mariyam dhupli

Tragedy Inspirational Thriller

5  

mariyam dhupli

Tragedy Inspirational Thriller

અડગ

અડગ

6 mins
416


૨૬ જાન્યુઆરી ૨૦૦૧.

એ દિવસને ન ગુજરાતનો ઈતિહાસ કદી ભૂલાવી શકે, ન હું. 

ધરતીએ આપેલા એ આંચકા હજી પણ નિયમિત સ્વપ્નમાં આવી કાળજું કંપાવે છે. દટાયેલા માનવ શબ, જમીનદોસ્ત ઈમારતો, ભસ્મીભૂત સ્થાપત્યો....... થોડીજ ક્ષણોમાં 'માનવી છે જ શું ? ' એ દરેક જીવ સમજી ચૂક્યો હતો જેમાં હું પણ ખરો. 

મને બરાબર યાદ છે એ દિવસે દુકાન તરતજ બંધ કરી હું મારી હાથ લાકડી જોડે ઘર ભણી ઉપડી પડ્યો હતો. ધરતીકંપ વિશે ઘણું વાંચ્યું હતું, ભણ્યું હતું. પણ અનુભવના શિક્ષણ સામે અન્ય ભણતરનું કેવું ગજું સાહેબ ! 

દુકાનથી ઘરનું અંતર પગપાળા કાપી શકાય એટલું જ હતું. છતાં મને સમય લાગ્યો. એક પગ વડે હું બે પગવાળા માનવી જેટલી ઝડપ તો.... 

હા, મારા જન્મ જોડેજ તબીબે મારા માતાપિતાને એ દુઃખદ સમાચાર આપી દીધા હતાં. મારા એક પગનો વિકાસ કદી ન થશે. જ્યારથી ચાલવાની તૈયારી કરી ત્યારથી મારી હાથલાકડીજ મારા બીજા પગ તરીકેનું કર્તવ્ય નિભાવતી હતી. આમ છતાં એ દિવસે મારી ઝડપ સામાન્ય કરતા તો બમણી જ હતી. જાણે કે મારી નિર્જીવ લાકડી પણ પરિસ્થિતિની કટોકટી સમજી પોતાનો સાથ સહકાર આપી રહી હતી. પોતાના સહારે એણે નામના જ સમયમાં મને ઘર ભેગો કર્યો. 

મારું ફ્લેટ સહી સલામત હતું. મારી પત્ની અને બાળકો જીવિત હતાં. એ નિહાળતાંજ મેં રાહતનો દમ ભર્યો અને ઈશ્વરનો લાખ લાખ આભાર માન્યો. એ ડરેલા જીવોને પણ મને નિહાળતાંજ એક મોટો હાશકારો થયો. એ દિવસે જે આલિંગન અમે એકબીજાને આપ્યું એમાં પ્રેમ અને કૃતજ્ઞતાનું એક અનેરું જ સ્તર હતું. બસ અમે 'હતાં', જીવિત હતાં, એકમેકની જોડે હતાં. એટલુંજ પર્યાપ્ત હતું. જીવનની નાની મોટી દરેક સમસ્યાઓ, મુશ્કેલીઓ, તકલીફો, વિઘ્નો, ફરિયાદો, તકરારો.....એ આલિંગનમાં કણ કણ પીગળી અદ્રશ્ય થઈ ગઈ હતી. 

એ આખી બપોર હું મારા ફ્લેટમાંજ મારા પરિવાર જોડે રહ્યો. કોઈ ધારદાર ઈજા ગરમ લોહીમાં અનુભવાય નહીં. પણ ધીમે ધીમે લોહી ટાઢું પડતા એની અસર ઉભરાવા લાગે. એ જ પ્રમાણે શરૂઆતમાં તો શું થયું, કઈ રીતે થયું, શા માટે થયું એ કઈ સમજાયું જ નહીં. પણ ધીમે ધીમે સમાચારો અને માહિતીઓ થકી ઘટનાની ગંભીરતા સમજાઈ રહી. 

કેવો વિનાશકારી ધરતીકંપ હતો એ !

હજારો માનવી મૃત્યુના મુખમાં. હજારો સશક્ત ઈમારતો એકજ ઝાટકે ભોંય ભેગી. કોઈએ બાળકો ગુમાવ્યા, કોઈએ માતાપિતા, કોઈએ પ્રેમ, કોઈએ ઘર, કોઈએ વ્યવસાય તો કોઈએ એક સાથે બધુંજ. વિશ્વાસ કઈ રીતે થાય કે હું એ ભાગ્યશાળીઓમાંથી હતો જેની પાસે બધુજ સુરક્ષિત બચ્યું હતું. એ દિવસોમાં ટીવીના અધ્ધ્ધ ચેનલ્સ તો હતાં નહીં. સાંજે આવતું સમાચારપત્ર પોતાના પાનાઓ ઉપર જાણે મૃત્યુ અને પતનનું કોઈ ભયંકર રંગચિત્ર લઈને આવ્યું હતું.

