mariyam dhupli

Crime Inspirational Thriller

4  

mariyam dhupli

Crime Inspirational Thriller

આત્મસાત  (ભાગ : ૩૦) અંતિમ ભાગ

આત્મસાત  (ભાગ : ૩૦) અંતિમ ભાગ

9 mins
320


સફેદ રંગનો લેધરવાળો સોફા અત્યંત આરામદાયક હતો. આખા ઓરડાની સજાવટમાં મુખ્યત્વે બે જ રંગોને મહત્વ આપવામાં આવ્યું હતું. સફેદ અને રાખોડી. આમ તો દિવસનો સમય હતો. છતાં ઓરડામાં પડદાઓ દ્વારા યોગ્ય માત્રામાં અંધકારને ઘેરવામાં આવ્યું હતું. ફક્ત એક જ રીડિંગ લેમ્પનો આછો અજવાશ આંખની કીકીઓને બહુ વિઘ્ન ન પાડે એનો સંપૂર્ણ ખ્યાલ રાખી ગોઠવવામાં આવ્યો હતો. ટૂંકમાં આખા ઓરડાનું વાતાવરણ શાંત, અવાજ વિનાનું અને આરામદાયક અનુભવાય એવું હતું. મને હવે એ વાતાવરણની ટેવ પડી ગઈ હતી.

આ મારી દસમી મુલાકાત હતી. નવ મુલાકાતો દરમિયાન ઘણું બધું હું કહી ચૂક્યો હતો. જે ક્રમમાં મને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એ જ ક્રમમાં મેં ટીપે ટીપે જીવનને નિતારી દીધું હતું. સાચું કહું તો પહેલી મુલાકાત વખતે હું ખૂબ જ મૂંઝવણ અનુભવી રહ્યો હતો. કદાચ આ સ્થળે આવી પહોંચવાનો અપરાધભાવ એટલો વેધક હતો કે એક ક્ષણ તો હું ઉઠીને બહાર નીકળી જવા તત્પર થઇ ઉઠ્યો હતો. મારી અંદરનો ફિલોસોફર તો મને હંમેશા એ જ સમજાવતો રહ્યો હતો કે દુનિયાનું સૌથી કપરું કાર્ય અજાણ્યાઓને જાણવાનું હોય, અન્ય લોકોને સમજવાનું હોય, બીજાના મનને પારખવાનું હોય. પણ એ ફિલોસોફર તદ્દન ખોટો હતો. એ વાત આ સ્થળ ઉપર આવ્યા બાદ હું સમજી શક્યો. દુનિયાનું સૌથી કપરું કાર્ય એટલે તો ખુદને જાણવું, ખુદને પારખવું, ખુદને સમજવું. પોતાની જાતના એક પછી એક આવરણો ભેદી અંદર વસતા ' સ્વ ' સુધી પહોંચવું એ ખરેખર કઠિન છે. પરંતુ મને અહીં જે વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું એણે મારી ઘણી મદદ કરી.

અહીં કઈ પણ કહેવાની ફરજ પાડવામાં આવતી નહીં. જેટલું કહેવું હોય એટલું કહી શકાય. જે રીતે કહેવું હોય એ રીતે કહી શકાય. જો કશું ન કહેવું હોય તો મૌન પણ રહી શકાય. મૌન પણ ઘણું બધું અભિવ્યક્ત કરી શકે એ હું અહીં જ શીખ્યો. વાતોની વચ્ચે આવતા વિરામ ક્યારેક વાતોમાં ન ઉઘડી શકેલા મહત્વના તથ્યો દર્શાવી નાખે છે. પણ એ વિરામને સમજવા માટે યોગ્ય તાલીમ જોઈએ. જે દરેક પાસે હોતી નથી. એ વિરામનું અર્થઘટન કરવા અનન્ય ધીરજ જોઈએ. જે દરેક માટે સહજ નથી. ફક્ત સાંભળવું, ધ્યાન દઈ સાંભળવું, કઈ પણ ' જજ ' કર્યા વિના સાંભળવું, તર્કવિતર્ક એક ખૂણે કરી લાગણીઓ અને ભાવનાઓના દ્રષ્ટિકોણ ઉઘાડા રાખી સાંભળવું. જો દરેક માનવીને એ રીતે સાંભળવાની ટેવ હોત તો ...

