mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  (ભાગ : ૧૭)

આત્મસાત  (ભાગ : ૧૭)

7 mins
370


' નેશનલ આર્ટ ફેસ્ટીવલ 'ની ધૂમધામ આખો દિવસ મનાલીના આ નાનકડા પહાડી વિસ્તાર પર વસેલા ગામમાં અનુભવાઈ હતી. સવારે લાઈબ્રેરી પુસ્તકો પરત કરવા જવાનું હતું. એ બહાને હું પણ ફેસ્ટીવલનો એક ચક્કર લઇ આવ્યો હતો. 

ઈટ વોઝ એ ગ્રેટ બ્રેક ઈન્ડીડ ! 

દેશના જુદા જુદા વિસ્તારોમાંથી હજારો કલાકારો અને કલાપ્રેમીઓ એ રાષ્ટ્રીય કલા મેળાનો આનંદ ઉઠાવવા માઇલોનું અંતર કાપીને આવી પહોંચ્યા હતા. સામાન્ય રીતે શાંત અને સ્થિર રહેતું સ્થળ આજે આખો દિવસ સતત ધબકતું અને ભીડભાડ ભર્યું હતું. જાણે કે એકલા રહેતા કોઈ વૃદ્ધ વડીલના ઘરે અચાનકથી કુટુંબીજનો ભેગા મળ્યા હોય કંઈક એવી જ અનુભૂતિ થઇ રહી હતી. જુદી જુદી કલાઓના જુદા જુદા સ્ટૉલથી આખું મેદાન ઉભરાઈ રહ્યું હતું. ક્યાંક પેઈન્ટિંગ્સ તો ક્યાંક પુસ્તકો, ક્યાંક હાથથી સુશોભિત હેન્ડિક્રાફ્ટ્સ તો ક્યાંક લાકડા અને માટીથી તૈયાર થયેલા સુશોભનો. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા એ કલાપ્રેમીઓનું વૈવિધ્ય નિહાળી મનનો હરખ સમાઈ રહ્યો ન હતો. એ કલાના રસિયાઓને ન ચામડીનો રંગ, ન ધર્મનું નામ, ન નાત, ન જાત, ન પ્રાદેશિક મર્યાદાઓ નડી રહી હતી. એ દરેક જીવ માટે કલા સાધના હતી. જે બધા માટે હતી, એકસરખી હતી. 

કાશ, કલા જ ધર્મ હોત ! 

ભલે લોકો જુદી જુદી કલાઓના રસ લેતા હોત પણ સૌનો ઉદ્દેશ્ય તો એક જ હોત, અભિવ્યક્તિ. પછી ભલે ને એ અભિવ્યક્તિનું માધ્યમ કઈ પણ હોય ...શબ્દો, રંગો, સ્થાપત્ય, નૃત્ય ... કલા જે રાષ્ટ્રનો ધર્મ બને એની પ્રગતિની ક્ષમતા કલ્પનાને પરે હોય. 

આજે હિલસ્ટેશનની આબોહવામાં એ જ ધર્મની સુવાસ ફેલાયેલી હતી. કલાનો જાદુ દરેક ખૂણામાં પોતાનો કરતબ દેખાડી રહ્યો હતો. હું પુસ્તકોના સ્ટૉલ્સ પર એક આંટો મારી આવ્યો હતો. ઓળખ છુપાવાના હેતુસર ઓવરકોટ, મફલર, સનગ્લાસિસ, સ્કાર્ફ શરીર પર ચાલાકીથી પહેર્યા હતા. આંખો સામે પોતાના પુસ્તકોનું વેચાણ થતા નિહાળી હૈયું ગદગદ થઇ ઉઠ્યું હતું.મારા સિવાય અન્ય ઘણા લેખકોના પુસ્તકો પણ સારું એવું વેચાણ કરી રહ્યા હતા. ખૂબ જ નાની આયુ ધરાવતા યુવાન લેખકોના પુસ્તકો પણ જબરું આકર્ષણ જન્માવી રહ્યા હતા. મને વડીલ હોવાની અનુભૂતિ થવા માંડી. મનના કોઈ અંધકારભર્યા ખૂણામાં ઈર્ષ્યા સ્પર્ધા રૂપી ચેતવણી બની ઝળકી ઉઠી.

