અમી - ૨
અમી - ૨
( આપણે ગયા અંકમાં જોયુ કે પ્રમોદભાઈ અને પ્રેમીલાબેન એક જ દિવસની સાંજે આ લોક છોડી પરલોક સિધાવી ગયા. )
દવાખાને જરુરી કાર્યવાહી કરવા અમિત રોકાઈ ગયો, બાકી બધા સભ્યોને સમજાવીને ઘરે મોકલ્યા. અમી રોકાવા ઈચ્છતી હતી. પણ દવાખાને જરુર નથી કહીને અમિતે અમીને પણ ઘરે જવાનું કહ્યું. બધા ભારે હ્રદયે ઘરે આવ્યા.
ઘરે પહોંચી અમીએ બધાને પાણી પાયુ. ત્યાં તો મીરાંના સાસુ સસરા આવી ગયા. મીરાંનો દીકરો ધ્યેય પણ સાથે હતો, આવકાર આપવાનો પ્રસંગ તો હતો નહી, એટલે અમીએ જય શ્રીકૃષ્ણ કર્યા. દોઢેક કલાક પછી સરુદીદીની દીકરી પાયલ પણ આવી ગઈ.
બધા પૂછવા લાગ્યા અત્યારે એકલી આવી ? ત્યાં તો અમિત ઘરમાં આવ્યો. અમિત બંને જીજાજી અને પાયલ સાથે આવ્યો હતો . દવાખાનાના ભાઈઓ બહેનો પાર્થિવ દેહને લઈને અંદર આવ્યા. દિવાનખંડમાં જ બંનેના નશ્વર દેહને મૂકી દવાખાનાના સભ્યો ચાલ્યા ગયા.
બધા ખુબ રડતા હતા. રોક્કળ કરતા બધાને મીરાંના સાસુ ચંપાબેન માંડ માંડ છાના રાખે છે. પાડોશમાંથી ચા નાસ્તો આવી ગયા. કોઈને ગળે ખાવાનું ઉતરે એમ ન હતું.
સવારે અંતિમયાત્રા નીકળશે એટલે અમિત જરુરી ફોન કરવા લાગ્યો.
સવાર પડી ને દુઃખનો સૂરજ પણ ઊગ્યો. પહાડ પાછળથી ઊગતો સૂરજ જાણે આજે દુઃખ નો પહાડ સાથે લઈને આવ્યો હતો. ખિન્ન હ્રદયે, સુનમુન થયેલો અમિત અગ્નિસંસ્કારની તૈયારી કરે છે.
પરિવાર જનોના સાથ સહકારથી બધું કાર્ય પૂર્ણ કરી બધા બેઠા હતા. અમીએ આજે બહારથી જ રસોઈની વ્યવસ્થા માટે બે બહેનોને બોલાવી લીધા હતા. બધા શ્રી કૃષ્ણ: શરણં મમ ની ધૂન ગાતા હતા. થોડીવારમાં જ સરુદીદીને કંઈક યાદ આવતા મમ્મી પપ્પાના રૂમમાં ગયા.
તેમણે મન મક્કમ કરી મીરાં અમિત અને અમીને બોલાવી લીધા. ત્યાં તો પાયલ પણ આવી ગઈ. સરુદીદીએ પાયલને એના પપ્પા અને માસાને બોલાવવાનું કહ્યું. એ બંને સાઢુભાઈ રુમમાં આવી ગયા. પાયલ રોકાવા માગતી હતી. પરંતુ સરુદીદીએ ખુશીના રૂમમાં જવાનુ કહ્યુ એટલે પાયલ ચાલી ગઈ. બધા ખુબ જ આશ્ચર્યચકિત હતા કે આમ શા માટે બોલાવ્યા હશે ?
સરુદીદીએ પત્રની વાત કરી. અમીએ કહ્યુ કે પત્ર તો મને પણ મમ્મીએ આપ્યો છે. મમ્મી- પપ્પાના બારમાની વિધિ પછી વાંચીએ તો. . . . . . . સરુદીદીએ કહ્યુ કે કોઈ ઈચ્છા પૂરી કરવાની હોય તો . . . પહેલાં જ વાંચી લઈએ.
સરુદીદીને શરૂઆતનું વાંચીને આંચકો લાગ્યો. અમિતે દીદીના હાથમાંથી પત્ર લીધો ને થોડુંક વાંચીને સમજી ગયો. ત્યાં તો સરુદીદી પણ સમજી ગયા. ફરીથી અમિત પાસેથી પત્ર લઈને વાંચવા લાગ્યા.
કાયમી સરનામું :- સ્વર્ગ
રસ્તો : - અહીંથી દૂર અને દુર્ગમ
તારીખ:- પૃથ્વીલોકથી પ્રયાણ
મારી વ્હાલી સરુ,
તું સ્વર્ગમાં આનંદમાં હોઈશ. . . . . .
મીરા કંઈક બોલવા જતી હતી ત્યાં દીદીએ જ કહ્યુ કે આ હું સરુ નથી. આ આપણાં સૌથી મોટા દીદી સરિતાને પપ્પાએ લખેલ પત્ર છે. આપણે ઢીંગલીથી જ દીદીને ઓળખીએ એટલે ખબર હોવા છતાં સરખાં નામથી છેતરાઈ ગયા. હું તો સરોજ છું.
પણ અમે બંને બહેનો બધાની સરુદીદી જ.
પત્ર આગળ વાંચવાનો ચાલુ કર્યો.
કાયમી સરનામું :- સ્વર્ગ
રસ્તો : - અહીંથી દૂર અને દુર્ગમ
તારીખ:- પૃથ્વીલોકથી પ્રયાણ
મારી વ્હાલી સરુ,
તું સ્વર્ગમાં આનંદમાં હોઈશ. હું તારા પપ્પા તને આજે ઘણાં સમયે પત્ર લખુ છું. તું અમારી ઢીંગલી જ બરાબર છો.
બેટા, તું અમને બે વરસની ઉંમરમાં છોડીને જતી રહી. તને બચાવવાની પૂરતી કોશિશ કરી. પણ અમારું કંઈ જ ન ચાલ્યું. કુદરત જાણે રિસાઈ ગઈ. ભગવાનને પણ એ જ મંજુર હતું. ને તારું ટુંકી બીમારીમાં જ મૃત્યું થયું. અમારી વ્હાલી ઢીંગલી કદાચ ભગવાનને પણ ગમી ગઈ. તને રમાડવા લઈ જ ગયા. અમારું કંઈ ન ચાલ્યું. તારા મમ્મી તો ગાંડા જેવા થઈ ગયા હતા. રડયા કરે. ને ફોટો જોયા કરે. તું તો અમને છોડીને ચાલી ગઈ પણ અમારી દુનિયા જ તું હતી. તને ખવડાવવું, નવડાવવુ ને રમાડવું. એ જ અમારી જિંદગી બની ગઈ હતી.
તારા જવાથી 'ઝાંઝવાના જળ' ની જેમ અમે ભ્રમિત જીવન જીવતા હતા. તારા મમ્મીને ડોક્ટર પાસે લઈ ગયો હતો. ડોક્ટરનું કહેવું હતું કે તારા ભાઈ કે બહેન આવે તો સરિતાનું દુઃખ ભૂલી શકે. . હું તો ઓફિસ જતો એટલે થોડો હળવો થઈ જતો. પણ તારા મમ્મીનું શું ? હું તારી મમ્મીને ખુશ રાખવા બહુ કોશિષ કરતો, પરંતું દુઃખની જવાળા તો મને પણ એટલી જ લપેટાયેલી હતી ને ! પહેલું બાળક ખોવું એ વ્યથા તો જેણે પહેલું બાળક ખોયું હોય એ જ જાણે !
તને ખબર છે તારી યાદમાં તારી મમ્મીએ ખીચડી બનાવવાનું ને ખાવાનું બંધ કરી દીધું હતું. તારા માટે જોયેલ સપનાં અમે એમ જ અમારાં મનમાં સંઘરી રાખ્યા છે. તું આવતા જન્મમાં અમારી ઘરે જ દીકરી થઈને આવજે.
. તું અમને છોડીને ગઈ એને દોઢ વરસ થવા આવ્યુ હતું. તારુ દુઃખ કેમેય કરીને ઓછુ થતું ન હતું. . . એ દિવસોમાં અચાનક અમે અનાથાશ્રમની મુલાકાતે જવા લાગ્યા. ત્યાં મેઘાને જોઈને લાગ્યુ કે તું જ છો. બેટા , ત્યારે તારી મમ્મી હસી. જાણે તારો પુનઃજન્મ. ત્રણ માસની મેઘા એ તારુ જ પ્રતિબિંબ. કદાચ, એટલે જ અમે તારું ખેંચાણ અનુભવતા હતા. અમે મેઘાને તું જ ગણી લીધી. મેઘાની એટલે કે તારી જ જવાબદારીઓ ઉઠાવી લીધી. મેઘા એટલે તું અનાથ ન હતી. ત્યાં બધા બાળકોની દેખરેખ રાખનાર દંપતીનું તું પહેલું સંતાન હતી. અમે તને દતક ન લઈ શક્યા. એ માતા પિતા નું પહેલું સંતાન પડાવી લેવું એવો ભંયકર ગુનો અમે કરવા માગતા ન હતા. પહેલું સંતાન ખોવાનું દુઃખ. . . . અમે જે અનુભવ્યું એ પરિસ્થિતિમાં એમને મૂકીને અમે સુખી ક્યારેય ન થઈ શકીએ. હા, તને(મેઘાને) મોટી થતા જોઈ છે અમે. તને(મેઘા) ભણાવી ગણાવી. પણ અચાનક જ એક ગોઝારો અકસ્માત ને તું (મેઘા) અમને પાછા નોંધારા મૂકીને જતી રહી. મીરાંના લગ્નના બીજે વરસે તું (મેઘા)પાછી અમને છોડીને જતી રહી. ત્યારથી તારી મમ્મીનો સ્વભાવ બગડવો લાગ્યો. સરોજને લઈ ને ઘણીવાર અમે તને (મેઘા) મળવા આવતા. સરોજ અમિત અને મીરાંના લગ્નમાં પણ તું હતી. આજે મીરાંના લગ્ન ને વીસ વરસ થવા આવ્યા. તારી યાદ એવી ને એવી જ ઘેરી છે. અત્યારે હર્ષ ટિફિન લેવા ઘરે ગયો છે. તારા નાના ભાઈ ભાભી તારી મમ્મી પાસે બેઠા છે. હું અહી ભગવાનની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરું છુ કે તારી મમ્મીને સારું થઈ જાય. પણ હવે મને છાતીમાં દર્દ થાય છે. જો સરોજ પણ સામેથી આવે છે. કદાચ સીધી અહીં જ આવશે.
લાગે છે કે આપણે મળવાનો સમય આવી ગયો. હું તારી પાસે આવું છું બેટા ! તું સ્વર્ગના દરવાજે જ ઊભી રહેજે. હવે, હું વધુ મોડું નહી કરુ. તને વધારે રાહ નહી જોવી પડે.
તારા મમ્મીને હવે સારું થશે તો ઘરે જતા રહેશે. આપણે બેય સ્વર્ગમાં તારા મમ્મીની રાહ જોઈશું. હું જેમ તને મળવા તલપાપડ છું એમ તારી મમ્મી પણ અધીરી જ છે.
મારી લાડકી તું . . . મારી દીકરી તું . . . . જોજે ન લાગે વાર,
મારી પરી છે તું. . . મારી ઢીંગલી તું. . . . પકડજે મારો હાથ.
હું આવું છું. બેટા , તને જલ્દી જ મળીશ.
લી. તને બે વાર ખોઈ ચુકેલ , તને સાચવી ન શકેલ.
તારા પપ્પા પ્રમોદભાઈ.
તું મને ત્યાં સ્વર્ગે . . . સાચવજે. . . . . . . . . .
બધા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. બધા અનાથાશ્રમ ની છોકરી મેઘાને મમ્મી- પપ્પા દીકરીની જેમ રાખે છે, એ જાણતા હતા. બધા સહકુટુંબ ઘણીવાર મેઘાને મળવા જતા. પણ આવી રીતે ઢીંગલીનું પ્રતિબિંબ મેઘામાં જોવું એ આશ્ચર્યની વાત હતી. બધાના લગ્નમાં મેઘા પોતાના માતા પિતા જોડે કામકાજ માટે આવી હતી. સાડી પૈસા ઘણું બધું આપ્યું હતું. એ જાણ તો હતી જ. બધાને ખુશ કરીએ એવી રીતે જ મેઘાને દીકરી ગણી ખુશી માટે આપ્યું હશે, એમ જ બધાં સમજ્યા હતા. મેઘાના મૃત્યુ સમયે પ્રમોદભાઈ અને પ્રેમીલાબેન બહુ રડયા હતા. પણ ત્યાર પછી બંને જાત્રાએ જવા નીકળી ગયા હતા. એ અત્યારે બધાને યાદ આવી ગયું. બધા મમ્મી -પપ્પાની મહાનતાને મનોમન વંદન કરી રહ્યા કે એમનાં દુઃખની છાયા ક્યારેય આપણાં ઉપર ન પડવા દીધી. અને વેદનાનો અણસાર પણ ન આવવા દીધો.
અચાનક જ મીરાંનું ધ્યાન ઢીંગલીના ફોટા પર પડ્યું ને ખુશખુશાલ થઈ ગઈ. બધાંને નવાઈ લાગી કે મીરાં. . . . !
ત્યાં તો મીરાં બધાને ફોટો જોવાનું કહે છે એ ભાન આવતાં બધા એકીટસે ફોટા સામે જોઈ રહ્યા ને જોતા જ રહી ગયા.
ફોટો હસતો હતો, ચમકતા હતો જાણે મમ્મી-પપ્પા ઢીંગલી સરિતા ને મળી ન ગયા હોય ! અમે બધાં મીઠી ઈર્ષા અનુભવતા ઊભા હતા. શત્ શત્ નમન સાથે. આદર અહોભાવ સાથે.
ત્યાં તો બધાં બાળકો આવીને કહેવા લાગ્યા કે
દાદા -દાદીનો ચહેરો ચમકે છે . ખુશ ખુશખુશાલ લાગે છે.
હેં! ફોટો કેવી રીતે હસે! ધ્યેય બોલી ઉઠ્યો.
બધાં માનસિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે.
ક્રમશઃ.
