અહમ
અહમ


આજથી ત્રણ દાયકા પહેલાં જ્યારે પૂરપાટ ઝડપથી પાછળથી કોઈ વાહન આવતું ત્યારે આગળના વાહનનો ડ્રાઈવર હાથ બહાર કાઢી પાછળના વાહનને આગળ જવા માટે ઈશારો કરતો. તે સમયે પણ તે તેનો હાથ બહાર કાઢતો નહોતો. કારણ કે તે હજી તો યુવાનીમાં ડગ માંડી રહ્યો હતો.
આજે જમાનો બદલાયો તે સાથે સુખ-સુવિધા વિચાર વર્તનમાં પણ બદલાવ આવ્યો છે. આજે હાથ બહાર કાઢી આગળ જવા માટે ઈશારો કરવો પડતો નથી. ફક્ત એક સ્વિચ દબાવી સાઈડલાઈટ કરી આગળ જવા માટે નિમંત્રણ આપવાનું છે. પરંતુ સુખ-સુવિધાઓ સાથે તેનો સ્વભાવ પણ બદલાતો રહ્યો છે. પહેલા તરત જ હાથ બહાર કાઢી આગળ જવા માટે ઈશારો થઈ જતો ત્યારે પણ તે "અહમ" ને કારણે, 'તે કેવી રીતે મારાથી આગળ વધે' તેમ વિચારી કોઈને આગળ વધવા દેતો નહોતો. એટલે આજે પણ ફક્ત એક સ્વિચ દબાવીને ઈશારો કરવાનો હોવા છતા તે તે
મ કરી શકતો નથી. આમનેઆમ જીવનની રફતારમાં તે આગળને આગળ વધી રહ્યો હતો.
આજે પણ તે એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ ઝડપથી આગળ વધી રહ્યો છે. પાછળથી અનેક વાહનનોના હોર્નનો અવાજ તેમજ ડિપરલાઈટનો ફોકસ પડી રહ્યો છે. પણ 'તે કેવી રીતે મારાથી આગળ જઈ શકે-' તે વિચારે તેનો પગ એકસિલેટર પરથી હટતો નહોતો. ત્યાં તેની નજર એકાએક બાજુના માઈલસ્ટોન પર પડી. માઈલસ્ટોન પર "૫૮"નો આંકડો જોયો.. અને…
અને તે સાથે જ તેને લાગ્યું કે હવે સાઈડલાઈટની સ્વિચ દાબાવવાનો સમય આવી ગયો છે. અને તેનો હાથ એકાએક પેલી સ્વિચ તરફ ગયો. તે સાથે જ તેનો ડાબો પગ પણ ઉપર આવ્યો અને પાછળ થી એક પછી એક વાહન પસાર થતા રહ્યા. તે પસાર થતા વાહનોને શાંતિથી જોતો રહ્યો. બસ જોતો રહ્યો…તે સાથે જ તેનો જીવનભરનો "અહમ" ઓગળતો રહ્યો.