એ સાંજે આખું ગામ જાણે શોકથી મૂંગુ બની ગયું હતું. ગામમાં ગુંજતા રોજબરોજના શોર અને ધમાલને જાણે કોઈએ રિમોટ લઈ સ્તબ્ધ કરી નાખ્યા હતાં. અસરની અઝાનનો અવાજ મારા કાન ઉપર પડ્યોજ કે મારું હૃદય એક ધબકાર છોડી ગયું. 

એ બચી તો ગઈ હશે ? 

હેમખેમ હશે ? 

એને કાંઈ થયું તો.....

નહીં...નહીં.....

હું એને ભૂલી કઈ રીતે ગયો ? હું પણ કેવો સ્વાર્થી ! 

" અરે ક્યાં જાઓ છો ?" 

મારી હેબતથી ડઘાયેલી પત્ની અને બે માસુમ બાળકોની આંખોમાં એમને છોડીને કશે ન જવાની આજીજી સ્પષ્ટ ડોકાઈ રહી હતી. 

" હમણાંજ આવી જઈશ. ગામનો એક ચક્કર લગાવી આઉં. કોઈને મારી જરૂર હોય તો......" 

મારી હાથ લાકડી હંમેશની જેમ મારો સાથ આપવા તૈયાર થઈ ઊઠી અને હું બીજીજ ક્ષણે ગામના રસ્તાઓ ઉપર મારી હાથલાકડી ટેકવતો નીકળી પડ્યો. ફ્લેટની બારીમાંથી ઝાંખી રહેલ મારા પરિવારને ઈશ્વરને હવાલે કરી. 

આમતો મારું ગામ કદમાં ખુબજ નાનું. નામ એનું રાંદેર. ગુજરાતના જાણીતા શહેર સુરતથી ફક્ત બેજ કિલોમીટરના અંતરે વસેલું. 

નાનકડી, સાંકડી શેરીઓ. દસની પણ અંદર ગણતરીમાં આવતા મહોલ્લાઓ. સૌથી વધુ એ જાણીતું તો રમઝાન માસમાં ભરાતા રાત્રિ મેળા માટે. ગામના મુખ્ય બસ સ્ટેશનથી લઈ પાંચેક મહોલ્લાના વિસ્તાર સુધી યોજાતા એ રાત્રિ મેળામાં ફક્ત સુરતથીજ નહીં ગુજરાતનાં જુદા જુદા વિસ્તારો, ગામો, શહેરોમાંથી લોકો કોઈ પણ જાતના ધાર્મિક ભેદભાવ વિના ખાણીપીણીની ઉજાણી કરવા જે રીતે છલકાઈ પડે ત્યારે સાચેજ સાબિત થાય કે વિવિધતામાં એકતા તે આનુંજ નામ. ગામના પરાઠા હોય કે કુલ્ફી, *ખાવશેર ( *બર્મીશ નુડલ્સ ઈન કોકોનટ મિલ્ક ગ્રેવી ), હોય કે આલુપૂરી....નાનકડા ટપકા જેવા ગામમાં ખાણીપીણી જોડે સહ કુટુંબ શોપિંગ કરી રહેલા અસંખ્ય લોકોની ભીડભાડ જોઈ મનમાં પેલી પારસી લોકો વાળી વાત યાદ આવી જાય. જ્યાં પ્રેમ અને આદર હોય ત્યાં દૂધમાં શાકરની જેમ જગ્યા સહજ થઈ જતી હોય. 

પરંતુ એ સાંજે એ રસ્તાઓ અત્યંત ભેંકાર મારી રહ્યા હતાં. ગામવાસીઓના હૃદય હજી શાંત થયા ન હતાં. કેટલાક છૂટાછવાયા લોકો શેરીઓના નાકે ટોળું વળી પરિસ્થિતીની ચર્ચા કરી રહ્યા હતાં. કેટલીક દુકાનો હજી કામ કરી રહી હતી. પણ દરરોજ જેમ ગ્રાહકોની ઉપસ્થિતિ ન જ હતી. દૂરથીજ ઓળખીતા ચહેરાઓને મેં સલામ કર્યા. બધાને સુરક્ષિત નિહાળી મને સંતોષ થયો. મને સુરક્ષિત નિહાળી ચોક્કસ એમને પણ થયોજ હશે. 

પણ શું એ સુરક્ષિત હશે ? 

ફરી એની ચિંતા અને ફિકર મનને ઘેરી વળી. મારા મનમાં એનું સ્થાન કેટલું ઊંચું હતું અને મારાં જીવનમાં એનું શું મહત્વ હતું એ તો હુંજ સમજી શકું અને મારો એક માત્ર પગ. 

બાળપણમાં જયારે હું મારાં એક પગને લઈ લઘુતાગ્રન્થિનો શિકાર બનતો હતો, જયારે જયારે મારો આત્મવિશ્વાસ ડગી જતો હતો, જયારે લોકોના હૃદયમાં મારાં માટે પ્રેમ અને સમાનતાની જગ્યાએ હું ફક્ત અને ફક્ત દયાજ નિહાળતો હતો ત્યારે મારા પિતાજી મને એનું ઉદાહરણ આપી અભિપ્રેરિત કરતા.

" જો એને. એનો પણ એકજ પગ છે. તારી જેમ. પણ એને કોઈની દયાની જરૂર છે ? કેવી ઊભી છે આપણી સામે ! એકદમ ટટ્ટાર. ન કોઈ ડર. ન કોઈ ભય. આખું ગામ એને માન આપે છે. આપણા ગામની શાન છે. કારણકે એ સૌથી જુદી છે. તદ્દન તારી જેમ. "

હું સાચેજ અભિપ્રેરિત થઈ જતો. નિયમિત એની સામે જઈ ઊભો રહેતો. હું એને નિહાળતો અને એ મને. બન્ને પાસે એકજ પગ હતો. પણ તો શું ? 

પગ તો હતો. 

એણે મને એ ખુમારી બક્ષી હતી. જીવનના દરેક પડકારો હું એક પછી એક પાર કરતો ગયો. અન્ય તમારી દયા ખાય એ જો ગમતું ન હોય તો પહેલા તમારે જાતે પોતાની દયા ખાવાની બંધ કરવી પડે. સ્વમાનની એ શરત એણેજ મને શીખવી હતી. આપણું જુદાપણું એજ આપણી શાન બની શકે. 

પણ એક વિનાશક ધરતીકંપનાં જોરદાર આંચકાએ ફરી જડ, મૂળમાંથી બધુંજ હલાવી મૂક્યું હતું. મારો આત્મવિશ્વાસ પણ. એ કઈ રીતે બચી હશે ? 

શક્યતા શૂન્ય હતી. 

મારો આગળ વધી રહેલો ડગ ધ્રુજી રહ્યો હતો. એક પછી એક શેરીઓ પસાર કરતો હું એની દિશામાં આગળ વધી રહ્યો હતો. પણ મારું મન મને પરત વળી જવા કરગરી રહ્યું હતું. એને એ હાલતમાં.....

મારા શ્વાસ પરાકાષ્ઠાએ ફૂલ્યા હતાં.

એક અંતિમ વણાંક ......

એનું પતન જોઈ મારાં આત્મવિશ્વાસના ચૂરેચૂરા થવાના હતાં. હું જાણતો હતો. પણ મારે એને જોવી હતી. 

અંતિમ એકવાર.......

સ્વર્ગસ્થ પિતાજીના શબ્દો કાનમાં ફરી ગૂંજી ઉઠ્યા અને વળાંક લેતાંજ મારી આંખો ઉભરાઈ આવી. મારું નમેલું માથું હિંમત ભેગી કરી મેં ઉપરની દિશામાં ઉઠાવ્યું. મારી આંખોના ઝળહળીયા વચ્ચેથી મેં એને નિહાળી. 

એ ત્યાંજ હતી. 

મારી આંખોની તદ્દન સામે. 

એકદમ ટટ્ટાર. 

એક પગ ઉપર ઊભી. 

ન કોઈ ડર.

ન કોઈ ભય. 

અંતિમ ૨૦૦ વર્ષોથી અડગ ઊભી. 

અતિઆધુનિક સશક્ત બાંધકામવાળી ઈમારતો જે જીવલેણ ધરતીકંપમાં એકજ ક્ષણમાં ધરતીમાં સમાઈ ચૂકી હતી એજ ધરતીકંપ સામે એ પોતાના એકજ પાયા ઉપર શાનથી ટકી હતી. 

દુનિયાભરના આર્કિટેક્ટ, સ્થાપત્યકારો માટે આજે પણ એક રહસ્યનું ઉખાણું બની રહેલી મારા રાંદેર ગામની શાન. 

'કુવતે ઈસ્લામ મસ્જિદ '

જેને લોકો 'હરિ મસ્જિદ ', ' એક ખંભા મસ્જિદ ' કે 'વન પિલર મસ્જિદ ' તરીકે પણ ઓળખે છે. 

એક એવી મસ્જિદ જેની આખી વિશાળ ઈમારત ફક્ત એકજ પાયા ઉપર ઊભી છે.

આર્કિટેક્ટ જગતની જીવતીજાગતી અજાયબી !

આજે પણ જયારે મારો આત્મ વિશ્વાસ ડગમગે છે કે જીવનનું તુફાન હૃદયને ડરાવે છે ત્યારે હું એની આગળ આવી ઊભો રહી જાઉં છું. 

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ની તારીખ આંખ આગળ તરી આવે છે ને પિતાજીના શબ્દો મનમાં ગૂંજતાજ જીવન સામે એક પગે અડગ ઊભાં રહેવાની હિંમત ફરી મળી જાય છે.

( *મસ્જિદનું સરનામું : વરિયાઓલિ સ્ટ્રીટ, રાંદેર, સુરત, ગુજરાત ) 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy