અલિપ્ત
અલિપ્ત
બાગમાં આવેલા એક બાંકડા પાસે બે આધેડવયના વ્યક્તિઓ બેહોશ પડ્યા હતા. સવારના પહોરમાં ચહલકદમી કરવા નીકળેલા લોકો ત્યાંથી પસાર થતી વેળાએ તે બંનેને શંકાસ્પદ નજરે જોઈ લેતા. જોગીંગ કરવા નીકળેલ મનોજ નામના યુવકની નજર જયારે તે બંનેના ગળામાં બંધાયેલા પટ્ટા પર ગઈ ત્યારે તેના પગ થંભી ગયા કારણ તેઓના પટ્ટાના મધ્યભાગમાં "બીપ બીપ"ના અવાજ સાથે એક લાલ લાઈટ ઝગમગ કરી રહી હતી. તેમાંથી નીકળતી લાલ રોશનીએ મનોજના મનમાં અનેક શંકા ઉત્પન્ન કરી. "કોણ હશે આ બંને ? તેઓના ગળામાં આ પટ્ટી કોણે બાંધી હશે ? કદાચ આ કોઈ માનવબોમ્બ તો નહીં હોય ને ?" આવા અનેક વિચારો સાથે તેણે ગજવામાંથી મોબાઈલ ફોન કાઢી ૧૦૦ નંબર ડાયલ કર્યો.
થોડીક જ વારમાં પોલીસ ત્યાં આવી પહુંચી.
બંને વ્યકિતઓ હજુપણ બાકડા પાસે જ બેહોશ પડ્યા હતા.
તેઓને જોઈ ઈ. યાદવે આદેશ આપતા કહ્યું, "હવલદાર રમણીક, જીપમાંથી પાણીની બોટલ લાવો અને પાણીની છાલક આમના ચહેરા પર મારી જુઓ હોશમાં આવે છે કે નહીં ?'
હવલદાર રમણીક તરત પાણીની બોટલ લેવા જીપ તરફ દોડ્યો.
ત્યાં એકત્ર થયેલા ટોળામાં ગણગણાટ થવા લાગ્યો.
એક બોલ્યો, "પીધેલા લાગે છે."
વળી બીજો બોલ્યો, "હત્યાનો મામલો લાગે છે."
ત્યાંજ ત્રીજાની વાત સાંભળી ઈ. યાદવના કાન સરવા થયા. "અરે આ તો મહાન વૈજ્ઞાનિકો ડો. મુંજાલ અને વીરેન છે. બે દિવસ પહેલાં જ ટીવી પર આવતા સમાચારમાં મેં જોયું હતું કે તેઓએ પરગ્રહવાસીઓ રહેતા હોય તેવા "જ્ળ્યુટો" ગ્રહને શોધ્યો હતો. સમાચાર મુજબ તેઓ સ્પેસશટલમાં બેસી સંશોધન અર્થે જ્ળ્યુટો ગ્રહ પર જવા ઉપડ્યા હતા તો પછી તેઓ અહીયાં ક્યાંથી ! ! !"
ઈ. યાદવે યુવાનને પૂછ્યું, "તને બરાબર યાદ છે ?"
યુવાન જવાબ આપે તે પહેલા બંને આધેડ હવલદાર રમણીકે કરેલા પાણીના છંટકાવને કારણે ભાનમાં આવ્યા અને ભાનમાં આવતાવેંત બોલ્યા. "અરે ! અમે અહીં ક્યાંથી ?"
ઈ. યાદવે બંનેને પૂછ્યું, "તમે કોણ છો ?"
તેમાંથી એક આધેડ બોલ્યો, "ઈ. સાહેબ મારું નામ ડો. મુંજાલ અને આ મારો મદદનીશ વીરેન. ઈન્સ્પેકટર અમે બંને વૈજ્ઞાનિકો છીએ. બે દિવસ પહેલા જ અમે પરગ્રહવાસીઓની શોધમાં "જ્ળ્યુટો" ગ્રહ પર ગયા હતાં કારણ અમને ત્યાં પરગ્રહવાસીઓ હોવાના પુરાવા મળ્યા હતાં."
ઈ. યાદવ, "તો તમે અહીં ક્યાંથી ? આ "જ્ળ્યુટો" ગ્રહ ક્યાં છે ? કંઈક તો બોલો ડો. મુંજાલ.'
ડો. મુંજાલ બે દિવસ પહેલા બનેલી ઘટનાને યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ તેમને કશુંયે યાદ આવી રહ્યું નહોતું.
ઈ. યાદવે તેમની યાદ તાજી કરાવવાના આશયથી પૂછ્યું, "તમારા ગળામાં આ પટ્ટો કોણે બાંધ્યો ?"
અચાનક બંને વૈજ્ઞાનિકોનો હાથ ગળા પર અને નજર ત્યાં ઉભેલ ભીડ તરફ ગઈ. પોતે આમ પટ્ટો બાંધેલી હાલતમાં લોકો સામે બેઠા છે એ બાબતથી તેઓ શરમાઈ ગયા. બંનેએ તેમના ગળામાંથી પટ્ટો કાઢવાનો નિષ્ફળ પ્રયત્ન કરી જોયો.
ઈ. યાદવની નજર પટ્ટા પર આવેલા આંકડા પર ગઈ. "એક મિનીટ ડો. મુંજાલ, મને લાગે છે કે આ પટ્ટો પાસવર્ડ વડે ખૂલે છે. શું તમને આનો પાસવર્ડ ખબર છે ?"
મુંજાલે નકારમાં માથું હલાવ્યું.
ઈ. યાદવ બોલ્યા, "વાંધો નહીં આપણે પટ્ટાને કાપી નાખીશું.."
ઈ. યાદવે કહેલા વાક્યોથી ડો. મુંજાલ અને વીરેનના મનમાં આશાનું કિરણ જાગ્યું. પરંતુ થોડીવારમાં જ એ આશાનું કિરણ ઠગારુ નીવડ્યું કારણ લાખ પ્રયત્ન કર્યા પછી પણ પટ્ટાને એક નાનો સરખો ઘસરકોયે પડ્યો નહોતો.
ઈ. યાદવ થાકીને બોલ્યા, "ડો. મુંજાલ, આ પટ્ટો કોઈ દુર્લભ ધાતુનો બનેલો લાગે છે. પાસવર્ડ વગર તેને ખોલવો અશક્ય છે."
યાદવના છેલ્લા વાક્યે ડો. મુંજાલના મસ્તિષ્કના તાર હલાવી દીધા. અચાનક તેમને એક વિચિત્ર સ્વર યાદ આવ્યો, "તમારા ગળામાં બંધાયેલો પટ્ટો હંમેશા તમને અમારી યાદ અપાવશે."
આ સ્વર યાદ આવતા જ ડો. મુંજાલને સઘળું ગોળ ગોળ ફરતું દેખાવા લાગ્યું. બે દિવસ પહેલાં બનેલી ઘટનાઓની અસ્પષ્ટ ઝાંખીઓ તેમની આંખ સામે મંડરાવવા લાગી.. ડો. મુંજાલે મસ્તિષ્ક પર જોર આપી તે ઘટનાને યાદ કરવાનો પ્રત્યન કરવા લાગ્યા.
બે દિવસ પહેલા..
ડો. મુંજાલ અને વીરેન જ્ળ્યુટો ગ્રહ પર એક પાંજરામાં પુરાયેલા હતાં. પૃથ્વી પરથી પોતે સ્પેસશટલ લઈને અહીં સુધી કેવી રીતે અને કયા રસ્તેથી આવ્યા. એ વાત લાખ પ્રત્યત્ન કરવા છતાંયે તેમને યાદ આવતી નહોતી. જાણે તેઓ માર્ગ ભૂલી ન ગયા હોય !
પાંજરામાં પુરાયેલી હાલતે જ વીરેને બહાર નજર ફેરવી અને ડો. મુંજાલને કહ્યું, "ડોક્ટર આ ગ્રહે તો જબરદસ્ત પ્રગતિ કરેલી દેખાય છે. બહાર અત્યાધુનિક સાધન સરંજામો નજરે પડી રહ્યા છે. લોકો અવરજવર માટે હવાઈમાર્ગનો જ ઉપયોગ કરી રહ્યા છે અને છતાંયે ચોમેર કેટલી લીલોતરી છે. અહીની હવા પણ કેટલી શુદ્ધ છે."
ડો. મુંજાલ બોલ્યા, "કારણ આ જ્ળ્યુટોવાસીઓ પુનઃપ્રાય ઉર્જાસ્ત્રોતોનો જ ઉપયોગ કરી રહ્યા છે. જેમકે તેમના દરેક વાહનો સૌરશક્તિથી ચાલી રહ્યા છે. પેલી સામે ઈમારત જોઈ ? જાણે છે તે શેની બનેલી છે ?"
વીરેને ઈમારત તરફ જોઈને કહ્યું, "આ સિમેન્ટની બનેલી નથી દેખાતી.."
ડો. મુંજાલ, "યસ.. ઈમારત બનાવવામાં પણ તેઓએ નકામા કુદરતી પદાર્થોનો જ ઉપયોગ કર્યો છે. વળી તું ધ્યાનથી જોઈશ તો તને પ્લાસ્ટિક કે રબ્બરની એકેય વસ્તુ નજરે નહીં પડે. કુદરત સાથે સંતુલન સાધીને આ લોકોએ ગજબનો વિકાસ કર્યો છે."
ત્યાંજ એક આકૃતિ તેમના તરફ આવતી દેખાઈ.
વીરેને ધ્યાનથી જોયું તો એ આકૃતિ વિચિત્ર દેખાતી હતી.
જેવી એ આકૃતિ પ્રકાશમાં આવી અને તે સાથે જ તેની ભયાનકતા છતી થઈ.
એ જ્ળ્યુટોવાસી હતો.
તેનો દેખાવ એકદમ વિચિત્ર અને ભયાનક હતો.
વીરેન તેને જોઈને જ કંપી ઉઠ્યો.
ડો. મુંજાલે જોયું તો બીજા ચાર જ્ળ્યુટોવાસીઓ પણ તેની પાછળ પાછળ આવીને ઊભા રહ્યા હતા. પ્રથમ આવેલ જ્ળ્યુટોવાસી બોલ્યો, "ઊં ઘૈમ્મ દડાન આદ્ફાં ઈઆના એઓઆઓ"
ડો. મુંજાલ કે વીરેનને કશું સમજાયું નહીં તેઓ સવાલભરી નજરે એકબીજાને તાકવા લાગ્યા.
ત્યાં જ એમના કાનમાં ગુજરાતી બોલીમાં અવાજ સંભળાયો, "ઓ પૃથ્વીવાસીઓ તમે અહીં શું કામ આવ્યા છો ?" જ્ળ્યુટોવાસીનો અનુવાદિત અવાજ ત્યાં લાગેલ ભાષાબદલ યંત્રમાંથી આવ્યો હતો.
ડો. મુંજાલે કહ્યું, "ઓ જ્ળ્યુટોવાસીઓ અમે તમને મળવા અને જાણવા આવ્યા છીએ.."
પેલા જ્ળ્યુટોવાસીએ ડો.મુંજાલે કહેલા શબ્દોનો અનુવાદિત સ્વર સાંભળવા ભાષાબદલ યંત્ર તરફ કાન સરવા કર્યા, "ઊં કીંમ્મ આઓંય મ્ન૯ય્ત અ''આં'અ ન્નાઈએ.."
ડો.મુંજાલે કહેલું વાક્ય જાણે જ્ળ્યુટોવાસીને ગમ્યું ન હોય તેમ તેણે બાજુમાં ઉભેલા બીજા જ્ળ્યુટોવાસીઓને ઈશારો કર્યો. ઈશારો મળતાની સાથે એક જ્ળ્યુટોવાસી પાંજરા નજીક આવ્યો અને તેણે તેના હાથમાંનું અજબ જેવું દેખાતું હથિયાર તે બંને તરફ ઉગામ્યું.
આ જોઈ બંને જણા છળી ઊઠ્યા.
વીરેન રડમસ સ્વરે બોલ્યો, "અમને માફ કરો અમને મારશો નહીં"
વીરેનની વિનંતીઓ તરફ ધ્યાન આપ્યા વગર એ જ્ળ્યુટોવાસીએ હથિયાર ચલાવ્યું.
