Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4.5  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

શ્યામલી

શ્યામલી

3 mins
273


હું તો એને શ્યામલી જ કહીશ. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે દેખાવથી વિરુદ્ધ કે દેખાવ ઉપરથી એને હુલામણું નામ પાડતા હોઇએ છીએ. એનું હુલામણું નામ "ચાંદની" હતું. દેખાવ નાક નકશાએ સાવ સાધારણ, કાયા પાતળી, શરીરનો રંગ શ્યામ, આગળના ચાર દાંત બહાર નીકળેલા, અવાજ પણ ખૂબ મોટો, સજીને તૈયાર થાય ત્યારે તો જાણે ચાંદનીની શ્રીદેવી જ જોઈ લો એટલો એને પોતાના ઉપર વહેમ હતો. સાડી પહેરતી અને ડાબી કેડ બાજુ સાડીની પાટલીઓ ઉપર ખોસી રાખતી. સોસાયટીના નાકેથી બૂમ પાડે લવીંગ.... મરી....તજ...હીંગ...મસાલા...લઈ જજો.....                                

એનો અવાજ છેક ઘરમાં અંદર સુધી સંભળાતો. રોજ નાની ટોપલીમાં બધા મરી મસાલા લઈને વેચવા આવતી. જુવાનીયા હોય કે બુઢા બધાની સાથે હસી હસીને વાતો કરતી એવી મળતાવડી. બધાની જેમ હું પણ એની પાસેથી જ મસાલા લેતી હતી. અને કટ કટની વાતો કરવાની એતો જુદી.                                           

એક દિવસ વૈશાખની ભર બપોરે એ આંખોમાં વસંત ભરીને આવી હતી. શરમાતા શરમાતા કહયું, "ભાભી મારા લગન સ." પંદર દિવસ પછી હરખુડીનો હરખ પણ માતો નહતો. મારા વતનમાં એના લગન થવાના હતા. એને જોઈને મને પણ મારા દિવસો યાદ આવી ગયા. લગ્ન પહેલાં એક છોકરીએ એના લગ્નને લઈને કંઈ કેટલાય સપના જોયા હોય છે. એના ઘર એના થનારા પતિ વિશે. પાનખર શું ? એ તો એને ખબર પણ હોતી નથી. એને તો એમ કે પ્રેમ એટલે નિરંતર એકમેકમાં ઓગળવાનું એક બીજાની પસંદ ના પસંદ, ભાવતું ના ભાવતું, ગમતું અણગમતું, ઈચ્છા અનિચ્છામાં એની સાથે રહેવું એને જ સમર્પિત થવું.

એક છોકરીને બાળપણથી આજ શીખવવામાં આવે છે. એક માને દીકરીની ખૂબ ચિંતા હોય કે જો એ સાસરે જશે અને એના કંઈ કામમાં ચુક આવશે તો એને સાંભળવાનો વારો આવશે કે એની મા એ કંઈ શીખવાડ્યું જ નથી. જાણે એ કોઈના ઘરેથી નહી પણ કોઈ ફેકટરીમાં થી આવી ના હોય એમ.                   

અરે....હું પણ કયાં ખોવાઈ ગઈ.....  

હું ખુશ હતી. વતન આવવાનું થશે તો જરુર મળીશું એમ કહયું હતું એને. રસોડામાં મસાલા ખલાસ થતા, હું એના આવવાની રાહ જોતી હતી પણ એનું આવવાનું બંધ થઈ ગયું હતું. થોડા દિવસમાં આજુ- બાજુમાં પૂછતા ખબર પડી કે એતો એના સાસરે જતી રહી હતી.                  

એક વખત મારે મારા વતન જવાનું થયું. હું બસમાંથી ઉતરી અને સ્ટેશનની બહાર જતી હતી. મારી નજર રોડ પર ખજૂરીની સાવરણી વેચતી બે ત્રણ બહેનો પર પડી એમાંની એક ચાંદની હતી. હું તરત તેને મળવા ત્યાં પહોંચી. મને જોઈ હરખથી એની આંખો ચમકી એ તરત ઉભી થઈ અને બોલી, ભાભી ? અહીં ચોથી તમે જાણે મને હમણાં જ વળગી પડશે પણ એની જાતને એણે રોકી. હરખથી એની સાથેના નાના બાળકને બતાવી એણે કહ્યું, "આ નાનો સોકરો ને મોટો ઘેર સ." પણ એના શબ્દોમાં પહેલાં જેવી મીઠાશ ન હતી.

એણે વાતવાતમાં હાથ સંતાડવાની કોશિશ કરી. કુંવારી કન્યા ના કોડ ઋતુરાજ વસંત જેવા, પાણકોરા જેવો પુરુષ પાનખરમાં તબદીલ કરી નાંખે. મેં જોયું એનો હાથ સુજેલો હતો અને વાતમાં પહેલાં જેવી ખનક ન હતી. હું એને મળીને નીકળી...... પછી ફરી કયારેય એને મળવાનું થયું નહતું. 

એક દિવસ હું કામ કરતી હતીને પાછો અવાજ સંભળાયો, લવીંગ....મરી.....તજ....હીંગ.....મસાલા...અને હું એના આવવાની રાહ જોતી ઘરની જાળીના પગથિયાં પર બેઠી.

ચાંદની આવી પણ એનામાં પહેલાં જેવું નૂર ન હતું. એ પહેલાની ચાંદની હતી જ નહી. મેં એને પૂછ્યું,'કેમ છે ?'એટલામાં એની આંખોમાંથી દડ દડ આંસુ સરી પડ્યા. મારી આંખો પણ ભરાઈ ગઈ. એણે કહ્યું, એનો પતિ એની ઉપર ખૂબ વહેમાતો હતો અને રોજ એને માર મારતો હતો. રોજ કેટલું સહન કરવું ? એ કામ ધંધો તો કરતો પણ બધું વ્યસનમાં ઉડાવી દેતો એટલે એ એને છોડીને બંને બાળકોને લઈ અહીં આવતી રહી હતી. હવે એ અહીં જ રહેશે અને પોતાના બાળકોને મોટા કરશે.                                        

હવે એ ફરી મરી મસાલા વેચવા લાગી. એ પહેલાંના જેવી જ ચાંદની લાગતી હતી. આજે પણ એ સીઝનેબલ ધંધો કરી ખુદ્દારીથી પોતાનું અને પોતાના બાળકોનું ગુજરાન ચલાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy