mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  (ભાગ : ૨૧)

આત્મસાત  (ભાગ : ૨૧)

6 mins
416


"મારે તમારી જોડે રમવું છે."

"ઠીક છે. પણ એક શરત છે."

"શી ?"

"પહેલા એ કહે કે પેલી બ્યુટી પાર્લરવાળીને તું શું કહી સંબોધે છે, મમ્મી ?"

ખડખડાટ હાસ્ય વચ્ચે રઘવાયેલો સાત વર્ષનો હું ઊંડા ઊંડા શ્વાસ ભરવા માંડ્યો. મારી બન્ને હાથની મુઠ્ઠીઓ ચુસ્ત બંધ થઇ ગઈ. આંખોમાં જાણે લોહી ઉતરી આવ્યું. સામે ઉભા મારી કરતા ઉંમરમાં થોડા મોટા એ તંદુરસ્ત, હૃષ્ટપૃષ્ટ છોકરાઓની સામે હું અત્યંત નબળો અને અશક્ત દેખાઈ રહ્યો હતો. પરંતુ મારા શરીરની અંદર વહી રહેલું લોહી કોઈ પુખ્ત પુરુષના લોહી જેટલા ઊંચા તાપમાનમાં ખદબદ થઇ રહ્યું હતું. સામેથી આવનારી પ્રતિક્રિયાનો વિચાર કર્યા વિના જ હું સામે ઉભા ટોળા ઉપર જંગલી હાથી જેમ ધસી ગયો. મારી આક્રમકતા અતિ પુખ્ત હતી. પરંતુ મારું શરીર હજી નાના બાળકનું હતું. એ વાતનો અહેસાસ મને ત્યારે થયો જયારે એ ક્રોધથી વિફરેલા ટોળાએ મને ઢીકવાનું શરૂ કર્યું. કોઈએ મારા વાળ જડ-મૂળમાંથી ખેંચવા માંડ્યા તો કોઈએ મારો શર્ટ બે કટકામાં ફાડી નાખ્યો. કોઈના હાથની પકડ નખની તીક્ષ્ણતા જોડે ચામડીના દરેક આવરણો ભેદી એટલી ઊંડી ઉતરી કે અંદર ઊંડાણોમાં સુરક્ષિત ભમી રહેલું રક્ત એની ઝાંખી કરાવતું ધસમસતું રેલા સ્વરૂપે બહાર નીકળી પડ્યું. કોઈના હાથની આંગળીઓ વજનદાર મુઠ્ઠીમાં વળાઈ મારી આંખ ઉપર નિર્દયી રીતે આવી પટકાઈ. એ આંખ તરફની દ્રશ્ય શક્તિ એ જ ક્ષણે એવી રીતે ઝાંખી થઇ ઉઠી જેવી રીતે ઘરમાં બગડી જવાની સીમારેખા પર પહોંચી ગયેલી ટ્યુબલાઈટનો પ્રકાશ ઉડીને ઝાંખો થઇ ગયો હોય. હાથ અને પગને બધાએ ભેગા મળીને એવા મરોડ્યા કે કશેક લોહી લીલા રંગનું થઇ થીજી ગયું હતું તો કશેક હાડકાઓમાં આવેલી તિરાડોનું દર્દ મૌન અંદરથી ચીખી રહ્યું હતું. આખરે જયારે મારી ઉપર મહત્તમ આક્રમણ કરીને એ બધા શૂરવીરોનો ક્રોધ થોડો સમી ગયો ત્યારે મને રસ્તા વચ્ચે એકલો છોડી એ બધા ત્યાંથી નાસી છૂટ્યા.

લગભગ બેભાન જેવું મારું શરીર રસ્તાની વચ્ચે મડદા જેવું પડ્યું હતું. એ જ સમયે મારા કાનમાં કોઈનો રડવાનો અવાજ ગૂંજવા લાગ્યો. મારી આંખો સામે છવાયેલા અંધકારમાં કાન વધુ સરવા કરી મેં એ રુદનને ધ્યાન દઈ સાંભળવા પ્રયાસ કર્યો.

"સંદીપ ... સંદીપ ... સંદીપ ..."

બા ! હા, એ બાનો જ અવાજ હતો. બા ખૂબ જ આક્રંદ જોડે રડી રહી હતી. એ મુશ્કેલીમાં હતી. મારે એની પાસે પહોંચવું હતું. મેં મારા શરીરને અંદર તરફથી મહત્તમ બળ લગાવ્યું. એક આંખ જરાયે ઉઘડવાનું નામ લઇ રહી ન હતી. બીજી આંખને ગમે તેમ કરી ઉઘડી જવા મેં વિવશ કરી. ધૂંધળું દ્રશ્ય આંખ સામે ઉપસી આવ્યું. શરીરને ગમે તેમ સમેટી લઇ મેં ઉભા થવાનો પ્રયાસ કર્યો. બધાં જ હાડકાઓમાં અસહ્ય પીડાના લસરકા પડઘાયા. બાનું રુદન ડૂસકે ચઢી ગયું હતું. ગમે તેમ કરી હું રસ્તા વચ્ચે ઉભો થઇ ગયો.

