Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Inspirational

4.5  

Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Inspirational

અકબંધ

અકબંધ

6 mins
460


બપોરના બરાબર ૧૨.૦૦ વાગ્યા હતાં. વિનય ઓફિસના કામમાં વ્યસ્ત હતો ત્યાં તેના મોબાઈલની રીંગ વાગી. તેણે તીરછી નજરે મોબાઈલની સ્ક્રીન તરફ જોયું તો ત્યાં નામ ઝળહળી રહ્યું હતું. “ડીઅર પિતાજી.” વિનયે ઝડપથી કોલ રિસિવ કરી મોબાઈલ કાને અડાડ્યો. સામે છેડેથી તેના પિતાજી ગિરધારીલાલનો અવાજ સંભળાયો, “બેટા, હમણાં ને હમણાં ઘરે આવી જા.”

“પણ પિતાજી, હું કામમાં છું. તમે જાણો જ છો કે આપણી ફેક્ટરીના ઘણા ઓર્ડર બાકી છે.”

“બધા ઓર્ડર સમયસર પૂરા થઈ જશે. તું તેની ચિંતા કર્યા વગર હમણાંને હમણાં ઘરે આવતો રહે.”

“પણ આટલી શું ઉતાવળ છે ?”

“બેટા, મારી આખરી ઘડી આવી ગઈ છે. મારી પાસે સમય ખૂબ ઓછો છે.”

“આ શું બોલી રહ્યા છો પિતાજી ?”

“એટલે જ કહું છું કે, સમય બગાડ્યા વગર જલદી ઘરે આવી જા. મારે તને ખૂબ જ મહત્વની વાત જણાવવાની છે. ચાલ, ફોન મૂકું છું.”

વિનયને તેના પિતાજી ગિરધારીલાલ પ્રત્યે ખૂબ પ્રેમ અને આદર હતો. ગિરધારીલાલે ખૂબ જ ટૂંકા સમયમાં શહેરના નામાંકિત ઉધોગપતિ તરીકે પોતાનું સ્થાન જમાવ્યું હતું. અને આ પાછળનું કારણ હતું તેમની તીક્ષ્ણ બુદ્ધિ. કોઈપણ પરિસ્થિતિની સફળતા નિષ્ફળતા વિષે તેઓ ખૂબ સારી રીતે અંદાજ લગાવી શકતા હતાં. પિતાજીના કોલથી ડરી ગયેલા વિનયે પોતાની કારને ઘર તરફ દોડાવી મૂકી. સામાન્ય રીતે તેને ઓફિસથી ઘરે જતા ચાલીસ મિનિટ જેટલો સમય લાગતો. પરંતુ આજે તેણે તે અંતર માત્ર ત્રીસ મિનિટમાં કાપી દીધું હતું ! ઘરે પહોંચતા જ તેણે ગિરધારીલાલના ઓરડા તરફ દોટ લગાવી. વિનય જયારે ઓરડામાં પહોંચ્યો ત્યારે ગિરધારીલાલ વિચારમાં મગ્ન હતાં.

વિનયે હાંફતા સ્વરે કહ્યું, “મને કેમ બોલાવ્યો પિતાજી ?”

ગિરધારીલાલે કહ્યું, “તને ફોન પર કહ્યું તો ખરું કે, મારી આખરી ઘડી આવી ગઈ છે. ઠીક ૧૨ વાગીને ૪૭ મિનિટે મને હૃદય રોગનો હુમલો થશે અને હું મૃત્યુ પામીશ.”

“પિતાજી, આજે તમે આ કેવી વાતો કરી રહ્યા છો ?”

“બેટા, સામે દીવાલ પર જે ઘડિયાળ લાગેલી છે તે જુએ છે ?”

“હા.”

“તે કોઈ સામાન્ય ઘડિયાળ નથી પરંતુ મારી વર્ષોની મહેનતનું પરિણામ છે.”

“એવું તો શું ખાસ છે એ ઘડિયાળમાં ?”

“તેના દ્વારા ટાઈમ ટ્રાવેલ કરી શકાય છે.”

“ટાઈમ ટ્રાવેલ ! એ કેવી રીતે ?”

“સાંભળ, ઘડિયાળની પાછળ પાંચ કળ આવેલી છે. તેમાંથી ક્રમાનુસાર ત્રીજા, પહેલા અને પાંચમાં નંબરની કળ ફેરવવાની. ત્યારબાદ ઘડિયાળના કાંટાને આગળ તરફ ફેરવતા ભવિષ્યકાળમાં અને પાછળ તરફ ફેરવતા ભૂતકાળમાં મુસાફરી કરી શકાય છે. જ્યાં સુધી એ ત્રણ કળ ઉકેલાતી રહેશે ત્યાં સુધી તું જે તે કાળમાં રહી શકીશ. જોકે મનુષ્યને ભવિષ્યને જાણવાની જ તાલાવેલી હોય છે. ભૂતકાળની કોને નવાઈ હોય ? એ તો સહુ કોઈ જાણતા હોય છે. મેં પણ આ ઘડિયાળ ભવિષ્યની સફરને ધ્યાનમાં રાખીને જ બનાવી છે. કારણ ભવિષ્યની સફરના અનુભવોથી આપણે આપણા વર્તમાનને સુધારી શકીએ છીએ. વળી ભૂતકાળ સાથે ચેડા કરવા જતા મોટી ગડમથલ થવાની સંભાવના છે. માટે મેં જાણીજોઈને આ ઘડિયાળમાં એવી સુવિધા રાખી છે કે ભૂતકાળના સફરમાં વર્તમાનની કે વર્તમાનમાં ભૂતકાળની સફરની કોઈ યાદ સફર કરનારને આવે નહીં.” થોડુક રોકાઈ તેઓ આગળ બોલ્યા, “બેટા, આ ઘડિયાળ દ્વારા જ મેં આટલી પ્રગતિ કરી છે. ધ્યાનથી સાંભળ આ ઘડિયાળ દ્વારા એક કલાકના અંતરના જ ભવિષ્યમાં જજે. વધારે લાંબુ ભવિષ્ય જોવા જઈશ તો તું તે કાળમાં જ ગૂંચવાઈ જઈશ. અને એક ખાસ વાત એ કે ક્યારેય ભૂતકાળમાં.” ગિરધારીલાલે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. ૧૨ વાગીને ૪૬ મિનિટ થઈ હતી. તેમના ચહેરા પર વેદના ઊપસી આવી અને હાથ છાતી પર ગયો.

“પિતાજી, શું થયું ?”

“બેટા, છાતીમાં અસહ્ય પીડા થઈ રહી છે.”

“તમે બેસો હું તમારા માટે પાણી લઈ આવું છું.”

“બેટા, અહીં જ ઊભો રહી પહેલા મારી વાત સાંભળી લે.” બોલતા બોલતા ગિરધારીલાલ પલંગ પર ફસડાઈ પડ્યા.

વિનય ચીસ પાડી ઊઠયો “પિતાજીઈઈઈ”

ધીમેથી ગિરધારીલાલ બોલ્યા, “બેટા, મેં કહ્યું હતું કે.... ક્યારેય ભૂતકાળમાં સફર કરતો નહીં.” આમ કહેતાની સાથે ગિરધારીલાલે એક તરફ માથું ઢાળી દીધું.

વિનય આક્રંદ કરી ઊઠયો.

ઓરડામાં ઘડિયાળનો “ટિક ટિક” અવાજ ગુંજી રહ્યો.

ઘડિયાળ જાણે વિનયને પોતાની પાસે બોલાવી રહી હતી.

કંઈક વિચારી વિનય પોતાની જગ્યાએથી ઊભો થઈ ઘડિયાળ પાસે આવ્યો, “પિતાજી, આજદિન સુધી મેં તમારી બધી વાત સાંભળી છે પરંતુ આજે તમારી ભૂતકાળની સફર નહીં કરવાની સલાહ હું નહીં માનું. હું ભૂતકાળમાં જરૂર જઈશ. તમને પાછા જીવિત કરવા માટે મારે ભૂતકાળની સફર ખેડવી જ પડશે. વિનયે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું બપોરનો ૧.૦૦ વાગ્યો હતો. કંઈક વિચારી તેણે ઝડપથી ખિસ્સામાંથી ફોન કાઢી તેની કોલ હિસ્ટ્રી તપાસી. ગિરધારીલાલનો કોલ ૧૨ વાગીને ૨ મિનિટે આવ્યો હતો. કપાળ પર બાઝેલી પ્રસ્વેદની બુંદોને પોતાના શર્ટની બાંય વડે લૂછતા લૂછતા વિનય બોલ્યો, “જે સમયે પિતાજીનો કોલ આવ્યો હતો હું ભૂતકાળના તે સમયમાં પાછો જઈશ. પરંતુ આ વખતે હું પિતાજીનો કોલ રિસિવ જ નહીં કરું. પિતાજીની મૃત્યુ મારી સામે થઈ છે. એટલે જો હું તેમની સામે નહીં હોઉં તો તેમની મૃત્યુ થાય જ નહીં. જોકે ભૂતકાળમાં પ્રવેશતા મને વર્તમાનની કોઈ વાત યાદ નથી રહેવાની. તેથી સ્વાભાવિકપણે પિતાજીનો કોલ રિસિવ કરવાનો નથી એ વાતનો મને ત્યારે ખ્યાલ નહીં આવે. પરંતુ આનો ઉપાય મેં શોધી કાઢ્યો છે.”

વિનયે તેના મોબાઈલમાં ગિરધારીલાલનો નંબર બોલ્ક કરી દીધો. “હવે પિતાજી ફોન કરશે તો પણ મને તે લાગશે નહીં. એટલે તેને રિસિવ કરવાનો પ્રશ્ન જ ખડો થતો નથી.”

