અક્ષર
અક્ષર
મોહનલાલનું મન થોડું ઉદાસ હતું. આ ગલીઓમાં એ બરાબર પાંચ વરસે ફરી રહ્યાં હતાં. ભૂમિ તો એજ હતી પણ આસપાસની ઇમારતો-માહોલ-લોકો બધું એટલી હદે બદલાઇ ગયું હતું કે એ પોતે પોતાને પણ અજનબી લાગી રહ્યાં હતાં. હા...આ બીજા વિશ્વયુધ્ધ પછીની રંગૂનની ગલીઓ હતી. થોડા વખત પહેલાં જ યુધ્ધ પૂરું થઇ બધું થાળે પડ્યું હતું ને એ પોતે પણ પહેલાં જ્યાં નોકરી કરતાં હતાં તે કંપનીએ બોલાવતા એક વખતની આ સ્વપ્ન નગરીમાં પાછા આવ્યાં હતાં. ગલીઓની ફૂટપાથ અનેક ચીજ વસ્તુઓ થી ઉભરાતી હતી. યુધ્ધ દરમિયાન બચી ગયેલી આ વસ્તુઓ હતી -- કે જેના માલિક કાં તો જીવ બચાવવા ભાગી ગયેલા, કે પછી જીવ જ ખોઇ બેઠેલા ! પાછું ઘર વસાવવાનું તો હતું, પણ ...આમાંથી તો હું કશું ખરીદી જ ન શકું! એ વિચારતાં હતાં. ત્યાંજ એમની નજર વેચવા માટે રાખેલા પુસ્તકોના ઢગલાં પર પડી. પગ આપોઆપ અટકી ગયાં ને કોઈક ખેંચતું હોય તેમ નજીક જઈ એમણે એક બે પુસ્તકો પર હાથ ફેરવ્યો ને એમની નજર પડી ખૂણામાં પડેલા એક પુસ્તક પર. એમના ધબકારા વધી ગયાં. ખૂબ શ્રમ પડતો હોય તેમ હાથ લાંબો કરી એમણે પુસ્તક હાથમાં લીધું ને તરત જ ઓળખી ગયાં કે આતો એક સમયે મારા જ સમૃધ્ધ ઘરની -સમૃધ્ધ લાઇબ્રેરીમાં વસતું પુસ્તક !
હા! યુધ્ધ પહેલાંના બર્માના -રંગૂન શહેરમાંના એમના ઘરમાં સમૃધ્ધિ છલકાતી હતી. મોહનલાલ નાની વયે ગુજરાત છોડી અહીં આવ્યા. એમની ધગશ જોઈ એમને ત્યાંની મોટામાં મોટી કંપનીમાં સર્વિસ મળી ગઇ. પહેલાં પોતાની પત્ની પછી નાનાભાઈને પણ બોલાવી લીધા. ને હવે પંદર વર્ષે તો બંને ભાઇઓ ને એમનાં કુટુંબ સુખથી છલકાતાં હતાં. મોટો બંગલો,મોંઘુ ફરનિચર ને રાચરચીલું. બંગલાનો એક રુમ તો મોહનલાલે વાંચન શોખને કારણે લાઇબ્રેરીમાં જ ફેરવી નાંખેલો. એક દિવસ એમને વિચાર આવ્યો કે આ પુસ્તકો પર પોતાના નામની સ્ટેમ્પ મારવી જોઇએ જેથી ખોવાય નહીં. નાના ભાઇને બોલાવી એ કામ પતાવવા બેઠાં ત્યાં ક્લબમાંથી કોઇ એમને બોલાવવા આવ્યું. પાછા આવ્યા, ત્યારે બધી ચોપડીઓ પર સ્ટેમ્પ તો મરાઇ ગયેલી- પણ નાનાં ભાઇના નામની ! એમને ગુસ્સે જોઇ નાનો ભાઈ બોલ્યો " મોટાભાઈ, તમારી સ્ટેમ્પ પર ના અક્ષર બરાબર નથી ઉપસાવ્યા. શાહીમાં બોળી થપ્પો મારતાં આછા જ દેખાય છે...આ જુઓ મારા નામના અક્ષરો કેવા ગાઢા ઉપસ્યા છે.આમ જ ચમકતાં---- કાયમ રહેશે." વાત તો ખરી હતી એટલે એ ચૂપ રહ્યાં...
તેવામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બર્મા પણ સંડોવાયેલું હતું. દિવસે-દિવસે પરિસ્થિતિ બગડતી જતી હતી. ઘર બહાર બન્કર્સ બનાવી લોકો એમાં રહેતા જેથી બોંમ્બ થી બચી શકાય. હવે તો જાપાનનાં હવાઇ હુમલાં વધતાં જતાં હતાં. ત્યાં રહેલાં લાખો ભારતીયો માટે એક જ વિકલ્પ હતો કે ત્યાંથી ભાગવું... નીકળવાના કોઈ રસ્તા પણ નહોતાં. સમુદ્ર માર્ગે કલકત્તા આવી રહેલા જહાજમાં જૂજ લોકોને લઇ શકાય એમ હોવાથી લેડીઝ-બચ્ચા ને થોડાજ પુરુષો નો નંબર લાગે તેમ હતું. વાતાવરણ તંગ હતું. સદભાગ્યે ઘરની બંને સ્ત્રીઓ ને પાંચ નાનાં બચ્ચાઓને જહાજમાં પેસેજ મળી ગયો. છેલ્લી ઘડીએ હજી એક જણનો સમાવેશ શક્ય થતાં નાનાભાઇએ મોહનલાલને ખૂબ દબાણ કરી મોકલી દીધા. બધી સાહ્યબી પાછળ છોડી બે જોડી કપડાંમાં એમણે રંગૂન છોડ્યું. આ છેલ્લું જહાજ હોવાથી પાછળ રહેલા હજારો લોકો સાથે 'નાનકા' એ પગપાળા ભારત આવવું એવું નક્કી હતું. જહાજે કિનારો છોડ્યો ત્યારે અંદર રહેલા અને પાછળ રહી ગયેલા- સર્વની ભીની આંખોમાં એકસરખો ઉચાટ હતો......
ભારત પહોંચી કલકત્તામાં નવેસરથી જિંદગી શરુ કરે પાંચ વરસ વીતી ગયાં હતાં. સમયની ક્રૂર દોડમાં ઘણું પાછળ છૂટ્યું...ને આજે એજ સમયે...એમને રંગૂનની જાણીતી ગલીઓમાં અજાણ્યા બનાવી ઊભા કરી દીધા....હાથમાં અતીતના અંશ એવા પેલા પુસ્તક સાથે.....
એમણે ધ્રુજતે હાથે પુસ્તક ખોલ્યું...પહેલે પાને ગાઢા રંગમાં ચમકતાં હતાં એમના 'નાનકા'ના નામનાં અક્ષરો.....એમાં થી ડોકાતો નાનકાનો હસતો ચહેરો જાણે કહેતો હતો ...જુઓ ...પાછળથી શહેરમાં થયેલ બોમ્બબારડીંગમાં મરાઇને હું તો ન રહ્યો..પણ આ મારા નામના અક્ષરો તો કાયમ રહ્યા ને? મોટાભાઇ..