Priti Shah

Abstract Inspirational

3  

Priti Shah

Abstract Inspirational

અહેસાસ

અહેસાસ

3 mins
204


રજત : "હેલો, મમ્મા જયશ્રીકૃષ્ણ."

સુધાબેન : "જયશ્રીકૃષ્ણ..ઓહો ! મારા સોના બેટાને બહુ દિવસે ટાઈમ મળ્યો ને કાંઈ ?"

રજત : "શું કરું મમ્મા ? તને તો ખબર જ છે આ મુંબઈની લાઈફ કેવી ભાગ-દોડવાળી હોય છે ?"

સુધાબેન : "હા, હા જાણું છું. એટલે જ તને અહીંયા રહેવાનું કહેતાં હતાં. તને બહુ અભરખા હતા મુંબઈ રહેવાનાં. અહીં વડોદરામાં શું ખોટું હતું ? કેટલી શાંતિની લાઈફ હતી."

રજત : "ઓહ મમ્મી, તું પાછું તારુ પુરાણ શરુ ના કરી દઈશ હોં. એકની એક કેસેટ સાંભળવી નથી ગમતી."

સુધાબેન : "લે, તો આજે પીપુડુ વગાડું." (બોલીને જોરથી હસી પડ્યાં.)

રજત : "મમ્મા, તું નહિ સુધરે હોં.."(હસતાં-હસતાં)

સુધાબેન : "લે, તારો બાપ સુધર્યો છે આજ સુધી ? તે તારી માને સુધારવા નીકળી પડ્યો છે."

રજત : "આજે બહુ મજાકનાં મૂડમાં છે ને કાંઈ ?"

સુધાબેન : "હું તો આ જ મૂડમાં હોઉં છું.. પણ કોઈને ટાઈમ જ ક્યાં છે મારી વાતો સાંભળવાનો. હૂમમમમ.."

રજત : "એમ ? એટલે બાજુમાં પપ્પા બેઠાં છે એમ ને ? એમના તરફ મોબાઈલ ફેરવ, તો હું પણ જોઉં, એ શું કરે છે તે?"

સુધાબેન : "આ લે જો, ટીવી ને મોબાઈલ બે જ એમનાં ભેરૂ. લોકડાઉનમાં કશે જવાય નહિ એટલે આખો દિવસ કરે પણ શું ? આ મોબાઈલમાં માથું નાંખીને બેઠાં છે."

રજત : "પપ્પાની પાછળ પેલું શું દેખાય છે ?"

સુધાબેન : "તારા લગ્નનો આલ્બમ છે."

રજત : "ઓહો, જૂની યાદો તાજી કરાય છે એમ ને ?"

સુધાબેન : "હા, ભાઈ, અમારે તો હવે એનાથી જ સંતોષ માનવાનો ને ?" ( ઊંડો શ્વાસ લેતાં કહે છે..)

રજત: "જો, પાછુ મહેંણું માર્યું ને ?"

સુધાબેન : "લે, તું કંઈ મારી વહુ છે તે તને મહેણું મારું ? મારી વહુ છે ક્યાં એ તો કહે ?"

રજત : "મમ્મા, એ તો હોસ્પિટલ ગઈ છે. આમ તો, હમણાં એની 12 કલાકની ડ્યુટી છે. પણ ઈમરજન્સી કેસ હોય તો ગમે ત્યારે જવું પડે."

સુધાબેન : "મારી વહુ બિચારી એમ.બી.બી.એસને પાછી સરકારી હોસ્પીટરમાં નોકરી કરે, એટલે એની ડબલ ડ્યુટી ને તું ? કોરોનાએ તને બેરોજગાર કરી દીધો એમ ને ?"

રજત : "મમ્મા, શું તું પણ ? હું ડેન્ટીસ્ટ છું એટલે..બાકી કાયમ માટે થોડો કંઈ ઘરે બેઠો છું."

સુધાબેન : "અરે ! ભાઈ, મજાક કરુ છું. હમણાં તો તું નવરો ખરો કે નહિ ? મારી વાત ખોટી હોય તો કહે ?"

રજત : "ના, બિલકુલ નહિ..આઈ મીન તારી વાત એકદમ ખોટી છે. હું જરાયે નવરો નથી. તને ખબર છે ? તારા આ ડૉક્ટર દીકરાએ આખું ઘર સંભાળી લીધું છે. સવારે 'ચા'થી માંડીને રસોઈ સુધીનું બધું કામકાજ હું જ કરું છું. વળી પાછી તું કહેશે કે મારી વહુ બહારેય કામ કરે ને ઘરનું કામ પણ કરે ? એટલે મારે તો કરવું જ પડે ને ? બે સાસુ-વહુમાં સેન્ડવીચ તો મારે જ બનવાનું ને ? તમે બે સાસુ-વહુ લડતાં ત્યારે, પપ્પા સેન્ડવીચ બનતાં ને હવે તમે બંને સાસુ-વહુ ભેગાં થઈ ગયાં છો એમાં મારો મરો.."

સુધાબેન : "હમમમમ.. અબ આયા ઊંટ પહાડ કે નીચે."

રજત : "થા.. થા.. તું ખુશ થા.."

સુધાબેન : "હા, તે થઉં જ ને.. આ તારા પપ્પાને તો ઘર કેવી રીતે સંભાળવું તે ક્યારેય ખબર ના પડી. કમ સે કમ તને એનો અહેસાસ તો થયો. ચાલો, હા...શ.."

રજત : ઓ..મારી મા..આ બધું તો ફક્ત આ લોકડાઉન છે ને ત્યાં સુધી જ હોં..( બે હાથ જોડીને )

પછી તો આપણે નોકર-ચાકર ને એય સુખસાહેબી.. (અદબવાળીને ખુશ થતાં )

સુધાબેન : "હા, ભાઈ હા, તારી વાત તું જાણે.. ચાલ, હમણાં ચાનો ઓર્ડર આવે તે પહેલાં ચા મૂકી દઉં." (ધીમેથી..મોબાઈલ નજીક મોઢું લઈ જઈને આંખ મીંચકારતાં)

"તું ઘરનાં કામમાંથી જરાક નવરો પડે ત્યારે સમય કાઢીને ફોન કરજે. હજુ તો ઘણાં દિવસ બાકી છે. જયશ્રીકૃષ્ણ"

રજત : "મમ્મા..મમ્મા..ખરી જ છે.. સારું, ચાલ, જયશ્રીકૃષ્ણ."


Rate this content
Log in

Similar gujarati story from Abstract