Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

4.5  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

કલંકિત ગુનો

કલંકિત ગુનો

3 mins
239


જેલનાં સળિયા પાછળ એક કેદી ઊંઘતો હતો પણ એનો કલંકિત ગુનો જાગતો હતો. ડરેલો, ટૂંટિયું વાળેલો એક ખૂણામાંથી કાતિલ નજરે કેદીને નફરતથી તાકી રહ્યો હતો.

એક બળાત્કારની ઘટના પછી ખુદ ગુનાનો જ કેટલીય વાર બળાત્કાર થયો હોય એવું એને લાગતું. એને જેલની ઊંચી-ઊંચી તોતિંગ દીવાલો ફાંદી જવાનું મન થતું એ પાંખો ફફડાવી ઊડતો પણ પાછો જમીન પર આવીને પટકાતો. એ પણ આખરે તો કેદીની અંદર જ હતો. એની અંદર અજબ મનોમંથન ચાલી રહ્યું હતું.

"શું એ ક્યારેય આ જેલની બહાર નીકળી શકશે ? કે પછી અહીં જ આ જેલના પેટાળમાં કોઈ અફસોસ કે ગ્લાનિ વગરની કોફીનમાં દફન થશે ?"

"હા, આમ તો આ કોટડી... અહીં જ એનો મોક્ષ હતો. બહારતો તિરસ્કારજ હતો."

"આ જઘન્ય કૃત્ય પછી એને ક્યારેય અફસોસ થયો હશે કે નહી ?"

ખૂણાંમાંથી એ ધીમે ધીમે કેદીની નજીક આવી ભાંખડીયે પડી એના ચહેરા સામે તાકી રહ્યો.

કેદીની અંદરથી એને એ ખંડેરમાં ઉઠેલી ચિચિયારીઓ રૂદન અને કલ્પાંત ના પડઘા સંભળાયા. અને ગુનો સફાળો બેઠો થયો એ ત્યારે કેટલો ખૂંખાર બની ગયો હતો. "આ નાત-જાતનાં ભેદભાવ કે ધર્મ ત્યારે તેનામાં કેમ દેખાયો નહીં હોય ? એની વિનવણી કે કાકલૂદીની અસર કેમ એને નહીં થઈ હોય ?"

એ તો આશરો શોધીને આવી હતી ઋજુતા ભરેલી પારેવડાં જેવી ફફડતી. બહાર ક્યાં આગ ઓછી હતી તો એની અંદર પણ અંગે અંગમાં અગન-અગન લગાવી દીધી. એના ગળામાં ડૂમો ભરાયો સ્વરપેટી જાણે થીજી ગઈ.

કેદી ના ગરમ-ગરમ શ્વાસોચ્છવાસ રાતના અંધકારમાં પણ એની માનવહિનતાની ચાડી ખાતા હતા. ચહેરા પરની કરચલીઓ હવે તો જાણે જેલની દીવાલો પર પણ લીંપાઈ ગઈ હતીને જાણે દીવાલને પણ હવે ઉંમર લાગી હતી. જનમટીપની સજા જો મળી હતી.

પરોઢ થવા આવ્યું હતું તેની આંખ ખુલી નાનકડી બારીમાંથી સૂરજનો આછો પ્રકાશ કોટડીમાં પથરાયો આજે એને કોઈક મળવા આવવાનું હતું. પણ એનામાં કોઈ ઉત્સુકતા જ ન હતી.

એ રોજિંદું કામ પરવારી બેઠો. એવામાં એક રુક્ષ અને તરડાયેલો અવાજ એના કાને પડઘાયો. કેદી નંબર 786 તને કોઈ મળવા આવ્યું છે. એ ધીમાં-ધીમાં ડગ ભરતો મુલાકાતી ઓરડા તરફ આવીને ઊભો રહ્યો. તેની નજર સામેની તરફ ગઈ. કોઈ યુવતી એને મળવા આવી હતી. એને જોતાં જ બાપનું હેત ઉભરાયું. બંને વચ્ચે ફકત સળિયાઓની જ દીવાલ હતી આર પાર.

આ સળિયા પણ કેટલીય મૌન ભાષા, મૌન સંવાદ, સંબંધો, ડૂસકાં, આંસુ અને પશ્ચાતાપ, તિરસ્કાર, કેટલોય સુંવાળો સ્પર્શ, સંવેદના, ભીતરની આશા અને નિરાશા, અંતરનાં વલોપાતનાં સાક્ષી બન્યા હશે કોણ જાણે ? એ નિર્જીવ હતાં એટલે જ કદાચ એ આટલા જડ અને કઠોર રહી શક્યા હશે. નહીં તો ત્યાં ને ત્યાં જ મીણની જેમ પીગળી ગયા હોત.

કેદીએ એની સામે સજળ નજરે એક વાર જોયું અને એની નજર ઝૂકી ગઈ. સામેની આંખોમાં પણ આંસુઓનો સૈલાબ હતો. મૌનમાં પણ ઘણી વાતોની આપ-લે થઈ. અંદરનો ગુનો પણ આ જોઈ તેની સામે નતમસ્તક હતો. એના વહેતાં આંસુ જ એનો પારાવાર પસ્તાવો હતો. ઈશ્વર પણ દરેકને સુધરવાની એક તક તો આપે જ છે અને એનો તો કેદી નંબર જ પાક હતો. મુલાકાતીનો સમય પૂરો થયો દીકરીને આશિષ આપતાં એ નીચી નજરેજ પાછો એની કોટડીના ઘનઘોર જંગલમાં પાછો ફર્યો અને દીવાલને વેલની જેમ વીંટળાઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy