પર રમાડી રહ્યાં હતાં. ડોક્ટર અક્ષય જે એક ડિવોર્સી અને સીંગલ પેરેન્ટ હતાં એ પણ પોતાના સાત વરસના દિકરા આદિ સાથે ગાર્ડન માં ફરી રહ્યાં હતાં. ત્યાં આદિ, રિદાન.. બૂમ પાડતો દોડ્યો ને એની જ ઉંમરના એક પરાણે વહાલા લાગે એવા છોકરાને ભેટી પડ્યો. રિદાન આજે પંદર દિવસની વેકેશન ટૂર પછી પાછો આવ્યો હતો. અને એટલે જ એનો જીગરી દોસ્ત આદિ આટલો ખુશ હતો...એમ તો ડો. અક્ષય પણ ખુશ થયાં.. રિદાનની પાછળ ચાલી આવતી એની મમ્મી સોની ને જોઇને! સોની એમની જ હોસ્પિટલમાં સિનિયર નર્સ હતી. શાંત -સમજદાર ને આકર્ષક. સોની પણ સીંગલ પેરેન્ટ હતી એના પતિનું મૃત્યુ થયું હતું. હવે રિદાન ને સોની જ એકમેકનો સહારો હતાં. એના નજીકના સગામાં પણ કોઈ ન હતું. રોજ સાંજે બંને બાળ ગોઠીયા રમતા હોય ત્યારે અજય ને સોની અનેક વિષય પર ચર્ચા કરતાં -એકબીજા ને બાળ ઉછેરની ટીપ્સ આપતા કે પછી બંનેમાંથી કોઇની ઇમરજન્સી ડ્યૂટી આવી જાય તો એકમેકના બાળકને સંભાળવામાં મદદ પણ કરી દેતાં.
રોજ જેવી જ સાંજ હતી. વેકેશન પૂરું થવામાં હતું એટલે સૌ મોડે સુધી ગાર્ડનમાં રમતાં. આદિ -રિદાનને બીજા બાળકો પ્લે એરિયામાં રમી રહ્યાં હતાં. ત્યાં અચાનક એક ચીસ સાથે ધબ્બ કરીને અવાજ સંભળાયો. બધા એ તરફ દોડ્યાં. જોયું તો એક હીંચકાની સાંકળ તૂટી ગઇ હતી ને એના પર બેઠેલો રિદાન જોરથી નીચે પછડાઈ બેભાન થઈ ગયો હતો. સોનીનું આક્રંદ જોવાય નહીં તેવું હતું. હોસ્પિટલ નજીક જ હતી ને બધા ડોક્ટર પોતાના જ હતાં તેથી તરત જ ટ્રીટમેન્ટ શરુ થઇ ગઇ. રિદાન બચી તો ગયો પણ પળે-પળે પોતે રિબાવા ને પોતાની જનેતાને પળે પળે એક ગ્લાનિ અને દુ:ખ થી મારવા... એનાં બ્રેનને ભયંકર ક્ષતિ પહોંચતા તે સભાનતાને પેલે પારના પ્રદેશમાં પહોંચી ગયો હતો. એનું અડધું અંગ પણ ખોટું પડી ગયું હતું. મેડીકલ પ્રોફેશનમાં હોવાથી સોની આ બધું બરાબર સમજતી હતી.. પણ આખરે તો એક 'માં ' હતી. બધા ડોક્ટરો એ હાથ ઉંચા કરી દીધા ત્યારે બાધા-આખડી-મન્નત ને સહારે એ ઝૂલતી રહી. સ્ટાફના લોકો. ક્વાટરસના પડોશીઓ ખાસ તો ડો. અક્ષયે એને ખૂબ મદદ કરી. રિદાનની હાલત દિવસે-દિવસે બગડતી જતી હતી. સોની પોતાની હોસ્પીટલ અને ઘરની ડ્યૂટીમાં આમથી તેમ ફંગોળાતી બીજો તો કોઇ સહારો ન હતો. દિકરાના ચહેરા પર ખુશીની એક ઝલક જોવા એ કંઇ પણ કરતી આમ જ બીજા બે વરસ પસાર થઈ ગયાં.
હમણાંથી સોનીને સતત ઉધરસ રહેતી હતી. એનો ચેપ લાગ્યો હોય તેમ રિદાનને પણ શરદી ને થોડો તાવ રહેતો. એનું ધ્યાન રા
ખવા આવતી બાઇ ને બાજુવાળા પાછળ પડતાં સોની એ ડોક્ટર અક્ષય ને ઘરે બોલાવ્યા. બંનેને તપાસી દવા આપી ને સોની ને બીજા ઇનવેસ્ટીગેશન કરવા બીજે દિવસે હોસ્પિટલમાં પોતાને મળવા જણાવ્યું....
અઠવાડિયા પછી ડો. અક્ષય પોતાના કેન્સર વોર્ડમાં રાઉન્ડ લઇ રહ્યાં હતાં. એક પેશન્ટને ભયંકર દર્દ માં જોઇ એમણે સાથે રહેલાં આસિસ્ટન્ટ ડોક્ટર ને નર્સ સોનીને એને મોરફીનનું ઇંજેકશન આપવા જણાવ્યું. થોડીવારે પાછા ફરતાં તપાસ કરી તો એ તો હજી પીડામાં જ હતો. આસિસ્ટન્ટે જણાવ્યું કે એની પાસે સ્ટોકમાં રહેલ ઇંજેક્શન આશ્ચર્યજનક રીતે ખોવાઈ ગયું. હવે બીજું ઇંજેકશન આવતાં એ પેશન્ટને આપશે... અક્ષય ને આ સાંભળતા નવાઇ તો લાગી પણ પછી કામમાં બધું ભૂલાઇ ગયું.....
પછીના અઠવાડિયામાં તો આદિ અને રિદાન બંનેનો બર્થ ડે આવતો હતો. આદિને પ્રેઝન્ટ આપી રિદાનને ભાવતી કેક લઇ સોની ઘરે જતી રહી પણ બે વરસ માં પહેલી વાર નાનાં બચ્ચાઓને બોલાવી સોનીએ રિદાનનો બર્થ ડે સેલીબ્રેટ કરયો. રિદાનને ભાવતી વાનગીઓ બનાવી.. એને ગમતાં ગીતો વગાડી બધાને ખૂબ મજા કરાવી. રિદાન નું મગજ આ બધું નહોતું સમજી શકતું પણ એનો આત્મા તો ખુશ હશે ને? સોની એ વિચાર્યું.
આના ચાર દિવસ પછી એક રાતે ડો અક્ષય નો ફોન રણક્યો. આ ટાઇમે કોણ હશે ? ફોન ઉપાડ્યો તો સામે રડતાં -રડતાં સોની બોલતી હતી" ડોક્ટર કમ સુન... મારા રિદાનને તાવ છે,એ કંઇ બબડ્યાં કરે છે ને એના હાર્ટ બીટ્સ પણ જોરથી ચાલે છે... આઇ થીંક હી ઇઝ સીન્કીંગ!!!!... ". ડોક્ટર દોડ્યાં.. એ પહોંચ્યા ત્યારે રિદાન છેલ્લા શ્વાસ લઇ રહ્યો હતો. એને જોતાં જ ડોક્ટર કંઈક વિચારમાં પડ્યાં ત્યાં જ એણે ડોકી ઢાળી દીધી. આજુબાજુના પડોશી પણ આવી ગયાં. છાતીફાટ રડતી સોની ને અક્ષયની નજર એકક્ષણ માટે મળી ને ડોક્ટર ને પોતાને જે શંકા હતી તેની જાણે પુષ્ટી મળી ગઇ. ડોકટરે રિદાનના શરીર પર ઉઠેલાં ઝાંખા બ્લૂ ચકામા, એની તેજ ગતિએ ચાલતી નાડી, ઉલ્ટીઓ સગી આંખે જોયા. આ બધા મોરફીનનાં ઓવરડોઝના લક્ષણો હતાં... જે માણસને-આટલા નાના છોકરાને તો મારી જ નાંખે. એમને પેલા ખોવાયેલા મોરફીનના ઇંન્જેકશનનો તાળો મળી રહ્યો હતો. ફરી એકવાર કાકલૂદી કરતી સોની ને ડોકટરની નજર મળી.... ડોક્ટરે બેગ ખોલી ને પોતાનું પેડ ને પેન કાઢી ડેથ સર્ટીફીકેટ લખવા માંડ્યું...... મૃત્યુના કારણમાં લખ્યું...... કાર્ડિયાક એરેસ્ટ.
ઘરે આવી ડોક્ટરે પોતાનું લેપટોપ ખોલ્યું... સામે જ દેખાતો હતો એક મેડીકલ રીપોર્ટ... જે બતાવતો હતો થર્ડ સ્ટેજનું ફેફસાનું કેન્સર જે દર્દી પાસે જીવવાનાં વધારેમાં વધારે છ મહીના બતાવતો હતો. ને દરદીનું નામ હતું મીસીસ સોની......
એક મા પોતાના બાળકને પોતાની પાછળ એકલું રિબાઇને મરવા કેવી રીતે છોડે? એ તો એને અમૃત સમીપે જ લઇ જાય !