"ફટ"ના અવાજ સાથે અજબ હથિયારમાંથી વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી નીકળી બંને પર પડ્યું. તે સાથે જ બંને પોતાની જગ્યા પર જ્યાં ઊભા હતાં ત્યાંજ પૂતળાની જેમ જકડાઈ ગયા. તેઓ હવે જરાપણ હાલીચાલી શકતા નહોતા. ભાષાબદલ યંત્ર જ્ળ્યુટોવાસીઓના સંવાદનું ગુજરાતી બોલીમાં અનુવાદ કરી રહ્યું હોવાથી મુંજાલ કે વીરેનને તેમને સમજાવવા માટે કોઈ મુશ્કેલી પડતી નહોતી.
એક જ્ળ્યુટોવાસી પાંજરાનો દરવાજો ખોલતા ખોલતા બોલ્યો, "અમે જ્ળ્યુટોવાસી ક્યારેય કોઈ જીવની હત્યા કરતા નથી પરંતુ જોખમરૂપ પ્રાણીને આમ જ જકડીને અમારું ધાર્યું કામ સાધી લઈએ છીએ. અમે પ્રત્યેક જીવમાં શિવનો વાસ છે એમ માનીએ છીએ."
જ્ળ્યુટોવાસીએ કમરમાંથી બે પટ્ટા કાઢી ડો. મુંજાલ અને વીરેનના ગળામાં બાંધ્યા.
હવે તેણે પોતાની આંગળીઓ પટ્ટા પર આવેલા બટનો પર ફેરવી તે સાથે પટ્ટો "બીપ બીપ"ના અવાજ સાથે તેમના ગળા ફરતે ચુસ્ત બેસી ગયો.
વીરેને જકડાયેલી અવસ્થામાં જ પૂછ્યું, "ડોક્ટર આ શું ઉપાધી છે ?"
ડો. મુંજાલ, "કદાચ આ લોકોએ આપણને બંદી બનાવવા આપણા ગળા પર પટ્ટો બાંધ્યો છે. આ પટ્ટા પર લાગેલા સેન્સરની મદદથી તેઓ આપણા પર ચાંપતી નજર રાખી શકશે."
વીરેન, "પણ આપણે આ પટ્ટો ખોલી દઈએ તો ?"
ડો. મુંજાલ, "પાસવર્ડ વગર તે ક્યારેય ખૂલે નહીં."
વીરેન, "પટ્ટામાં આવેલી બેટરી પૂરી થતા તે ખુલવાની શક્યતા ખરી ને ?"
ડો. મુંજાલે નિરાશ વદને કહ્યું, "આ પટ્ટો પણ સૌરઉર્જાથી ચાલે છે. અને તું તો જાણે છે કે સૌરઉર્જા અખૂટ છે."
વીરેન આ સાંભળી ડઘાઈ ગયો. "મતલબ આ પટ્ટો."
ડો. મુંજાલે હકારમાં માથું હલાવ્યું. "આપણી સાથે ગુલામીની નિશાની બની કાયમ માટે વળગી રહેશે."
પાંજરૂ બંધ કરી જ્ળ્યુટોવાસીએ ફરીથી તે અજબ હથિયાર બંને પર ચલાવ્યું અને તે સાથે જ તેઓ મૂળ અવસ્થામાં પાછા આવ્યા. મુખિયા જેવા જ્ળ્યુટોવાસીએ તે ચારેયને આદેશ આપતા કહ્યું, "લઈ ચાલો આમને.."
ડો.મુંજાલે વિસ્મયભરેલી નજરે વીરેન તરફ જોયું.
આદેશ મળતાની સાથે ચારમાંથી એક જ્ળ્યુટોવાસીએ હાથમાંના રિમોટનું બટન દબાવ્યું એ સાથે ડો.મુજાલ અને વીરેન જે પાંજરામાં હતા તે આપમેળે મુખિયાની પાછળ પાછળ સરકવા લાગ્યું. પાંજરાને ઘેરીને ચારે જ્ળ્યુટોવાસીઓ તેની સાથે સાથે ચાલવા લાગ્યા.
વીરેન, "ડોક્ટર, આ લોકો આપણને ક્યાં લઈ જાય છે ?"
ડો. મુંજાલ મૂંઝવણભર્યા સ્વરે બોલ્યા, "મને પણ આ લોકોનો ઈરાદો શું હશે તેની સમજણ પડતી નથી."
કંઈક વિચારીને ડો. મુંજાલ મુખીયાને બોલ્યા, "ઓ જ્ળ્યુટોવાસી તમે અમને ક્યા લઈ જાઓ છો ?"
મુખિયા ચૂપ હતો.
ડો. મુંજાલ, "અરે ભાઈ ! તમે લોકોએ અમને કેમ બંદી બનાવ્યા છે ?"
મુખિયા ચૂપચાપ આગળ વધ્યે જ જતો હતો.
ડો. મુંજાલ, "આખરે, કઈંક તો બોલો ?"
મુખિયા રોકાયો, તેની સાથે પાંજરું પણ આપમેળે રોકાઈ ગયું. ચારે જ્ળ્યુટોવાસી મુખીયાના આદેશની રાહ જોતા ત્યાંજ ઊભા રહી ગયા.
મુખિયા બોલ્યો, "કારણ અમે નથી ઈચ્છતા કે કોઈ પરગ્રહવાસીની છાયા સુંદ્ધા અમારા જ્ળ્યુટો ગ્રહ પર પડે."
ડો. મુંજાલ, "અમેં અહીં આવ્યા તે બદલ અમને માફ કરો અને જવા દો. અમે કોઈને તમારા આ જ્ળ્યુટો ગ્રહ વિષે કશું નહીં કહીએ."
મુખિયા હસ્યો, "તમે ઈચ્છો તો પણ બીજાને કશું કહી નહીં શકો કારણ તમને પાંજરામાં નાખતા પહેલા જ અમે સ્મૃતિભૂસક યંત્ર વડે અહીં સુધી પહોંચવાનો માર્ગ તમારી યાદદાસ્તમાંથી ભૂંસી નાખ્યો છે."
ડો. મુંજાલ અને વીરેન કંપી ઊઠ્યા તેમણે પૃથ્વી પરથી સ્પેસશટલમાં બેઠા ત્યાર પછીની ઘટનાને યાદ કરવાનો પ્રયત્ન કરી જોયો પરંતુ તેમણે કશું યાદ જ આવ્યું નહીં.
મુખિયાએ હસતા હસતાં આદેશ આપ્યો, "લઈ ચાલો આમને.."
ડોક્ટર મુંજાલ અને વીરેન હવે ખરેખર ડરી ગયા હતા.
ચાર ચાર શેતાન જેવા દેખાતા જ્ળ્યુટોવાસી પાંજરાની સાથે સાથે ચાલી રહ્યા હતાં.
તેમની આગળ આગળ વિચિત્ર જેવો દેખાતો તેમનો મુખિયા ચાલતો હતો.
એક અજ્ઞાત ડરથી વીરેન ડરી ઉઠ્યો, "કયાંક આ લોકો આપણને મારીને ખાઈ તો નહીં જાયને ?"
વીરેનના આ વાક્યથી ધીર ગંભીર એવા ડો. મુંજાલ પણ કંપી ઊઠ્યા તેમણે પાંજરાની ડાબી તરફ નજર નાંખી તો ત્યાં પાંજરાની સાથે ચાલતો એક જ્ળ્યુટોવાસી તેમને જોઈને મુસ્કુરાઈ ઉઠ્યો. એ સાથે તેના તીક્ષ્ણ અને ધારદાર દાંત ચમકી ઊઠ્યા. ડો. મુંજાલની હાલત કાપો તો લોહી નીકળે નહીં એવી થઈ ગઈ. હવે અહીંથી નીકળવું કેવી રીતે ? શું તેઓ ફરી પાછા પૃથ્વી પર જઈ શકશે ?"
થોડો સમય ચાલ્યા બાદ તેઓ એક અવકાશયાન સમીપ આવી પહોંચ્યા. એક જ્ળ્યુટોવાસીએ હાથમાંના રીમોટનું બટન દબાવ્યું. તે સાથે જ અવકાશયાનની ઉપરનું છત્ર ખુલ્યું અને એક મશીની હાથે આવીને પાંજરાને પોતાની ભીંસમાં લીધું. હવે ધીમે ધીમે પાંજરાની સાથે સાથે ડો. મુંજાલ અને વીરેન હવામાં અધ્ધર ઉંચકાયા અને તરત અવકાશયાનની અંદર સમાઈ ગયા.