આમ બોલી વિનયે મોબાઈલને ખિસ્સામાં મૂક્યો. હવે તેણે ઘડિયાળની પાછળ આવેલી ત્રીજા, પહેલા અને પાંચમાં નંબરની કળ વારાફરતી ફેરવી. કળ ફેરવ્યા બાદ તેણે ગિરધારીલાલના દેહ તરફ જોઈ કહ્યું, “પિતાજી, હું તમને મરવા નહીં દઉં.” આમ કહેતાની સાથે વિનયે ઘડિયાળનો કાંટો ઊલટો ફેરવી અગિયારના આંકડા પર મૂક્યો.

પ્રકાશનો એક તેજ લીસોટો ઓરડામાંથી ઝડપથી પસાર થઈ ગયો.

*****

બપોરના ૧૨ વાગીને ૧૫ મિનિટ થઈ હતી. વિનય ઓફિસના કામમાં વ્યસ્ત હતો ત્યાં તેના મોબાઈલની રીંગ વાગી. તેણે તીરછી નજરે મોબાઈલની સ્ક્રીન તરફ જોયું તો અજાણ્યો નંબર હતો. વિનયે અકળાઈને ફોન કાને અડાડ્યો તો સામે છેડેથી તેના પિતાજી ગિરધારીલાલનો અવાજ સંભળાયો, “બેટા, ક્યારનો તને ફોન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ તારો નંબર વ્યસ્ત આવતો હતો. આખરે કંટાળીને આ બીજા નંબરથી તને ફોન કર્યો. છોડ એ વાતને. બેટા, હમણાંને હમણાં ઘરે આવી જા.”

“પણ પિતાજી, હું કામમાં છું. તમે જાણો જ છો કે આપણી ફેક્ટરીના ઘણા ઓર્ડર બાકી છે.”

“બધા ઓર્ડર સમયસર પૂરા થઈ જશે. તું તેની ચિંતા કર્યા વગર હમણાંને હમણાં ઘરે આવતો રહે.”

“પણ આટલી શું ઉતાવળ છે ?”

“બેટા, મારી આખરી ઘડી આવી ગઈ છે. મારી પાસે સમય ખૂબ ઓછો છે.”

“આ શું બોલી રહ્યા છો પિતાજી ?”

“એટલે જ કહું છું કે, સમય બગાડ્યા વગર જલદી ઘરે આવી જા. મારે તને ખૂબ જ મહત્વની વાત જણાવવાની છે. ચાલ, ફોન મૂકું છું.”

ફોન વિચ્છેદ થતાની સાથેજ વિનયે ઓફિસમાંથી બહાર નીકળી પોતાની કારમાં બેઠો અને તેને ઘર તરફ હંકારી મૂકી. ઘરે પહોંચતા જ વિનયે ગિરધારીલાલના ઓરડા તરફ દોટ લગાવી. વિનય જયારે ઓરડામાં પહોંચ્યો ત્યારે ગિરધારીલાલ વિચારમાં મગ્ન હતાં.

વિનયે હાંફતા સ્વરે કહ્યું, “મને કેમ બોલાવ્યો પિતાજી ?”

ગિરધારીલાલે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. ૧૨ વાગીને ૪૬ મિનિટ થઈ હતી. તેમના ચહેરા પર વેદના ઊપસી આવી અને હાથ છાતી પર ગયો.

“પિતાજી, શું થયું ?”

“બેટા, છાતીમાં અસહ્ય પીડા થઈ રહી છે.”

“તમે બેસો હું તમારા માટે પાણી લઈ આવું છું.”

“બેટા, અહીં જ ઊભો રહી પહેલા મારી વાત સાંભળી લે.” બોલતા બોલતા ગિરધારીલાલ પલંગ પર ફસડાઈ પડ્યા.

વિનય ચીસ પાડી ઊઠયો “પિતાજીઈઈઈ” 

ઘડિયાળની કળ ફરતી બંધ થઈ.

પ્રકાશનો એક તેજ લીસોટો ઓરડામાંથી પસાર થઈ ગયો. 

હેબતાઈને ગિરધારીલાલ બોલ્યા, “મૂરખ, મેં કહ્યું હતું ને કે.... ક્યારેય ભૂતકાળમાં સફર કરતો નહીં.” આમ કહેતાની સાથે ગિરધારીલાલે માથું એક તરફ ઢાળી દીધું.

વિનય આક્રંદ કરી ઊઠયો.

ઓરડામાં ઘડિયાળનો “ટિક ટિક” અવાજ ગુંજી રહ્યો.

ઘડિયાળ જાણે વિનયને પોતાની પાસે બોલાવી રહી હતી.

પરંતુ હવે તેનો કોઈ અર્થ નહોતો.

કારણ.

ઘડિયાળનું રહસ્ય હંમેશ માટે ઘડિયાળમાં જ થઈ ગયું હતું 'અકબંધ'.


Rate this content
Log in

Similar gujarati story from Abstract