એ જ ક્ષણે થોડા ડગલાં આગળના ચાર રસ્તા ઉપર બે કાર ઘમાસાણ એકબીજા જોડે અફળાઈ ગઈ. અકસ્માતનો અવાજ ભયાનક હતો. મારા હૈયાના ધબકાર બહાર સંભળાઈ રહ્યા હતા. મારા કપાળ પરના લોહીની બૂંદો જોડે ભળી પરસેવાની દુર્ગંધ ઉબકા અપાવી રહી હતી. મારી નજર રસ્તા પર ચારે તરફ વિખરાયેલા કારના તૂટેલાં ભાગો અને કાચના ટુકડાઓ ઉપર ડર જોડે ફરી વળી. હું ધીમે ધીમે પગને સંભાળતો આગળ વધવા ગયો કે કોઈ ભારે વસ્તુનો પગને સ્પર્શ થયો. એક જુદા જ પ્રકારના સ્પર્શથી હું હેરતમાં મુકાયો. એક જ કાર્યરત આંખ વડે મેં મારા પગને સ્પર્શી રહેલ એ વિચિત્ર પદાર્થને નિહાળવા મથામણ કરી. મારા બન્ને પગ વચ્ચે પિતાજીનું ધડથી અલગ થઇ ગયેલું માથું હતું અને એની બીજી તરફ પેલી બ્યુટી પાર્લરવાળી સ્ત્રીનું ધડથી વિખૂટું પડેલું માથું પડ્યું હતું. બન્ને માથામાંથી વહી રહેલી લોહીની ધાર એકબીજામાં ભળી મારા પગની આંગળીઓને ભીંજવી રહી હતી. બન્ને માથાઓ મારી તરફ તાકી રહ્યા અને પછી ફાટીને બહાર નીકળી પડેલી આંખો જોડે મને વિચિત્ર રીતથી નિહાળતા જોર જોર હસવા લાગ્યા. મારા આખા શરીરમાં અરેરાટી ફેલાઈ ગઈ. એ હાસ્યના પડઘાઓને અતિક્રમી બાના ડૂસકાંઓ મહત્તમ સ્વર જોડે કાનને વીંધી રહ્યા. હું ચીખવા મથી રહ્યો. પણ જાણે મારો અવાજ ગળામાંથી બહાર નીકળવા તૈયાર જ ન હતો. બાની સાદ વધુ ને વધુ ઊંચે ઉઠવા લાગી.

"સંદીપ ... સંદીપ ... સંદીપ ..."

પથારીમાં બેસી પડેલા મારા શરીરમાં હજી પણ એ જ અરેરાટી ફેલાયેલી હતી. હજી પણ શરીરના તમામ રુંવાડા ઉભા હતા. આખો ચહેરો ઠંડા બરફ જેવા વાતાવરણમાં પણ પરસેવે રેબઝેબ હતો. મેં ધીમે રહી પથારી પરથી સ્ટડી ટેબલ તરફ દ્રષ્ટિ ફેંકી. મારી ટેબલ ક્લોક બપોરના ત્રણ વાગીને દસ મિનિટ ઉપરનો સમય દર્શાવી રહી હતી. જમીને આંખ લાગી ગઈ હતી.

જમ્યા પછી લખવાનો વિચાર હતો. પણ કલમ રિસાઈ બેઠી હતી. હવે વાર્તાને મારી કલ્પના શક્તિ પ્રમાણે આગળ ધપાવી કોઈ રોમાંચક વળાંક આપી દેવું જ વધુ સુરક્ષિત વિકલ્પ લાગી રહ્યો હતો. કોઈ પણ એક પાત્ર જેની પર વાચકોને શંકા ન ગઈ હોય એને હત્યારો બનાવી એણે કરેલી હત્યા અંગેના સંકેતો, તાર્કિક કારણો અને એનું સંપૂર્ણ રહસ્ય પુરાવાઓ અને સંકેતો જોડે વાર્તામાં એ રીતે રોપી દેવાના હતા જે રીતે ખેડૂત પાકની વાવણી માટે ચોતરફ બીજનું વાવેતર કરે.

પહેલા પણ ઘણી વાર વાર્તાકલાની આ પદ્ધતિ હું સફળતાપૂર્વક અજમાવી ચૂક્યો હતો. આ વખતે પણ વાર્તાનું આખું જગત સંપૂર્ણપણે મારા નિયંત્રણમાં હતું. બધાં જ પાત્રોના તાર મારા હાથમાં તો હતા અને હું, વાર્તાના ખૂણેખૂણેની ખબર રાખનાર, બધું જ જાણનાર, સર્વજ્ઞાની. 

ઘી ઓમ્નીસીઅન્ટ ! બધું જ જાણનાર ? સર્વજ્ઞાની ? ઘી ઓમ્નીસીઅન્ટ ?

મેં જાતને ઢંઢોળી. આ વખતે જાત મૂંગી ન રહી. એણે જવાબ વાળ્યો. એક જ અઠવાડિયામાં પુસ્તક સમેટી લેવાનું હતું. પ્રકાશકોને આપેલો વાયદો આજ સુધી કદી ન તૂટ્યો હતો, ન સમય ચૂક્યો હતો. તેથી જ પ્રકાશકો મને સંપૂર્ણ વ્યવસાયીક લેખક કહેતા.

'ઘી પરફેક્ટ પ્રોફેશનલ રાઇટર '

અને એટલે જ મારા પુસ્તક અંગેના કવરપેજથી લઇ શીર્ષક સુધી, વિષયથી લઇ મહેનતાણું સુધી, પ્રોફીટ શૅરિંગ એટલે કે ફાયદાની વહેંચણીથી લઇ પ્રમોશન, પ્રકાશનની તારીખ અને અહીં સુધી કે લોન્ચિંગ માટેના સ્થળના સમય અને તારીખ સુધી દરેક પ્રક્રિયામાં મારી દાદાગીરીઓ અને નિયંત્રણ કરનારો સ્વભાવ ચલાવી લેવા સિવાય એમની પાસે કોઈ છૂટકો ન રહેતો.

શું આ વખતે મારી એ સંપૂર્ણતાની છબી જળવાઈ રહેશે ?

મારા પહેલેથી હચમચી ગયેલા હૃદયને એ વિચારે વધુ હચમચાવ્યું. હું પથારી છોડી ઉભો થઇ ગયો. વોશરૂમ જઈ મોઢા પર

પાણીની એક પછી એક ભારે થપાટ મારી. ભીંત પર જડાયેલા અરીસામાં ચહેરાને ધ્યાનથી તાક્યો. અચાનકથી એક સૂક્ષ્મ ક્ષણ માટે મારો ચહેરો અરીસામાંથી અદ્રશ્ય થઇ અવિનાશનો હસતો ચહેરો અરીસામાં ડોકાઈ આવ્યો. હું ડરથી પાછળ તરફ હટી ગયો. નજીકની ભીંત જોડે શરીર અફળાઈ બેઠું. ડરથી શરીરમાં કંપારી છૂટી વળી.

ધ્રૂજતા શરીર વડે હું ફરી હીંમત ભેગી કરતો ધીમે ધીમે અરીસા નજીક પહોંચ્યો. અરીસામાં ધીમે રહી દ્રષ્ટિ નાખી. આ વખતે મને ફરી મારો જ ચહેરો દેખાયો. મારું માથું ફાટવા માંડ્યું. હું તરત જ વોશરૂમમાંથી બહાર નીકળી આવ્યો. રસોડામાં જઈ ધ્રૂજતા હાથે હું પાણીની આખી બોટલ ગટગટાવી ગયો. અંતરને હેમખેમ નિયંત્રણમાં લેતા હું શયનખંડમાં પહોંચ્યો.

સ્ટડી ટેબલ પર ગોઠવાયેલું શરીર હજી સ્થિર થયું ન હતું. મારા કાનમાં ફરીથી એ જ શબ્દો શ્યામ અને સ્વરાગિનીના જુદા જુદા અવાજોમાં પડઘાવા લાગ્યા.

હત્યા... ઝહેર ... આત્મા ...


મને લાગ્યું હું તમ્મર ખાઈ ઢળી પડીશ. મારું માથું સ્થગિત વાર્તાના કાગળો પર પછડાઈ ગયું. થોડી ક્ષણોના વિરામ પછી હું ટટ્ટાર બેસી ગયો. મારા બન્ને હાથની આંગળીઓ ચહેરા પર ફરી વળી. મેં એક ઊંડો શ્વાસ ખેંચ્યો અને એક નજર ટેબલની સામે તરફ ખીંટીંમાં લટકી રહેલા ઓવરકોર્ટ પર નાખી. તરત જ મનમાં નિર્ણય લેવાઈ ગયો. ટેબલ છોડી હું ઉભો થઇ ગયો. ઝડપથી ઓવરકોર્ટ શરીર પર ચઢાવી લીધો અને મકાનની બહાર નીકળી પડ્યો.

બપોરના સમયે મનાલીનો એ ગ્રામ્ય વિસ્તાર જાણે બપોરની નીંદર માણતો એક હળવી ' નૅપ 'માં સરી પડ્યો હતો. શાંતિમય વાતાવરણમાં વ્યાકુળ મનને થોડી શાંતિ અને સ્વસ્થતા અપાવવા હું ગામડાની બહાર તરફ જઈ રહેલા સુમસાન રસ્તા ઉપર ચાલી નીકળ્યો.

એ વાતથી તદ્દન અજાણ કે એ રસ્તો મને મારી સ્થગિત વાર્તાના પ્લોટની અત્યંત મહત્વની કડી તરફ લઇ જઈ રહ્યો હતો. જે કડી ફક્ત મારી વાર્તાને જ નહીં, મારા જીવનને પણ એક અણધાર્યો વળાંક આપવા એક સાધારણ બપોરના, અતિ સાધારણ વાતાવરણમાં પહાડીનાં જંગલોમાં મારી રાહ જોતી બેઠી હતી.

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Crime