... તો કદાચ આ સ્થળની કોઈ જરૂરિયાત ઉભી ન થાત. મારી નવ મુલાકાતો માટે હું અહીં ન આવ્યો હોત. પરંતુ એ નવ મુલાકાતો માટે મને હવે કોઈ પસ્તાવો ન હતો. સાચું કહું તો હું ખૂબ જ સંતુષ્ટ હતો. અહીં આવવું એ કદાચ મારા જીવનનો સૌથી સાચો અને સૌથી મહત્વનો નિર્ણય હતો. આજની દસમી મુલાકાત તો અગાઉની નવ મુલાકાતો કરતા પણ વધુ મહત્વની હતી. કારણકે આજે આ દસમી મુલાકાતમાં મેં મારા જન્મથી લઇ આજ દિન સુધીની જીવનની આખી હકીકત ક્ષણ ક્ષણના હિસાબ જોડે પૂરી કરી દીધી હતી. આજે એવી જ અનુભૂતિ થઇ રહી હતી જેવી કોઈ પુસ્તક સમાપ્ત કર્યા પછી અંતરમાં અનુભવાય. મારી વાત પૂર્ણ કરી હું સોફાને અડકીને આરામદાયક પરિસ્થિતિમાં બેઠો હતો. એટલી હળવાશ અનુભવાઈ રહી હતી કે જેને શબ્દોમાં ન ઉતારી શકાય.

સામે તરફના લેધરવાળા બીજા સફેદ સોફા પર બેઠી સ્ત્રીના ચહેરા પર મૈત્રીપૂર્ણ સ્મિત હતું. એણે ધીમે રહી પોતાની ડાયરી બંધ કરી. હાથમાંની ડાયરી અને પેન પડખેના ટેબલ પર ગોઠવી દીધી. હું જાણતો હતો કે એ ડાયરીમાં એ નાજુક હાથ દ્વારા જે કઈ નોંધાયું હતું એ બધું જ અમારી બે વચ્ચે સંપૂર્ણ વિશ્વસનીય અને ગોપનીય રહેવાનું હતું. પોતાના ચશ્માની પાતળી સફેદ ફ્રેમને હાથ વડે અડી, વ્યવસ્થિત કરી એણે ટેવગત મધ જેવા શબ્દો વેર્યા.

"આપણે બાળપણને ખૂબ જ હળવાશથી લઈએ છીએ. માનવીને લાગે છે કે બાળપણ એટલે યાદોની મીઠી સંગ્રહ પેટી. જયારે મનોવિજ્ઞાન એમ કહે છે બાળપણ જીવનનો સૌથી મહત્વનો સમયગાળો છે. જેના ઉપર આપણા ભવિષ્યના વ્યક્તિત્વનો, વાણીવ્યવહારનો, વિચારોના ઘડતરનો, સંબંધોનો આધાર ટકેલો હોય છે. આપણે શું બનીશું, કેવા બનીશું, આપણા અન્ય જોડેના સંબંધો કેવા હશે, આપણી ભાષાથી લઇ ટેવો સુધી બધું જ બાળપણના અનુભવો નક્કી કરે છે. પણ એ સમયગાળો દરેક માટે ' યાદોની મીઠી સંગ્રહ પેટી ' હોય એ જરૂરી નથી. ક્યારેક એ ' ખરાબ સ્મૃતિઓનો કાળો અંધકારમય પટારો ' પણ હોય શકે.

જેમ જેમ આપણે પુખ્ત થતા જઈએ છીએ તેમ તેમ બાળપણના એ સમયગાળાનું મહત્વ ઓછું આંકતા જઈએ છીએ. ગાળીને, ફિલ્ટર કરીને ફક્ત એ જ યાદો અંગે બીજા જોડે વાત કરીએ છીએ જે સમાજમાં શોભનીય લાગે, સંસ્કારી લાગે, કહેવા લાયક લાગે. પણ એ યાદોનું શું જે શોભનીય ન હોય, સંસ્કારી ન હોય. જે કદાચ સાંભળનારને સાંભળવામાં આરામદાયક ન લાગે. એવી યાદો જે બહાર આવતી નથી. આપણે એને બહાર આવવા દેતા નથી. સતત અંદર ધકેલતા રહીએ છીએ. એટલા બળપૂર્વક કે એ યાદો આપણા ' સબકોન્સિયસ માઈન્ડ ' એટલે કે અર્ધજાગ્રત મનના ઊંડાણોમાં ઉતરી જાય છે. આપણું ' કોન્સિયસ માઈન્ડ ' એટલે કે જાગ્રત મન સતત એની પર પહેરો ભરતું રહે છે.

એટલે જ કદાચ બાળપણમાં થયેલા બળાત્કાર, અયોગ્ય શારીરિક છેડછાડ, માતાપિતા દ્વારા થતું માનસિક શોષણ, શાળામાં થતા અતિરેકવાળા રેગિંગ, પરિવારના સભ્યો વચ્ચે થતા સતત સંઘર્ષો કે ઝગડાઓ, કોમી હુલ્લડો, રમખાણો, પરિવારના સભ્યોના અનૈતિક સંબંધો, કોઈ અત્યાચાર કે અન્યાયને રોકી શકવાની અસમર્થતા અને તેમાંથી જન્મેલ અપરાધભાવ ...આવી બધી જ ઘટનાઓ આપણે જાણતા અજાણતા સતત મનની અંદર ધકેલતા રહીએ છીએ. એના વિચારમાત્રથી અપરાધભાવ અનુભવીએ છીએ. કોઈને કશું કહી શકતા નથી. કોઈ સમજશે એની આશા મરી પરવારી હોય છે. જે યાદોને મન આમ સતત અંદર ધકેલતું રહે છે એ ભીતરના ઊંડાણોમાં ધકેલાઈ તો જાય છે પણ વારંવાર સ્પ્રિંગ સમાન વધુ બળપૂર્વક ઉપર તરફ આવવા મથે છે. પરિસ્થિતિ નિયંત્રણમાં ન રહે કે હદ વટાવે ત્યારે એ માનસિક સમસ્યાનું રૂપ ધારણ કરી લે છે. કારણકે દરેકનું સંવેદના જગત જુદી જુદી તીવ્રતા ધરાવતું હોય છે. મન જેટલું વધુ સંવેદનશીલ એટલું જ જોખમ વધુ.

વધારે પડતો ક્રોધ, ચીડચીડિયા રહેવું, અન્ય જોડે સંબંધો સ્થાપવામાં મુશ્કેલીઓ આવવી, સ્થાપિત સંબંધોની જાળવણી કરવામાં નિષ્ફ્ળતા, ખોટી ટેવોનો વિકાસ જેમ કે વ્યસન, ડ્રગ, શરાબ, સિગારેટની લતે ચઢવું, અન્યને હામી પહોંચાડવું, હત્યા, ચોરી, બળાત્કાર, ડોમેસ્ટિક વાયોલન્સ કરવું અને એક્સ્ટ્રીમ કેસમાં સમસ્યા પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે જાતહાની એટલે કે આત્મહત્યા ..."

મારા અન્નનળીમાં ભેગું મળેલું થુંક ગળા નીચે ઉતરી પડ્યું. મનાલીના મકાનમાં ટીવી પર નિહાળેલ દેશના પ્રખ્યાત, સફળ, ટોચના યુવાન અભિનેતાના આત્મહત્યાના સમાચાર એક ક્ષણ માટે નજર આગળ ઝબકારો મારી અંતર હચમચાવી ગયા.

"સમસ્યા એટલી જ છે કે માનવી સ્વીકારી શકતો નથી. અને ઉકેલ એ જ છે કે એણે ફક્ત સ્વીકારી લેવાનું છે.

સ્વીકારી લેવાનું કે મારી જોડે કશુંક અસામાન્ય ઘટ્યું હતું. પણ આખા વિશ્વમાં હું એકલો નથી જેની જોડે એવું ઘટ્યું છે. અન્ય જોડે પણ થતું હોય છે. કદાચ કોઈ બીજા સ્વરૂપમાં. દરેક વ્યક્તિનો ભૂતકાળ એનો પીછો કરતો રહે છે. એ પ્રાકૃતિક છે, સહજ છે. એ અંગે વિચારો આવતા રહેવા એ એટલું જ સામાન્ય છે જેટલું છીંક આવવું કે ખાંસી આવવું.

પણ એ વિચારો મને શા માટે આવે છે, એવો અપરાધભાવ મનમાં વિકસવા દેવો એ જ બધી સમસ્યાઓનું મૂળ છે. એ વિચારોને સતત નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતા રહેવું એ જ સૌથી મોટી ભૂલ છે. એની પર કાબુ કરવાનો નથી. એને સહજ વહેવા દેવાના છે. અને તો પણ સમસ્યા થતી હોય તો અન્ય ઘણા સક્રિય માર્ગો અને વિકલ્પો છે જે એનો સામનો કરવામાં મદદ કરી શકે. ઘણા લોકો એવા સક્રિય માર્ગ દ્વારા સફળતાથી બહાર નીકળી આવે છે. જેમ કે સામાજિક કલ્યાણના કાર્યો કે પોતાના જેવા અન્ય વિક્ટિમોની સહાય કરવી કે એમને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરવી.

તમારા કેસમાં તમારું લેખન તમારી જીવાદોરી બન્યું છે. તમે તમારા ' ઈગો ', ' અહંકાર 'ની ભ્રમણામાંથી બહાર નીકળી શક્યા એ જ તમારી સૌથી મોટી સફળતા છે. જયારે તમે તમારી પત્નીના હાથમાં રિવોલ્વર આપી દીધી એ જ ક્ષણે તમે તમારી સમસ્યાનો પહેલીવાર દ્રઢ હૃદયે સામનો કર્યો અને આજે જુઓ,

હીઅર યુ આર !

મને વિશ્વાસ છે કે તમારી પત્ની જોડે કે મારી જોડે તમે બાળપણની એ યાદો અંગે વાત કરી ત્યારે એ બધા જ વિચારોનું બળ તમે છીનવી લીધું. હવે એ વિચારો આવવાથી તમને કશો ફેર પડતો નથી. કારણકે તમે એ સ્વીકારી લીધું છે કે એ સમયે તમે એક બાળક હતા. જે કઈ ઘટ્યું એમાં તમારો કોઈ વાંક કે દોષ ન હતો. હા, તમારી જોડે, તમારી બા જોડે અન્યાય થયો હતો. એવા અન્યાયો આ વિશ્વમાં અન્ય લોકો જોડે પણ થતા હોય છે. એ લાગણીઓ મનને પજવ્યા કરે એ તદ્દન પ્રાકૃતિક છે, સહજ છે. એ વિશે વાત કરી હળવા થઇ શકાય. વ્હોટ એ બિગ ડીલ ? રાઈટ ? "

મને પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મેં એક દ્રઢ વિશ્વાસભર્યું સ્મિત આપી હમીમાં ડોકું ધુણાવ્યું.

"તો ઠીક છે. હવે આગળ મળવું કે ન મળવું એ હું તમારા પર છોડું છું. "

હું સોફા છોડી ઉભો થઇ ગયો. સ્ત્રી મને ટેવ પ્રમાણે દરવાજા સુધી મૂકી ગઈ. મને બહાર આવતો નિહાળી અનન્યા હાથમાંનું મેગેઝીન ટેબલ પર મૂકી ખાલી વેઇટિંગ રૂમની ખુરશી છોડી ઉભી થઇ ગઈ. વેઇટિંગ રૂમ ખાલી એટલે માટે હતું કે દરેક મુલાકાતીના અપોઈન્ટમેન્ટ સીડ્યુઅલ વચ્ચે પંદરેક મિનિટનો અંતરાલ રાખવામાં આવતો. કે જેથી દરેક મુલાકાત લેનારની ઓળખ ગોપનીય રહે. કારણકે સમાજમાં હજી પણ શારીરિક માંદગીઓ અને તેમના તબીબો કે ઇલાજને માનસન્માન જોડે નિહાળવામાં આવે છે. જયારે માનસિક માંદગીઓ, તેમના તબીબો કે ઇલાજોને જુદા દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.

શરીર બીમાર પડી શકે, મન નહીં ?

મારી નજીક પહોંચી અનન્યાએ એક ગર્વસભર સ્નેહભર્યું સ્મિત વેર્યું. મારો હાથ પોતાના હાથમાં ગૌરવ જોડે થામ્યો અને અમે બન્ને સાઈકિયાટ્રીસ્ટની કેબિનમાંથી બહાર નીકળી આવ્યા.

કારમાં ગોઠવાતા અનન્યાએ ડ્રાઇવિંગ સીટ સંભાળી. એ જ સમયે મારો મોબાઈલ વાઈબ્રેટ થયો. મેં કોલ ઉપાડ્યો. પ્રકાશકનો કોલ હતો. એણે ઢગલાબંધ શુભેચ્છાઓ વરસાવી દીધી. હા, મારું પુસ્તક ફરી નેશનલ બેસ્ટ સેલર બન્યું હતું. હેટ્રિક થઇ હતી. પુસ્તકની એક આવૃત્તિ અનન્યાએ કારની ડેક પર સજાવી હતી.

'આત્મસાત'

કોલ કપાયો અને મારી નજર પર પુસ્તકનું શીર્ષક આવી વળગ્યું. મેં ધીમે રહી પુસ્તક હાથમાં ઉઠાવ્યું અને ખોલ્યું. પ્રથમ પાના ઉપર શીર્ષકની નીચે મોટા અક્ષરોમાં સ્પષ્ટ છપાયું હતું,

'બેઝડ ઓન ટ્રુ ઈવેન્ટ્સ.'

સાચી ઘટનાઓ પર આધારિત. એ કબૂલાત જાહેરમાં કરી શક્યો એ માટે હું સ્વરાગિનીનો આજીવન આભારી રહેવાનો હતો. એની પરવાનગી વિના એ શક્ય ન હતું. પોતાના જીવનની સાચી વાર્તાના કોપી રાઈટ માટે એણે કોઈ પણ પ્રકારની કિંમત વસુલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જે એની જોડે થયું એ અન્ય કોઈ જોડે ન થવું જોઈએ. એ માટે જો આ પુસ્તક કોઈ પણ પ્રકારે નિમિત્ત બની શકે એ જ કિંમતની એને અપેક્ષા હતી. આભારી તો હું મારા ડાય હાર્ડ ફેન, વકીલ કાશીનો પણ રહેવાનો હતો. પોતાની વ્યવસાયિક આવડત દ્વારા એણે શહેરની કોલેજમાં યુવાનોની ટોળીની ધરપકડ કરાવી હતી જેઓ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી, તેમને બ્લેકમેલ કરી મોટી રકમ ઉઘરાવતા હતા. સોસીયલ મીડિયામાં સમાચાર છવાયા હતા. અનેક યુવતીઓ જાળમાંથી છૂટી હતી. પણ એમાંથી એક પણ નામ કે ચહેરો જાહેર થયો ન હતો. ગઈ કાલે જ એનો સંદેશો મળ્યો હતો. તુકારામના કેસની સુનવણી અત્યંત નજીક હતી. કેસ જીતી જવાનો એને બમણો વિશ્વાસ હતો. આખરે એની કારકિર્દીનો મહત્વનો વળાંક એની રાહ જોતો ઉભો હતો.

મેં પુસ્તક ફરીથી ડેસ્ક પર સજાવી દીધું. અનન્યાએ સ્ટીઅરિંગ સંભાળતા મારી તરફ એક પ્રેમભરી દ્રષ્ટિ ફેંકી.

"કોંગ્રેચ્યુલેશન્સ ! "

"થેંક્સ "મેં હૃદયથી કહ્યું. મારી આંખોમાં ઘેરાઈ આવેલી લાગણીઓ ફક્ત ' કોંગ્રેચ્યુલેશન્સ ' શબ્દ માટે જ આભાર માની રહી ન હતી. એ વાત અનન્યા પણ જાણતી હતી.

"અનન્યા, એક વાત કહું ? "

શહેરના ટ્રાફિક વચ્ચે ડ્રાઇવિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી અનન્યાએ હામીમાં ડોકું ધુણાવ્યું. મેં હીંમત ભેગી કરતા ગળુ ખંખેર્યું.

"તને નથી લાગતું કે હવે આપણે આપણો પરિવાર આગળ વધારવો જોઈએ ?"

એણે મારી તરફ નજર કરી. વર્ષોથી ભેગા થયેલા વાદળો મોતી બની આંખોમાંથી ખરવા લાગ્યા. એ જ ક્ષણે શહેરનું વાતાવરણ અચાનકથી બદલાયું. ઝરમર કરતો વરસાદ ગાડીને ભીંજવવા લાગ્યો.

કમોસમી વરસાદ.

બાળપણમાં જયારે બધા એને ' નાંગો ' વરસાદ કહેતા ત્યારે મને ઘણી વિચિત્ર અનુભૂતિ થતી. પણ હવે નહીં. હવે સમજાતું હતું કે નગ્નતા પ્રકૃતિ છે. મેં બારીનો કાચ ધીમેથી નીચે ઉતાર્યો. મારું માથું બારીમાંથી થોડું બહાર કાઢ્યું. ચહેરો આકાશ તરફ કર્યો. વરસાદના ફોરાં ચહેરાને ભીંજવવા લાગ્યા. હું પ્રકૃતિ જોડે આત્મસાત થઇ ગયો. એવું લાગ્યું જાણે હું જ પ્રકૃતિ હતો.

'સમાપ્ત'


Rate this content
Log in

Similar gujarati story from Crime