Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

4.0  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

આ પુરુષ જાત

આ પુરુષ જાત

3 mins
221


આજે બે દિવસ થયા હતાં. થોડી સ્વસ્થ થઈ તે ડાઈનિંગ ટેબલ પર જમવા બેસી. જમવાનું શરૂ કર્યું પણ એની નજર સામે તો એ જ દ્રશ્ય તરવરી રહ્યાં હતાં. હાથમાં કોળિયો લઈ મોંઢામાં મૂક્યો. મમળાવ્યો પણ એ કેમે કરીને ગળાની નીચે ઊતરતો ન હતો. એણે હાથના બીજા કોળિયા સામે નજર કરી અને જેમ તેમ મોંઢામાં મૂક્યો, પરાણે કોળિયો ને ગળામાંથી નીચે ઉતારવાની કોશિશ કરી, એને ખબર હતી કે હમણાં ગળામાં ડૂમો ભરાશે તો એ કોળિયો પણ ગળામાંથી ઉતારી શકશે નહીં. અને એના ગળામાં રીતસરનો ડચૂરો વળ્યો અને આંખમાં પાણી આવી ગયા. એ મનોમન પોતાની જાતને અને પોતાના જીવનને ધિક્કારી રહી હતી.

અચાનક એને કંઈ ભીનું થતું હોય એવું લાગ્યું અને એ ધીરે - ધીરે બાથરૂમ તરફ ગઈ એના પગ વચ્ચેથી જાણે લોહીની નદી વહી રહી હતી એમાંથી એક પ્રકારની બદબૂ આવી રહી હતી. એની વાસથી એને સુગ ચઢી એ નાક દબાવી શૂન્યમનસ્ક બની એને તાકી રહી.

માંડ સ્વસ્થ થઈ એ રૂમમાં આવી એણે ટીવી ચાલુ કર્યું. ટીવીમાં "બેટી બચાવો, બેટી પઢાવો, બેટી વધાવો" કાર્યક્રમ આવી રહ્યો હતો. એનું સમગ્ર સંચાલન એના પતિ રૂપેશે કરવાનું હતું. જેણે બે દિવસ પહેલા જ દીકરા માટે દીકરીની ભૃણહત્યા કરાવી હતી. અને જેને દીકરો જોઈતો હતો. એ જ રૂપેશ આજે "બેટી બચાવો" પર વક્તવ્ય આપી રહ્યા હતા. અકળામણ સહન કરવાની પણ એક હદ હોય.

ત્રણ માસ પછી

જાનકી રસોડામાં પોતાનું નિત્યક્રમ મુજબ કામ કરી રહી હતી. રૂપેશે જાનકીને બૂમ પાડી કહ્યું કે આજે સાંજે તૈયાર રહેજે ડોકટરના ત્યાં જવાનું છે મોડું ના કરતી.

આ સાંભળીને જાનકીને એકદમ ધક્કો લાગ્યો. એ જાણે ટેકો લીધેલ દીવાલ સાથે જડાઈ ગઈ હતી. એવામાં સાડીનો પાલવ ખેંચાયો અને એની પાંચ વર્ષની દીકરી એને બોલાવી રહી હતી. એ તંદ્રામાંથી જાગીને નીચે જોયું એણે એને તેડી લીધી. એને છાતી સરસી ચાંપી વ્હાલ કર્યું.

એ વિચારતી હતી. સાંજે રૂપેશ આવશે અને દવાખાને લઈ જશે પાછી એ જ દવા, એ જ ઉપચાર અને એ જ મન વગર નિશ્ચિત સમયે મળવાનું... આવું ક્યાં સુધી ચાલશે? આ શરીરનું શું ? હજુ પણ એ એની બે અજન્મી કુમળી દીકરીઓની વેદના અનુભવી રહી હતી. જાણે એ હાથ લાંબા કરીને માં.. માં... બોલાવી રહી હતી હજુ એનો અવાજ કાનમાં ઞુંજી રહયો હતો અને એ ધીમે - ધીમે એ દૂર જતી દેખાતી અદ્રશ્ય થઈ ગઈ.

 એણે મનોમન કંઈક કરવાનું નક્કી કરી લીધું હતું.એ જાણતી હતી કે એ જે કરવા જઈ રહી છે એનું અનપેક્ષિત, અસામાન્ય પરિસ્થિતિનું પરિણામ એણે પોતાને ભોગવવા તૈયાર રહેવું પડશે પણ એ મક્કમ હતી હવે નહી ના નિર્ધાર સાથે.

બંને જણ ડોકટર પાસે જઈ આવ્યા, જે વિચાર્યું હતું એ જ મુજબ કાર્યક્રમ હતો પણ એ હવે એના માટે તૈયાર નહોતી.

એ સમજતી હતી કે લગ્નને પાંચ વર્ષ પછી દીકરીનો જન્મ થયો હતો. એ પણ પાંચ વર્ષની હતી અને હવે દીકરાની આશા હતી. પણ દીકરી જન્મી એમાં એનો શું વાંક ? વિજ્ઞાન પણ સાબિત કરી ચૂક્યું છે કે દીકરો કે દીકરી ના જન્મ માટે સ્ત્રી જવાબદાર નથી. એમ વિચારીતી એ કામે વળગી.

સાંજનું જમવાનું પતાવી એ દીકરીને સૂવાડી પોતાની સૂવાની તૈયારી કરતી હતી ત્યાં જ રૂપેશે હળવેથી જાનકી પાસે આવવાની કોશિશ કરી અને લાઈટ બંધ કરી. ડીમ લાઈટની રોશનીમાં એક એક કપડાં પોતાનું સ્થાન ભૂલી રહ્યાં હતાં પણ જાનકીની અંદર તો કંઈક બીજી જ આગ સળગી રહી હતી. 

"ક્યાં સુધી તડપવું ? ને રોજ રોજ ઝઝૂમવું ?

એવું થાય કે, હવે તો બસ સામે જ પડવું !"

અને એણે રૂપેશને પોતાના ઉપરથી ધક્કો મારી દૂર હડસેલી દીધો. થથરતી પોતાની જાતને પોતાનામાં સમેટતી એ બાજુમાંથી કપડાં ઉપાડી પોતાની જાતને ઢાંકી રહી !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy