Minaxi Rathod "ઝીલ"

Children

4.5  

Minaxi Rathod "ઝીલ"

Children

કૂખ

કૂખ

3 mins
439


નિત્યક્રમ મુજબ નાહીને ભીના વાળ છંટકોરી ટુવાલથી બાંધી એ તુલસી ક્યારે સૂર્યદેવને જળ ચઢાવવા આંગણામાં આવી. સૂરજનું અજવાળું અંધારું ચીરતું ધીરે ધીરે રાતને અલવિદા કરી રહ્યું હતું. ઝાકળની ફરફર બુંદ આંગણામાં બનાવેલા નાનકડા બગીચાની લોન પર ભીનાશ પાથરી સોનેરી કિરણોના પ્રકાશથી ઝગમગી રહી હતી. ઓસરીની છતના એક ખૂણામાં એક ચકલીનો માળો અને કાબરોની કલબલથી આંગણું ગુંજી રહ્યું હતું. 

ઓસરીમાં આવી એણે હિંચકાના સળીયા પર ચકો ચકીને ઝૂલાં ઝૂલતાં જોયા. અરીસા પર વારંવાર બેસીને પોતાનું પ્રતિબિંબ જોઈ ચાંચ મારતા ત્યારે એમની ચીં...ચીં...ચીં...થી આખું ઘર ગુંજી ઉઠતું. એણે માળાં માંથી ચકલીના ત્રણ બચ્ચા મોં ફાડીને બેઠેલા જોયા. ચકી બચ્ચાની ચાંચમાં ચાંચ નાખીને કંઈક ખવડાવી ઉડી જાય, પાછા બચ્ચા મોં ફાડીને નાનકડાં માળામાંથી ડોકીયા કરી ચકીની રાહ જોતા હોય એમ ચારે દિશામાં ભોળપણથી જોયા કરતા. ક્યાંય સુધી મમત્વની અમીભરી નજરથી તે આ દ્રશ્ય જોઇ રહી. 

પાણીની ઝારી લઈ બગીચામાં ગુલાબ, જુહી, જાસુદ અને મોગરાને જાણે મમતાનું પાન કરાવી રહી હતી. જૂહીની ઉગતી કુમળી કળીઓને આવકારવા કળીને સ્પર્શેલો ઉમળકા ભરેલો એનો હાથ એની સૂની કૂખ ઉપર ગયો અને એ અનિમેષ નજરે ખિલતી કળીઓ ને તાકી રહી. એના અંતરમનમાં આજ કંઈક અલગ જ સંવેદનાની અનુભૂતિ થઈ રહી હતી. કળીની મહેંક છેક એની સુંવાળી કૂખ સુધી પ્રસરી ગઈ. દસ વર્ષના દામ્પત્ય જીવન બાદ પણ એનો ખોળો ખાલી હતો.

"યશોદા....ઓ....યશોદા...!" રસોડામાંથી બાનો અવાજ આવ્યો. જલ્દી કર બેટા તારે હજુ કેટલા કામ બાકી છે. આ મુકુન્દરાયના દીકરા અનુરાગની વહુ મંજરીના ખોળાભરણાંમાં જવાનું છે, યાદ છે ને તને ? યશોદાનું ધ્યાન ભંગ થયું અને એ મમત્વના અલૌકિક ભાવ જગતમાંથી સીધી એના સામાન્ય સ્વજગતમાં પાછી ફરી.

"એ...હા...હા....બા" યાદ છે કહેતી રસોડામાં આવી. ફટાફટ કૂકર ગેસ પર ચઢાવ્યું અને નાસ્તો બનાવવાની તૈયારીમાં લાગી. એનું મન અનુરાગના ત્યાં જવામાં બિલકુલ નહતું. તેણે બાને કહ્યું "બા તમે જઈ આવો ને" મારે કામ છે એમ કહી વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. બા યશોદાના મનની મૂંઝવણ સમજી ગયા. એમણે પ્રેમથી યશોદાના માથે હાથ ફેરવ્યો અને કહ્યું "મારો બાળગોપાળ, મારો લાલો" બહુ દયાળુ છે. યશોદા...જોજેને એક દિવસ એ જરૂર આવશે તારા ખોળે રમવા, આમ નિરાશ નહીં થવાનું એમ બોલીને બા લાકડીના ટેકે ટેકે ઘરના મંદીર તરફ ગયા. મંદિરમાંથી ઘંટડીના રણકાર સાથે બા નો ધીમો ધીમો ગણગણવાનો અવાજ આવી રહ્યો હતો.

"કાનાને માખણ ભાવે રે....કાનાને મીસરી ભાવે રે....."

ઝડપથી બધું કામ પતાવી યશોદા તૈયાર થઈ, સમયસર અનુરાગના ઘરે પહોંચી ગઇ. તેણે જોયું મંજરી ખૂબ ખુશ હતી. બધી સ્ત્રીઓ ભેગી મળીને ગીતો ગાઈ રહી હતી તે પણ એમની સાથે ગીતો ગાવામાં જોડાઈ ગઈ. એવામાં હમણાં જ નવું ચાલતાં શીખેલો, નાની ચોટી બાંધેલો, ખડખડાટ હસતો એક નાનકડો ગોળમટોળ છોકરો બધી સ્ત્રીઓને આંતરતો ઠુમક ઠુમક દોડતો યશોદાના ખોળામાં આવીને લપાઈ ગયો. અને યશોદાના પાલવથી પોતાનું શરીર ઢાંકી આંખો મીંચી જાણે સંતાકૂકડી રમવા લાગ્યો. 

યશોદાનો ખોળો હૈયાંફાટ હરખથી હરખાઈ રહયો હતો. યશોદાની અંદર એના નાનકડાં સુવાળાં હાથના સ્પર્શથી એ રોમાંચિત થઈ ઉઠી. મમતાભરી નજરે એ કાનાને વહાલ કરવા લાગી. તેના ગાલ પર પ્રેમથી ચૂમીઓ કરી એને નવડાવી દીધો.

એટલામાં "કાના....ઓ...કાના...." ક્યાં સંતાઈ ગયો મારો દીકરો ?" એમ સાદ કરતી દેવકી કાનાને શોધતી ત્યાં આવી પહોંચી. કાનાને શોધી રહેલી એની આકુળ વ્યાકુળ નજર યશોદાના ખોળામાં ખિલખિલાટ રમી રહેલા કાના પર પડી. 

એણે જોયું યશોદા એની આંખોના મખમલી વહાલ અને લાગણીભર્યુ મમતાનું ઝરણું કાના પર હેતથી ઢોળતી એની સાથે મૌન સ્નેહ સંવાદ કરી રહી હતી. મંજરી અને યશોદા ને જોઈ દેવકી મનમાં બોલી ઉઠી આજે એક નહીં પણ બે માના ખોળા ભરાયાં.

દેવકીને જોઈ કાનો યશોદાના ખોળામાંથી નીકળી સીધો દેવકીને બાથ ભરી વળગી પડ્યો. કાનાએ યશોદાના ખાલીપણાંમાં હુંફ અને ખોળામાં સુંવાળુ સ્પંદન ભરી દીધું હતું. યશોદા ક્યાંય સુધી એના પાલવમાં કાનાની ખુશ્બૂને માણતી એનો ચોળાયેલો પાલવ ગાલ પર લગાવી હેતથી પસવારતી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Children