લેખન મારા માટે ફક્ત એક રુચિ ન હતી. એ મારો વ્યવસાય પણ હતો. રસ - રુચિ તો કેવળ નીરજાનંદ સુધી મર્યાદિત રહે. જયારે વ્યવસાયમાં તો હાર - જીત, સફળતા - નિષ્ફ્ળતાઓ, સ્પર્ધાઓ જેવા દરેક પડકારોનો સામનો કરવો પડે. મકાનમાં રાહ જોઈ રહેલું મારું અધૂરું પુસ્તક ગમે તેમ કરી મારે પૂરું કરવાનું હતું. પ્રકાશકે આપેલી ડેડલાઈન અને એના તરફથી ચૂકવી દીધેલો ચેક બન્ને મારા નિષ્ક્રિય મગજમાં તરી રહ્યા હતા. 

ડેડલાઈન, ડેડલાઈન, ડેડલાઈન...

આ ડેડલાઈન સાચે જ એક કલાકાર માટે ' ડેડલી ' એટલે કે પ્રાણઘાતી હોય છે.

મેળામાંથી કેટલાક પુસ્તકો ખરીદી હું મકાન પહોંચી ગયો હતો. થોડું સંશોધન કાર્ય કરવાનું હતું. ઓનલાઇન બે - ત્રણ કલાક જુદી જુદી વેબસાઈટ થકી મહત્ત્વની નોટ્સ તૈયાર કરવામાં મોટાભાગની બપોર ખર્ચાઈ ગઈ હતી. ત્યાર બાદ જમીને હું ઊંઘી ગયો હતો. ઊંઘમાં મોબાઈલ વાઈબ્રેટ થવાની ભ્રાંતિ પણ થઇ હતી. કદાચ અનન્યાનો કોલ હતો. નહીં, કોલ તો એ રાત્રે જ કરતી. કદાચ મેસેજ કર્યો હતો. પણ મને પથારી છોડવાનું જરાયે મન ન હતું. કાન પર જડબેસલાક તકિયો ગોઠવી હું ઘોડા વેચી ગાઢ નીંદરને આધીન થઇ ગયો હતો. ઘોડા વેચી ? ઘોડા તો નહીં, પણ પુસ્તકો વેચાતા નિહાળી મન અતિ નિરાંત જરૂર હતું. જયારે આંખો ખુલી ત્યારે સૂર્ય આથમવાની તૈયારી હતી. અવિનાશનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દિવસને અંતે હતો. એ સ્મૃતિ થતા હું તરત જ ફ્રેશ થઇ ગયો. ફરીથી એ જ ઓવરકોટ, મફલર, સ્કાફ ...પણ સનગ્લાસીસની જગ્યાએ સાધારણ કાચવાળા ચશ્મા અને હાથને હૂંફાળા રાખવા હેન્ડ ગ્લોવ્ઝ ચઢાવી હું મારી ઓળખ છૂપાવી રાખવાના ઉદ્દેશ્યને વળગી રહ્યો. હવે હું પણ એક સામાન્ય કલાપ્રેમી જ હતો, ભીડમાંનો એક. જે મનાલીના પ્રખ્યાત કલાકાર સ્વર્ગસ્થ અવિનાશને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા મેદાન તરફ માનભેર ઉમટી પડયો હતો. 

હું મેદાન પર પહોંચ્યો ત્યારે મંચ પર મેયર, કેટલાક અન્ય નેતાઓ અને વિવિધ કલા અને સંસ્કૃતિ સંસ્થાઓના વડાઓ ની: શબ્દ, મૌન ઉભા હતા. એમને અનુસરી ભેગી મળેલી મેદની પણ અત્યંત શાંત, મૌન, ની: શબ્દ ઉભી હતી. મંચ ઉપર મોટા પોસ્ટરમાં જીવંત હાસ્ય વેરી રહેલા અવિનાશને બે મિનિટ સુધી આજ સ્તબ્ધ શારીરિક પરિસ્થિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી. ત્યાર બાદ મહેમાનોએ બેઠક લીધી અને ભેગી થયેલી મેદની મંચ પરના માઈક ઉપરથી ગૂંજી રહેલા શબ્દોને ધ્યાન દઈ સાંભળી રહી. ઠૂંઠવાતી ઠંડીમાં હું ભીડથી થોડું અંતર જાળવતો અંતિમ હરોળથી સહેજ પાછળના અંધકારમાં જ ઉભો રહી ગયો. મેયરના શબ્દોમાં હું અવિનાશને તાદ્રશ નિહાળી રહ્યો. એ પછી તો મંચ પરના બધાં જ મહાનુભવોએ એક પછી એક અવિનાશના જીવન ચરિત્રની ઝાંખી કરાવી. એ બધી જ ઝાંખીઓ એક સરખું તારણ દર્શાવી રહી હતી. અવિનાશ એટલે એક અદ્ભૂત સર્જક, એક વિનમ્ર માનવી, એક એવો જીવ જે પોતાની ઉપસ્થતિ દ્વારા જ વાતાવરણ જીવંત બનાવી આપે. જીવનને ગળાડૂબ પ્રેમ કરનારો, કલાનો ઉપાસક, પ્રેરણાસ્ત્રોત, અસાધારણ કલ્પનાઓનો સ્વામી. આમ અચાનક આવું શ્રેષ્ઠ હુનર દુનિયા છોડી આ રીતે જતું રહેશે એ કોઈએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. પણ એ કલાનો જીવ હતો અને એની અતુલ્ય કલામાં એ હંમેશા જીવશે, શ્વાસ ભરશે અને અન્ય કલાના ચાહકોને પણ સદા માટે અભિપ્રેરિત કરતો રહેશે. ફક્ત મનાલી જ નહીં, દેશભરના યુવાનોની જીવન પ્રેરણા બની એ હંમેશા કલાજગતનો ધ્રુવનો તારો બની ચળકતો રહેશે. 

મારું ધ્યાન મંચ પરથી પડઘાઈ રહેલા શબ્દો પર કેન્દ્રિત હતું. પરંતુ મારી નજર ચારે તરફ ભેગી થયેલી મેદનીને જોઈ અચરજ પામી રહી હતી. આટલા બધા ફૅન્સ ! આટલા બધા ચાહકો ! હાડકા થીજાવી નાખતી આવી કાતિલ ઠંડી રાત્રિમાં પણ અવિનાશ તરફ પોતાનો પ્રેમ , સ્નેહ અને આદર દર્શાવવા ભેગા મળ્યા હતા.

અકલ્પનિય !

એ મેદની વચ્ચે અચાનક મારી નજર ત્રણ ચાર હરોળ આગળની તરફ મંડાઈ. શું એ ચંપા જ હતી ? મેં અર્ધા ચહેરા પર ઢાંકેલા મફલરને વધુ ચુસ્ત કરતા મારું શરીર થોડું આગળ પાછળ કર્યું. ગરદન થોડી ઉપર નીચે ફેરવી. હા, એ

ચંપા જ હતી. એ પણ અવિનાશને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી ? ભલે અવિનાશ તુકારામથી દૂર થઇ જવાનું નિમિત્ત બન્યો હોય, પણ ચંપા માટે તો જે સાચો હત્યારો હતો એ જ નિમિત્ત હતો ને. તુકારામે હત્યા કરી જ નથી એવો ચંપાનો દ્રઢ વિશ્વાસ હતો. અવિનાશ માટે આજે પણ એના હૈયામાં આદર અને સન્માન અકળ હાજર હતા. અને કેમ ન હોય ? જીવલેણ માંદગીના મુખમાંથી અવિનાશના ઉપકારના લીધે જ એ બહાર નીકળી શકી હતી. અવિનાશ એના માટે પણ ઈશ્વરથી ઓછો ન જ હતો.

જ્યાં ચંપા ઉભી હતી એ સ્થળથી હજી બે ત્રણ હરોળ આગળ એક યુવતી પોતાના પરિવાર જોડે ઉભી હતી. જે વારે ઘડીએ પાછળ ચંપાની દિશામાં નજર ફેરવી રહી હતી. કદાચ ચંપા એની નજીક પહોંચી જાય એવી એની ઈચ્છા હતી. કદાચ બન્ને જુદા જુદા સમયે ત્યાં પહોંચ્યા હતા. પરંતુ ઠસોઠસ ભરાયેલી ભીડ વચ્ચે એ થોડું મુશ્કેલ હતું. એ યુવતીના ચહેરાની રેખાઓ તદ્દન ચંપાના ચહેરાની રેખાઓ જોડે મેળ ખાતી હતી. હું એ રેખાઓ અગાઉ પણ નિહાળી ચૂક્યો હતો. ચંપાના ઘરની ભીંત પર શણગારવામાં આવેલી લગ્નની તસ્વીરમાં એ જ યુવતી હતી, દુલ્હનના શણગાર જોડે . ભીડમાં આગળ પાછળ થઇ રહેલા એ ચહેરામાં એ જ અણીદાર નાક, પાણીદાર આંખો અને નાજુક હોઠ એકંદરે નિહાળી શકાતા હતા.

પાંચેક મિનિટ પછી રાહ ન જોવાતા ફક્ત ચહેરો જ નહીં, આખેઆખું શરીર પાછળની દિશામાં વળ્યું. મારી દ્રષ્ટિમાં થોડું ઉપસી આવેલું પેટ કેદ થયું. આવી હાલતમાં આવી ભીડમાં શા માટે આવવું ? મને મનોમન અકળામણ છૂટી. પણ આ ગ્રામજનો હતા. હાડમારીથી ટેવાયેલા અને કસાયેલા. કાચની જેમ શરીરને સાચવી, ઘરની ચાર દીવાલો રૂપી સંગ્રહાલયમાં સાચવીને સચકવાથી તો એ રહ્યા. એ તો આમ જ ઉમટી પડે. અહીં બધું જ ઉપરવાળાને ભરોસે ચાલે. પરિવારની અનુમતિ લઇ ભીડ વચ્ચેથી માર્ગ કાઢતી આખરે એ પોતાની માં નજીક સુરક્ષિત પહોંચી. દૂરથી એ દ્રશ્ય નિહાળી રહેલી મારી આંખોએ સંતોષનો દમ ભર્યો.

ચંપાની નજીક પહોંચતા વેંત એણે ચંપાના કાન પર એ રીતે હાથથી આડ બનાવી કે ચંપાના કાનમાં ઉચ્ચારાયેલા એના શબ્દો ન કોઈ સાંભળી શકે અને ન પોતાના હોઠ વાંચી લઇ કોઈ અંદાજો લગાવી શકે. કાન પર પડેલા શબ્દો પર વિશ્વાસ ન આવ્યો હોય એમ ચંપાનો ચહેરો શોકથી થોડો પાછળ ખસ્યો. એની આંખો પ્રશ્નાર્થ ચિન્હ બની પહોળી ફાટી પડી. તરત જ એક આશ્વાસન આપતો હાથ એણે સગર્ભા દીકરીના ખભે ગોઠવી દીધો. યુવતીએ એક નાજુક હાથ પેટ પર ગોઠવી અન્ય હાથ વડે ભીડને પાર દૂર એક ખૂણા તરફ ઇશારો કર્યો. ચંપાની નજરમાં ઘૃણા, ક્રોધ અને ભયનું વંટોળ એકજોડે ઉમટી આવ્યું. બન્ને માં દીકરીની દ્રષ્ટિ એક જ દિશામાં સ્થિર હતી. મેં તરત જ મારી નજર એ ચિંધાયેલી દિશા તરફ ફેંકી. દૂર, ભીડની બીજી તરફ એક વૃક્ષ નીચે એક કાળા રંગની બાઈક ઉભી હતી. એ બાઈક નજીક કાળા રંગનું લેધર જેકેટ પહેરી એક હાથમાં હેલ્મેટ પકડી, બીજો હાથ કમર પર ગોઠવી એક યુવક ટટ્ટાર ઉભો હતો. એ ચહેરો જરાયે ગ્રામીણ લાગતો ન હતો. શરીરના દરેક હાવભાવોમાં શહેર ઝળકી રહ્યું હતું. એની ઉભા રહેવાની અદા એને નિહાળી રહેલી નજરોને ધમકીના અણસાર આપી રહી હતી. મક્કમ આંખોની અંદર જાણે બદલાની ભાવના ખદબદી રહી હતી. થોડા સમય સુધી શરીરને એ જ સ્થિતિમાં સ્થિર રાખ્યા બાદ યુવાન હાથોએ જુનુન જોડે હેલ્મેટ માથા ઉપર ચઢાવી લીધી. લેધર જેકેટની ચેઇન ઉપર સુધી ચુસ્ત બંધ કરી દીધી. બાઇક પર ગોઠવાઈ જોશથી એક કિક લગાવી અને બીજી જ ક્ષણે બાઈક જે દિશામાંથી આવી હતી ફરી એ જ દિશામાં શહેર તરફ રવાના થઇ ગઈ. બાઈક અંધકારમાં અદ્રશ્ય થઈ કે ચંપાની દીકરીએ પોતાનું માથું માંને ખભે ટેકવી દીધું. એની આંખોમાંથી ચોધાર અશ્રુ વહી પડ્યા. ચંપા દીકરીને સંભાળતી, એને ભાવનાઓ પર કાબુ રાખવાનો આંખો થકી મૌન સંકેત કરતી, આખી પરિસ્થિતિને લોકનજરથી બચાવી લેવા બનતો પ્રયાસ કરવા મથી રહી.

એ ક્ષણે મને એવું લાગ્યું જાણે સ્ટડી ટેબલ પર મારી રાહ જોઈ રહેલી વાર્તા હવે અથાઈ જવાની તૈયારીમાં હતી.

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Crime