Minaxi Rathod "ઝીલ"

Tragedy Action Inspirational

4.3  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Action Inspirational

કાયાકલ્પ

કાયાકલ્પ

3 mins
233


એક ટુકડો પસાર થઈ ગયેલા સમયનો અને એક ટુકડો પસાર થઈ રહેલા સમયનો. જિંદગી ક્યારેય એક જેવી ચાલી જ નથી. ક્યારેક સીધી લીટીની જેમ વહેતી થાય કે અચાનક જાણે વહેતા પાણીને વચ્ચોવચથી કોઈકે ચીરી નાંખી હોય એમ સમયનાં ધારદાર ખંજરથી હું ચિરાઈ જતી. વારંવાર પિયર જતાં રહેવાની ધમકી અને આ ઘર પેલું ઘર. એ અસહ્ય દર્દનો કોઈ અંત જ નહતો. ઉપર વિશાળ આકાશ નીચે ધરતી અને વચ્ચે પીસાતી અમારી ત્રણ માસૂમ જિંદગીઓ. 

હવે તો બંને દીકરીઓ ઉંમરલાયક થવા આવી હતી. જે લોકો જાણતા એ માંગુ લઈને આવતા હતા. ક્યારેય દીકરીઓને વીતેલી જિંદગી વિશે કંઈ કહ્યું જ નથી, પણ એ ક્યારે આટલી સમજદાર બની ગઈ એ ખબર જ ન પડી. મે મારા તરફડતા આંસુને ક્યારેય બહાર આવવા દીધા નથી. તો કેમ ? અને ક્યારે ? એમને એવો અહેસાસ થયો કે એ બંને મારા ઉપર બોજ હતી. 

કેમ એણે કંઈ આનાકાની કર્યા વગર જ આવેલ માંગાની હા પાડી દીધી ? શું એ મારા પરનો બોજ ઉતારવા માંગતી હતી ? એની પસંદ હું બરાબર જાણતી હતી પણ ખબર નથી મારું બેચેન મન મને વારંવાર આ સવાલ કરી રહ્યું હતું. એના લગ્ન થયા અને હજી થોડા જ સમયમાં... એણે કંઈક તો કહ્યું હોત ! એ મારા દિલનો ટુકડો હતી. 

જ્યારે એના સમાચાર મળ્યા ત્યારે મને કોઈ ભાન જ ન હતું. જાણે હું કોઈ કૂવાના ઊંડા તળમાં, લીલ ભરેલા ખાબોચિયામાં ચૂપચાપ પડી હતી. થરથર ધ્રુજતી, અસહ્ય પીડાથી પીડાઈ રહી હતી. કોઈ "મા"ને જ્યારે એનું બાળક મરી જાય ત્યારે એના આંસુઓમાં આકાશ-પાતાળ એક થઈ જતું હોય છે. મા-બાપે તો એના સંતાનોના ખભા પર અંતિમ યાત્રા પૂરી કરવાની હોય છે, પણ જ્યારે માતાએ પોતાના સંતાનને સ્મશાન સુધી લઈ જવું પડે, ત્યારે જાણે એનું હૃદય અને એના શ્વાસ પણ એની સાથે જ દફન થઈ જતા હોય છે. 

થોડી થોડી વારે એ ભાનમાં આવ્યા પછી પોતાની દીકરીને ' પાછી આવ, પાછી આવ... ' ની બૂમો પાડતી. એની નજર આગળ હોસ્પિટલની પથારીમાં નિસ્તેજ પડેલી, કાચનાં નાના ગોળ કાણામાંથી એને જોઈ રહેલી એની આંખો, એની સાથે વાતો કરવા માટે તરસતી, મન અંદરોકયાંયગ્લાનીથી લથબથ, જો મને સમયસર ખબર પડતી હોત તો હું એને બચાવી શકતી. શું કામ ? એ એકલી ઝઝૂમી હશે ? 

એણે એક તીણી ચીસ સાંભળી અને અચાનક એ સફાળી બેઠી થઈ અને તેજ રફતારથી બીજા રુમ તરફ દોડી અને બીજી દીકરી ને પોતાની સજ્જડ બાથમાં ભીડી લીધી. એનો ભયભીત અને ફિક્કો પડી ગયેલો ચહેરો, આંસુથી છલોછલ આંખોને એણે પોતાના પાલવમાં, છાતીમાં છૂપાવી દીધા. 

જે નથી એના દુઃખમાં કેમ અત્યાર સુધી એ જે છે એની ચીસ, ગૂંગળામણ એના દુઃખથી અજાણ રહી ? જાણે કે અજાણતાં જ એની ગુનેગાર બની ગઈ હતી. એની આંખોના પડળ આગળથી એક પછી એક જાળા હટી રહ્યા હતા. વરસોથી બંધ પડેલા ઓરડાના કમાડને એણે જાણે જોરદાર ધક્કો માર્યો. એ ઓરડાની વાસી ગંધ બહાર નીકળી સૂરજના તાજા અજવાળાએ એની અંદર પ્રવેશ કર્યો. 

એક જ જિંદગીમાં એક એની અને બે દીકરીઓની જિંદગી એમ ત્રણ ત્રણ જિંદગી સાથે જીવી હતી. 

પણ ના...  હવે નહી.... 

ના સહન કરવું, ના સમાધાન કરવું, ના કોઈ જુલમ ને ચુપચાપ મૂંગા મોઢે સહન કરવું. હવે નથી દિલના દરવાજા ખોલીને એની રાહ જોવી કે નથી એના પગ ધોઈ પાણી પીવું. 

આ કેવો સમાજ છે જે એક જીવત વ્યક્તિને દાનમાં આપી દે છે. એ પણ કાયમ માટે...

તારા ગયા પછી રોજ લખતી રહેલી આ ડાયરીને અને એની સાથે જ રોજ વાગોળતા ભૂતકાળને હું આજે અહીં જ થંભાવી દઉ છું. આજે હું તારી યાદો ને કડવા ભૂતકાળ પર પૂર્ણવિરામ મૂકું છું. આજથી હું મારી કાયાકલ્પ કરીશ, નવું જીવન જીવીશ, મારી મરજી મુજબ, મારી પસંદગીનું જેમાં તું કયાંય નહી હોય, કયાંય નહી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy