Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime

4.5  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime

પાક દામન

પાક દામન

4 mins
349


શિયાળાની સમી સાંજનો સૂરજ આથમી રહ્યો હતો. અને અંધારું પોતાનું સામ્રાજ્ય ફેલાવવા કટિબદ્ધ થયું હતું. તેવામાં એક ચર્ચના મોટા લોખંડના દરવાજાને કોઈએ બે હાથ વડે હચમચાવી દીધો. અને હડાને બે હાથ વડે જોર જોરથી ખોલવાનો પ્રયત્ન કર્યો. કિચૂડ કિચૂડ અવાજ સાથે કાચની બંગડીઓનો અવાજ શાંત વાતાવરણમાં રણઝણતા અજબ પડઘા સાથે પડઘાઇ રહ્યો હતો.

ચારે દિશામાં ડરામણી નજરથી જોતી રઘવાઈ અને ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ, ઘરેણાંથી લથબથ એના કાને પકડો....પકડો....આ તરફ બુમો પાડતો પગરવ સંભળાયો એ જેમ બને તેમ ઝડપથી દરવાજો ખોલી ચર્ચની અંદર દાખલ થઈ ગઈ.

હળવી હવાની લહેરખીથી મીણબત્તીઓના આછા હાલકડોલક થતા અજવાળાએ એને છુપાવવા માટે જાણે રસ્તો કરી આપ્યો. એ દોડીને ઈસુની મૂર્તિ પાછળ જાણે એમનો પડછાયો બનીને લપાઈ ગઈ. અચાનક એને દરવાજો ખોલીને શોધવા અંદર દોડી આવતા લોકોનો અવાજ સંભળાયો. એણે આંખ બંધ કરી શ્વાસની રફતારને રોકી લીધી. એતો અંધકારમાં અંધકાર બનીને જાણે ઈસુમાં જ વિલીન થઈ ગઈ. જે લોકો એને શોધતા હતાં એ દોડતા અંદર આવ્યા. પવનના સૂસવાટા એ જાણે જળતી મીણબત્તીઓને બુઝાવી દીધી. અંધકારમાં આમ-તેમ શોધતા તે ના દેખાઈ તેથી તેઓ ત્યાંથી બીજી દિશામાં શોધવા ચાલ્યા ગયા. થોડીવાર સુધી તે ત્યાં જ બેસી રહી.

શાંત રાત્રિના તમરાંઓના અવાજ ની વચ્ચે એના કાને પાણી...પાણી...નો હળવો ધીમો અવાજ સંભળાયો. એણે ઈસુની પાછળથી ડોકાચિયું કરી ચારેકોર નજર કરી પણ કોઈ દેખાયું નહીં. એ ધીમે ધીમે બહાર આવી. તેના પગના ઘુંઘરુની ઘૂઘરીઓનો રણકાર ચર્ચમાં પ્રસરી રહ્યો હતો. એણે પાણી...પાણીના અવાજની દિશામાં એના પગ ગતિમાન કર્યા.

એક ઓરડાં આગળ આવતાં એના પગ થંભી ગયા. અવાજ ત્યાંથી જ આવતો હતો. તેણે કમાડની તિરાડમાંથી એક આંખ ઝીણી કરી અંદર જોવાનો પ્રયત્ન કર્યો પણ અંધકારને લીધે એને અંદરનું કંઈ દેખાતું નહીં. તેણે કમાડને બે હાથ વડે અંદર તરફ ધક્કો લગાવ્યો. કમાડ ખૂલવાથી એના આછા પ્રકાશમાં તેની નજર સમક્ષ એક પાદરી પથારીમાં જાણે છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા.

તે હળવેથી પાદરીની પથારી આગળ જઈ ઊભી રહી. પાદરીએ એને પાણીનો ઈશારો કર્યો. એણે આજુબાજુ નજર કરી અને ટેબલ પર પડેલાં પાણી ભરેલાં જગમાંથી પાણીનો ગ્લાસ ભરી એમની તરફ હાથ લંબાવ્યો. પાદરી પોતાના હાથથી ગ્લાસ પડવામાં અસમર્થ હતા. તેમના હોઠ અને ગળું પાણી વગર સુકાઈ રહ્યું હતું. એ જોઈને એને દયા આવી એણે તરત એમને પથારીમાં બેઠા કરી પાણી પીવડાવ્યું. એ એમને જોતી રહી અને પાદરીની આંખ થોડીવારમાં મિંચાઈ ગઈ. પાછી તે ડરતી ડરતી ચર્ચનાં એક ખૂણામાં એનું શરીર અને કપડાં સંકોરીને બેઠી.

"એની આંખમાં ઊંઘ નહોતી, કેટલીય રાતોના ઉજાગરા હતા. શરીર પર ઉઝરડા હતા, હૈયુ તો જાણે લોહી લુહાણ જ હતું." એના ચૂંથાયેલા શરીર પ્રત્યે એને ભારોભાર અણગમો અને તિરસ્કાર થઈ ગયો હતો. અને એની નજર ઇસુના લોહી નિંગળતા શરીર ઉપર સ્થિર થઈ. એમની અડધી બિડાયેલી આંખો અને ઝૂકેલા ચહેરા પર એક હળવું સ્મિત લહેરાઈ રહ્યું હતું. એમની બાજુમાં મધર મરીયમની મૂર્તિ હતી. એ એક અજબ ભાવ સાથે ઈસુને એકધારી નજરે તાકી રહ્યા હતા. એની સામે જાણે બે જીવંત મૂર્તિઓ વાતચીત કરી રહી હતી.

મધર મરીયમના ચહેરામાં એને "મા"ની યાદ આવી એનું ઘર યાદ આવ્યું. અને એ એના ભૂતકાળમાં સરકી ગઈ. "માં જીવતી હશે કે નહીં ?"

મનમાં વિચારોનો વંટોળ ઉઠ્યો.

"બિમાર મા અને પિતા નહી હોવાથી એની મજબૂરીનો લાભ કોણે નહીં ઉઠાવ્યો હોય ?"

શું એક સ્ત્રી એકલી ક્યારેય સુરક્ષિત રહી જ ના શકે ? એની વણકહી વેદના ઘરમાં, બહાર, અંધારામાં અને અજવાળામાં જાણે જંગલમાંથી ભૂખ્યા જાનવર આવ્યા હોય એમ નજરથી પણ અંગેઅંગ ખોતરી નાખતા અને એ પહેરેલા વસ્ત્રોમાં જ જાણે નિર્વસ્ત્ર થઇ જતી.

કેટલું બચવું અને કોનાથી બચવું ? આખરે એક બદનસીબ દિવસે એ એના વિશ્વાસમાં આવી ગઈ અને એવી ગઈ તે પાછી ફરી જ ના શકી. રોઝીમાંથી રેશ્માબાનું બની ગઈ. આખો દિવસ સુમસામ અને ઉદાસીભર્યો પણ ગલીઓ રાતે રંગીન બની જતી. મુન્નીબાઈનાં કોઠાની રોનક જ નોખી હતી. મુજરાની રોશની, ગજરા, ગીત-સંગીત ગઝલોની સુરાવલીઓ, ગ્રાહકોની ચહલપહલ, દિવસની જેમ ધમધમતી રાતને પણ મદહોશ કરી દેતી.

રૂપિયા પૈસાની તો રેલમછેલ હતી પણ સુકૂંન ક્યાં હતું ? આમાં એક સ્ત્રીનું અસ્તિત્વ ક્યાં હતું ? એની સાથેની કોણ આ દુનિયામાં રાજીખુશીથી આવી હતી ? અને એણે એક દિવસ આ ગુમનામ ગલી છોડવાનો નિર્ણય કર્યો અને લપાતી છુપાતી અહીં આવી પહોંચી. આગળનું જીવન તો હવે સરળ નથી જ રહેવાનું એમ વિચારી એ ઈસુના ચહેરાની સામે બે હાથ વડે મીણબત્તી ધરી નિ:શબ્દ બની તાકી રહી. પણ એટલામાંજ ગુંડાઓએ તેને ઘેરી લીધી અને પાછી એ ગુમનામ ગલી તરફ એના લથડતાં કદમ ભરતી નીચી નજરે ચાલી નીકળી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy