એક ઘર તો હોવું જોઈએ
એક ઘર તો હોવું જોઈએ
આજે ઘણાં સમય પછી કોરોનાનો ભય ઓછો થતાં ગર્લ્સ હોસ્ટેલ ફરી શરૂ થઈ. કપિલા ગેટની આગળ ઊભી રહી એકધારી નજરે ગર્લ્સ હોસ્ટેલના બિલ્ડીંગને તાકી રહી હતી. એની આંખોમાં આંસુના ઝળઝળિયાથી દ્રશ્ય થોડું ધૂધળું દેખાઈ રહ્યું હતું, કદાચ આ એનું "ત્રીજું ઘર" હતું એમ વિચારી રહી હતી. તેને જોઈને ચોકીદારએ આનંદથી આવો બહેન કહીને ગેટ ખોલ્યો. એણે આંસુ છૂપાવતા બીજી તરફ જોઈ આંગળી નો રૂમાલ બનાવી આંખોનું પાણી હળવેથી લુછી દીધું. અને પોતાના સામાન સાથે ગેટની અંદર દાખલ થઇ.
દીકરીઓની કિલકારી વગરની ગર્લ્સ હોસ્ટેલ આજ સાવ સૂની ભાસતી હતી. એમ એની અંદર પણ જાણે સુનકાર છવાયો હોય એવું જ એને જોઈને લાગતું હતું. તે શરીરથી અસ્વસ્થ લાગતી હતી. કંઇક તો હતું જે એને અંદર ને અંદર કોરી ખાઈ રહ્યું હતું જે એના શરીરને ખોખલું બનાવી રહ્યું હતું.
હવે પાછી ફરેલી એ પહેલાં જેવી હસતી ખેલતી કપિલા લાગતી નહોતી. ધીરે ધીરે સ્ટાફના અન્ય બહેનો પણ એમના સામાન સાથે આવી રહ્યા હતા. બધા આવી ગયા પછી આચાર્ય મેડમ દ્વારા કામની વહેંચણી કરી દેવામાં આવી.
બીજા દિવસે સવારના દસ વાગવા આવ્યા હતા. કપિલા એને સોંપવામાં આવેલ કામમાં વ્યસ્ત હતી એ કબાટ ખોલીને ગર્લ્સ હોસ્ટેલમાં નિભાવવામાં આવતા રજીસ્ટરો ચેક કરી અપડેટ કરી રહી હતી અને તેની નોંધ બનાવી રહી હતી.
એટલામાં જ ટેબલ પર ના મોબાઈલની ઘંટડી રણકી અને એની આંખોમાં રોનક આવી ગઇ. રીંગ વાગતા જ એની લાડકી દીકરી નિયુંનો ફોટો ફ્લેશ થયો. એણે ફોન ઉપાડ્યો સામેથી નિયુંનો અવાજ આવ્યો. નિયું કપિલાની દીકરીનું લાડકું નામ. નિયું પાંચ વર્ષની હતી. કપિલા એ એની દીકરી સાથે એની જ કાલીઘેલી ભાષામાં વાતચીત શરુ કરી. વાતવાતમાં નિયું કપિલા પાસે આવવાની જિદ કરતી હતી અને કપિલા એને કંઈ ને કંઈ બહાનું કરી મનાવી લેતી હતી.
થોડીવાર પછી તેના પતિએ નિયું પાસેથી મોબાઈલ લીધો અને કપિલા સાથે વાતચીત શરૂ કરી. વાતચીત દરમિયાન કપિલા એને વારંવાર થોડી રાહ જોવાની અને ઉતાવળ નહીં કરવાની રડતી રડતી કાકલૂદી કરી રહી હતી. પણ એનો પતિ ઘરના બધા ઉતાવળ કરી રહ્યાં છે એમ કહી જાણે કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતો. તે મૂંગી મૂંગી રડતી બધું સાંભળી રહી હતી.
એક દીકરો ના આપી શકવાના કારણે તેને જ જાણે ગુનેગાર ઠેરવવામાં આવી રહી હતી. ઘણી બધી વાતચીત આનાકાની પછી આખરે સામે છેડેથી ફોન મુકાયો. એની આંખમાંથી ગાલ પર થઈ સરકતા આંસુ મોબાઇલની સ્ક્રીનને ભીંજવી રહ્યા હતા. તેના મનમાં અનેક સવાલોનો વંટોળ ચાલી રહ્યો હતો.
હવે એ ક્યાં જશે ? શું કરશે ? તેને પોતાની કમનસીબી પર, પોતાની જાત પર, પોતાના શરીર પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો.
એ નાની દસ વર્ષ ની હતી ત્યારે જ એની મમ્મી એનાથી દૂર ભગવાન ના ઘરે ચાલી ગઇ હતી. પપ્પા અને એક નાનકડો ભાઈ એમ નાનું કુટુંબ હતું. કપિલા ઉંમરલાયક થતાં પપ્પાએ સમાજના રીતરિવાજ મુજબ એના લગ્ન કરાવી દીધા. કપિલાનો અભ્યાસ સારો એટલે એને ગર્લ્સ હોસ્ટેલમાં શિક્ષિકાની નોકરી મળી ગઈ.
કોરોનાના કાળમુખા રોગે બે માસ પહેલા જ તેના પિતાનો પણ ભોગ લીધો. એક વાતનો વિસામો અને પિયરનો આશરો હતો તે પણ કુદરતે એની પાસેથી છીનવી લીધો. એક નાના ભાઈ પર બોજ બનવું એને યોગ્ય લાગતું ન હતું.
એના પતિ અને ઘરના બધાને ઘરનો વારિસ જોઈતો હતો. એટલે એ એમના સમાજના રીતરિવાજ મુજબ બીજા લગ્ન કરી રહ્યો હતો.
તેમાં કપિલાનો શું વાંક ? એને એવું લાગતું હતું.
હું તો ચાહું એક આલાયદું હોવું જોઈએ,
મારું પોતાનું ઘર-આંગણું હોવું જોઈએ.
જ્યાં લઈ શકું ગર્વથી મારા બધા નિર્ણયો,
મુજ પર કોઈનું ના આધિપત્ય હોવું જોઈએ.
એક ઘર છોડયું અને એક ઘર અપનાવ્યું,
ક્યાંયનીય ના રહું એવું ના હોવું જોઈએ.
મારી ઈચ્છા શું ? અને મારી સંવેદનાઓનું શું ?
ફોગટ ફર્યા સપ્તપદી એવું ના હોવું જોઈએ.
સોંપ્યું મારું અસ્તિત્વને સોંપ્યું આખું આયખું,
અધવચ્ચે તું તરછોડે એવું ના હોવું જોઈએ.
દીકરો નૈ તો આપી મેં દીકરી' જવાબદાર તું,
તારે વધારવો વંશવેલો એવું ના હોવું જોઈએ.