અવકાશયાનની અંદર પાંજરામાં પુરાયેલા ડો. મુંજાલ અને વીરેનને કશુંજ સમજાઈ રહ્યું નહોતું ત્યાંજ તેમણે જોયું કે પેલા પાંચે જ્ળ્યુટોવાસીઓ અવકાશયાનના પગથીયા ચઢીને અવકાશયાનમાં આવી ગયા હતાં. મુખીયાએ પાંજરા નજીક આવીને કહ્યું, "પૃથ્વી પર કતલખાનાની અંદર તમે પશુઓને આ રીતે જ લઈ જાઓ છો ને ?"
આ સાંભળી બંને વૈજ્ઞાનિકોના હોંશકોશ ઉડી ગયા.
એક જ્ળ્યુટોવાસીએ અવકાશયાન શરૂ કરી દીધું હતું.
મુખીયાએ આગળ ચલાવ્યું, "એ મૂંગા અને નિર્દોષ જાનવરોની આંખોમાં ત્યારે જે ડર દેખાતો હોય છે તેવો જ ડર હમણાં તમારી આંખોમાં દેખાઈ રહ્યો છે."
અવકાશયાન પોતાની મહત્તમ ગતિ મેળવી ચુક્યું હતું.
થોડો સમય વીતી ગયા બાદ ડો. મુંજાલે હિંમત કરીને પૂછ્યું, "તમે અમને ક્યાં લઈ જઈ રહ્યા છો ?"
મુખિયા બોલ્યો, "અમે તમને ત્યાંજ પાછા મોકલી રહ્યા છીએ કે જ્યાંથી તમે આવ્યા છો ?"
વીરેને ડરીને પૂછ્યું, "ક્યાં ? ઉપર ?"
મુખિયા હસીને બોલ્યો, "ના નીચે મતલબ ધરતી પર અમે તમને તમારી દુનિયામાં પાછા મોકલી રહ્યા છીએ"
ડો. મુંજાલ અને વીરેનને તેમના કાન પર ભરોસો થયો નહીં તેઓ ખુશીથી ઉછળી પડ્યા.
મુખિયા બોલ્યો, "અમે જ્ળ્યુટોવાસી માત્ર દેખાવે ભયંકર છીએ બાકી સ્વભાવે તમારા પુથ્વીવાસીઓ જેવા ક્રૂર નથી."
ડો. મુંજાલ અને વીરેનનું માથું શરમથી નીચે ઝૂકી ગયું.
એક જ્ળ્યુટોવાસીએ વૈજ્ઞાનિક મુંજાલ અને વીરેન જે પાંજરામાં હતાં તેનો દરવાજો રીમોટનું બટન દબાવી ખોલ્યો. બંને જણા તેમાંથી બહાર આવ્યા. તેમને જોઈ મુખિયા બોલ્યો, 'તમારી પૃથ્વીના વિકાસ વિષે અમે ઘણું સાંભળ્યું હતું. ઉપરાંત તમે અવકાશમાં તરતા મૂકેલ કુત્રિમ ઉપગ્રહોને જોઈને અમને તમારા વિષે જાણવાની ઉત્સુકતા ઉત્પન્ન થઈ હતી અને તેથી જ થોડાક વર્ષો પહેલા અમે તમારા ગ્રહ પૃથ્વીની મુલાકાતે પણ આવ્યા હતા. પરંતુ અમે જે જોયું તે ભયંકર હતું. તમે પૃથ્વીવાસીઓએ કુદરતના ભોગે વિકાસ કર્યો છે. અમને પૃથ્વી પર પ્રદુષણ અને વિનાશના સંકેત સિવાય બીજું કશું નજરે પડ્યું નહીં ! તમે જળ, ભૂમિ, વાયુ દરેકને પ્રદુષિત કરી દીધા છે અરે તમારા કૃત્યોને લીધે ધરતી પર હવે પ્રકાશ પણ પ્રદુષણમાં ફેરવાઈ ગયો છે. કેટલાય નિર્દોષ જીવોનું તમે નિકંદનવાળી દીધું છે. તમે જ્યાં ગયા છો ત્યાં માત્રને માત્ર પ્રદુષણ જ ફેલાવ્યું છે. તમે ચંદ્ર પર પગ મુક્યો તો ત્યાં શું કર્યું ? પ્રદુષણ. ડોક્ટર જરા વિચારો કે તમે પ્રગતિના પંથે જઈ રહ્યા છો કે અધોગતિના ?"
બીજો જ્ળ્યુટોવાસી બોલ્યો, "બસ ત્યારથી અમે લોકોએ પૃથ્વીવાસીઓથી દુર રહેવાનું નક્કી ર્ક્યું. આપણે પૃથ્વીની નજીક આવી ગયા છીએ. અમે સ્પેસશટલમાંથી તમને તમારી ધરતી પર છોડી દઈશું."
આ સાંભળી બંને વૈજ્ઞાનિકો ગભરાઈ ગયા.
તેમના ચહેરા પર છવાયેલા ડરને પિછાણી ગયો હોય તેમ પહેલો જ્ળ્યુટોવાસી બોલ્યો, "ગભરાશો નહીં ગમે તેટલી ઉંચાઈ પરથી પડશો તોય તમારા ગળામાં અમે જે પટ્ટો બાંધ્યો છે તે તમને કોઈપણ પ્રકારની હાની થવા નહીં દે."
આમ બોલતા બંને જ્ળ્યુટોવાસીઓ મુંજાલ અને વીરેનને સ્પેસશટલના દરવાજા પાસે લઈ આવ્યા. બંને વૈજ્ઞાનિકોએ નીચે જોયું તો તેમની નજરે વાદળા સિવાય કશું નજરે પડ્યું નહીં. પેરેશુટ વગર માત્ર એક પટ્ટાના ભરોસે અહીંથી કૂદવું મુર્ખામીભર્યું હતું. તેઓ વિસ્યમમાં ત્યાં ઊભા જ હતાં કે એક જ્ળ્યુટોવાસી તેમની નજીક આવતા બોલ્યો, "જેમણે કુદરતને જ પોતાની દુશ્મન બનાવી હોય તેવા પૃથ્વીવાસી અમારી દોસ્તી તો શું દુશ્મનીને પણ લાયક નથી."
બંને વૈજ્ઞાનિકો કંઈ બોલે કે સમજે તે પહેલાં તો એક જ્ળ્યુટોવાસી તેમને ધકેલતા બોલ્યો, "તમારા ગળામાં બંધાયેલો પટ્ટો હંમેશા તમને અમારી યાદ અપાવશે. તેને સાચવી રાખજો કારણ તે તમને યાદ અપાવતો રહશે કે હે ! પૃથ્વીવાસીઓ અમો જ્ળ્યુટોવાસીઓને રહેવા દો તમારાથી અલિપ્ત ઓ પૃથ્વીવાસીઓ યાદ રાખો.."
ઉંચા વાદળોમાં ગોળ ગોળ ચકરાવો ખાતા નીચે ધરતી તરફ સરકી રહેલા બંને વૈજ્ઞાનિકોના કાનમાં એ જ્ળ્યુટોવાસીનો સ્વર ગુંજાઈ રહ્યો "અલિપ્ત"
****
વર્તમાનમાં
સ્પેસશટલમાંથી સીધા બાગના બાંકડા પાસે આવી પહોંચેલા બંને વૈજ્ઞાનિકો આ યાદ આવતાં જ એકીસાથે ચમકી ઊઠ્યા. તેમણે આશ્ચર્યથી એકબીજા તરફ જોયું અને અચાનક બંનેના મગજમાં એકસાથે ચમકારો થયો, "કદાચ પાસવર્ડ છે અલિપ્ત" આ સાંભળી પોલીસ ઈન્સ્પેકટર યાદવે તેમના ગળામાં બંધાયેલા પટ્ટા પર "અલિપ્ત" શબ્દ ટાઈપ કર્યો અને તે સાથે "ખટ"ના એક અવાજ સાથે પટ્ટો ખુલી ગયો.
બંને વૈજ્ઞાનિકો શૂન્યમસ્તકે વિચારી રહ્યા કે "શું પૃથ્વી ખરેખર પ્રગતિ કરી રહી છે કે બ્રહ્માંડમાંથી ધીમે ધીમે થઈ રહી છે અલિપ્ત ?"
