Minaxi Rathod "ઝીલ"

Drama Crime Thriller

4  

Minaxi Rathod "ઝીલ"

Drama Crime Thriller

અબુધ (ભાગ-1)

અબુધ (ભાગ-1)

3 mins
295


   "જીવન જ્યોત નારી સંરક્ષણ ગૃહ"નાં ગેટ આગળ એક ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી મહિલા કોન્સ્ટેબલ સાથે બે અન્ય મહિલા પોલીસકર્મી નીચે ઉતર્યા. એ બંને એ એક સ્ત્રીને હાથ પકડી નીચે ઉતારી. આશરે ૩૩ વર્ષ ની ઉંમર હશે. નિસ્તેજ ચેહરો, વિંખાયેલા વાળ, ઢીંચણેથી ફાટેલી સલવાર તેના શરીરના ઉપરના ભાગે ઓઢણી વિંટાળેલી કદાચ તેની કમીઝ પણ ફાટેલી જ હતી. દેખાવથી જ પગલી દેખાતી. તેનું મોટું પેટ તેને ચાલવા અસમર્થ બનાવી રહ્યું હતું. તેના માથે, હોઠ અને હાથ પર થોડી ઈજાના નિશાન પણ હતા, એવી એ સ્ત્રીને બંને હાથે ટેકો આપીને તે મહિલા પોલીસ કર્મી નારી સંરક્ષણ ગૃહના અંદર દાખલ થઈ રહ્યાં હતાં. તેની નીચી આંખો કોઈને જોતી ન હતી.

નારી સંરક્ષણ ગૃહના સંચાલક સુજાતા બહેનને અગાઉ થી જાણ કરવામાં આવી હતી. સુજાતા બહેને પણ આગળ આવી તે સ્ત્રીને ટેકો આપી ખુરશીમાં બેસાડી. નારી સંરક્ષણ ગૃહમાં કામ કરતી બહેનો એ તેને પાણી આપ્યું. સુજાતા બહેને તેમના નારી સંરક્ષણ ગૃહમાં કંઈ કેટલીય આવી સ્ત્રીઓને જિંદગીથી ઝઝૂમતી જોઈ હતી પણ આ સ્ત્રીનો કેસ કંઈક અલગ લાગતો હતો.

સુજાતા બહેન એ મહિલા કોન્સ્ટેબલ ને ઓફિસમાં બેસાડ્યા અને મહિલા કોન્સ્ટેબેલે વાત શરૂ કરી. એમને સવારે એક ફોન કોલ આવ્યો હતો. કે કોઈ ગાંડા જેવી સ્ત્રી ફૂટપાથ પર પડી છે અને લોકો ટોળે વળી તેને જોઈ રહ્યા છે. એના શરીર પર પૂરતા કપડાં નથી. અમારી ટીમ ત્યાં પહોંચી. અને અમે એને અહીં લઈ આવ્યા. આજુ-બાજુ ભેગા થયેલા લોકોને પૂછતાં ખબર પડી કે આ તો ગાંડી છે. એ તો ગાંડાની માફક અહી તહીં બસ ભટક્યા કરતી હતી. કોઈ ખાવા પીવાનું આપે તો ઠીક નહીં તો ગમે ત્યાં પડી રહેતી.

આ ગાંડીને આ પરિસ્થિતિમાં લાવનાર કોણ ? એ કેવો નરાધમ હશે જેણે આ સ્ત્રીને આ સ્થિતિમાં લાવીને ઊભી કરી દીધી. જેને ભાન નથી કે તેના ગર્ભમાં એક બાળક ઉછરી રહ્યું હતું. અને તે પોતે મા બનવાની હતી. એના મગજની પરિસ્થિતિ પહેલેથી જ આવી હશે કે પછી થઈ હશે.? અનેક અટકળો અને સવાલ ઊભા થઈ રહ્યાં હતાં. મહિલા કોન્સ્ટેબલે કહ્યું આગળની કાર્યવાહી થાય ત્યાં સુધી એને અહીં જ રાખવાની રહેશે.

સુજાતા બહેનએ હા પાડી અને પોલીસ જવા રવાના થઈ. સુજાતા બહેન તેના તરફ એક નજર કરી જોઈને જ દયા આવી જાય એવી એની સ્થિતિ હતી. જેને પોતાની જાતની કોઈ સુધ બૂધ જ નહતી. સુજાતા બહેન એ તેમની સાથે કામ કરતી બહેનોને તેને નવડાવી સ્વચ્છ કપડાં પહેરાવવા કહ્યું. સુજાતા બહેનએ તેને ઊભી કરવાં જેવો એને હાથ લગાડ્યો કે અચાનક જાણે એ તંદ્રામાંથી જાગી હોય એક જાટકે એમનો હાથ પોતાના હાથમાંથી છોડાવી દીધો અને ચકળ-વકળ નફરતભરી નજરે એમની સામે જોઈ રહી અને પોતાના હાથ ઉપરથી એમના હાથના સ્પર્શને એણે ઘસી-ઘસી ને સાફ કરી દીધો. બંને હાથની મુઠ્ઠી વાળી છાતી પર લગાવી અને આડું ફરી જાણે દીવાલમાં ગરકી જવાની હોય એમ એની આંખો બંધ કરી દીવાલ પર મોઢું ટેકવી દીધું અને એ જાણે બેહોશ થઈ ગઈ.

    સુજાતા બહેનએ પ્રેમથી તેના માથા પર મા ના વ્હાલ ભર્યો હાથ ફેરવ્યો. સુજાતા બહેન એક સ્ત્રી થઈ તેની લાગણી સારી રીતે સમજતા હતાં. એમણે સંસ્થાની બીજી બહેનોને ઈશારો કર્યો અને એને લઈ જવા કહ્યું.

    તેને જતા જોઈ સુજાતાબહેન મનમાં વિચારી રહ્યા હતા શું આ જન્મથી જ આવી હશે.? કે પછી કોઈ ઘટના કે પરિસ્થિતિએ એની આવી હાલત કરી હશે.? એનું ઘર ક્યાં હશે.? એને આમ એકલી રસ્તે રઝળતી કેમ મૂકવી પડી હશે.?

એટલામાં ફોનની ઘંટડી રણકી અને સુજાતા બહેનએ ફોન ઉપાડ્યો. સામેના અવાજથી એમના ચહેરાના હાવભાવ તંગ અને બદલાયેલા જોઈ શકાતાં હતા.!

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama