mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  (ભાગ : ૧૬)

આત્મસાત  (ભાગ : ૧૬)

5 mins
386


મનાલી આવવાને વીસ દિવસ વિતી ચૂક્યા હતા. હવે મારી પાસે ફક્ત દસ દિવસ બાકી રહ્યા હતા. વાર્તા આગળ તો વધી ગઈ હતી. પંરતુ હજી એ વાર્તાની રચના પ્રક્રિયાના સૌથી મહત્ત્વના બે સોપાનો'એન્ટીકલાઈમેક્સ' અને'ક્લાઈમેક્સ'માંથી પસાર થવાની બાકી હતી. મારી પાસે બે જ વિકલ્પો હતા. ક્યાં તો હું અહીં સુધી પહોંચેલી વાર્તાને મારી કલ્પના શક્તિ દ્વારા જ આગળ વધારી દઉં. હાજર તમામ પાત્રોમાંથી એકાદ પાત્રની પસંદગી જાતે જ કરી લઉં. એ પાત્ર દ્વારા જ હત્યા થઇ હોય એની સાબિતી આપતા પુરાવાઓ જાતે તૈયાર કરું. એ દરેક પુરાવાઓને એક એક કરી વાર્તાની માંડણી જોડે તાર્કીક રીતે વણી લઉં. એક પછી એક ખુલાસાઓ કરતો જાઉં અને વાચકોને શોક અને ઝટકાઓ આપતો જાઉં. કોઈ પણ રહસ્યવાર્તા કે'થ્રિલર'ની સફળતા મુખ્ય બે બાબતો પર જ ટકી હોય છે. વાચકોને સતત જકડી રાખતો'એન્ગેજીંગ પ્લોટ'અને ચોટદાર પ્રભાવશાળી અંત.

મારો લેખક તરીકેનો અનુભવ એ વાતની ખાતરી તો કરાવી રહ્યો હતો કે અહીં સુધી લખાયેલા પ્રકરણો વાચકોને જકડી રાખવા માટે નિઃશંક સમર્થ હતા. હવે જરૂર હતી તો વાર્તાને એક એવો વળાંક આપવાની જે વાચકોની જિજ્ઞાસા વૃત્તિને પરાકાષ્ઠાએ પહોંચાડી અંતે સંતુષ્ટિનો આસ્વાદ માણવા નિરાંતે છૂટા મૂકી શકે. પરંતુ મને એ વળાંક પ્રાકૃતિક જોઈતો હતો. મને વાર્તામાં કોઈ પણ પ્રકારની યાંત્રિકતા પ્રવેશવા દેવી ન હતી. જો અવિનાશના સાચા હત્યારા સુધી પહોંચી શકાય તો ...પણ કઈ રીતે ? હું જાણતો હતો કે અંતિમ દસ દિવસ મારા માટે ખૂબ જ પડકાર સ્વરૂપ નિવડવાના હતા અને હું એ માટે માનસિક રીતે સજ્જ હતો.

ફરી ફરીને અત્યાર સુધીના બધાં જ પ્રકરણો હું વાંચી ગયો હતો. મારી વાર્તાના પુલીસ અધિકારી જોડે વારેઘડી એ હું એ દરેક સ્થળે, દરેક પાત્રોને, એમની દરેક પરિસ્થિતિમાં વારંવાર મળી આવ્યો હતો. કદાચ કોઈ ખૂણામાં કોઈ છુપાયેલો'ક્લુ', કોઈ સંકેત, કોઈ પુરાવો હાથ લાગી બેસે. ક્યાંક કોઈ છૂટી ગયેલો તાંતણો જોડાઈ જાય. એકાદ છેલ્લો કોયડાનો કટકો હાથ લાગી આવે અને કોયડો ક્ષણભરમાં ઉકેલી શકાય. મારી નજર અત્યંત સતર્ક હતી, વાર્તાના પુલીસ અધિકારીની જેમ જ. 

દિવસે, રાત્રે, ઉઠતા, બેસતા, જમતા, ફરતા ...અહીં સુધી કે ઊંઘમાં અને સ્વપ્નાઓમાં પણ વાર્તાની માંડણી મારા મન અને મગજ બન્નેમાં ચક્કર કાપ્યા કરતી. સતત, અવિરત. મારી આસપાસની સૃષ્ટિ હાજર હોવા છતાં મારા માટે કશે હાજર ન હતી. મને તો ચારે તરફ અવિનાશ, સ્વરાગિની, એની વૃદ્ધ માતા, તુકારામ, એની પત્ની, ચંપા અને એમની દીકરી જ દેખાયા કરતા. ક્યારેક અવિનાશના પેઈન્ટિંગ્સ, એનો હસતો ચહેરો, એના કેનવાસમાં ઝળકતું એનું ઉચ્ચ કલ્પનાનું વિશ્વ,એના ઊંચા સ્વપ્નાઓ તો ક્યારેક સ્વરાગિનીની એકલતા, નિસહાયતા, લાચારી, વિવશતા તો વળી ક્યારેક એની ઘરડી માતાના અશ્રુઓ આંખો સામે વિખરાઈ જતા. ક્યારેક આર્થિક સંકળામણમાં કાકલુદી કરતી ચંપા તો ક્યારેક તુકારામના સાથ માટે તરસી રહેલી, પશ્ચયાતાપમાં ભીંજાઈ રહેલી ચંપા તો વળી ક્યારેક પિતાનો સ્નેહાળ હાથ માથેથી ગુમાવી ચૂકેલી એની દીકરી નજર સામે તરી આવતી. 

હું એ જગતમાં સપડાયેલો હતો. એટલો ઊંડો ઉતરી ચૂક્યો હતો કે હવે હું ખુદને અવિનાશ જ માનવા લાગ્યો હતો. જાણે કે હું મારા જ ઘરમાં હતો. મારી અંદર એનું પાત્ર'આત્મસાત'થઇ ચૂક્યું હતું. એ વાર્તા હવે મારી હતી. હત્યા મારી થઇ હતી. હું મારી કલાથી, મારા હુનરથી, મારા સ્વપ્નાઓથી વિખૂટો પડયો હતો. મારી પત્ની મારા વિના ઝૂરી રહી હતી. મને બદલો જોઈતો હતો, ન્યાય જોઈતો હતો. આ બધા માટે જવાબદાર કોણ ? તુકારામ ? મારો વફાદાર, ભરોસાપાત્ર નોકર ? જેના માટે હું બધું જ કરી છૂટ્યો ? જેને મારા પરિવારના એક સભ્ય તરીકે માન આપ્યું ? જેની દરેક સમસ્યમાં એને સતત પડખું આપ્યું ? એ જ તુકારામ ? ભલે એ જાતે કબૂલતો હોય. પણ હું કઈ રીતે સ્વીકારી લઉં ? 

પથારીમાં વારેઘડીએ પડખું ફેરવવા છતાં મન જપી રહ્યું ન હતું. વિહ્વળતાથી માથું બહુ ભારે થઇ ગયું હતું. 

"સાબ, યે આપ કે લીયે." 

શ્યામની દીકરીએ નાસ્તાની ટ્રે દરરોજ જેમ સ્ટડી ટેબલ પર ગોઠવી અને મારા હાથમાં એક કાર્ડ થમાવ્યો. 

"વકીલ સાબ દે ગયે થે. મેને બોલા આપ આરામ કર રહે હે. ઉનકો કામ પે જાના થા. બોલે આપસે બાદમેં મીલ લેંગે. સીર્ફ યે આપકો દેના થા."

હું પથારી પર વ્યવસ્થિત બેસવાનો પ્રયાસ કરવા માંડયો. શ્યામની દીકરીએ હાથમાં આપેલા સફેદ કવરમાંથી મેં ધીમે રહી એક ખૂબ સુંદર ભાતવાળો, અત્યંત રંગબેરંગી કાર્ડ બહાર કાઢ્યો. જેનું શીર્ષક અતિ આકર્ષક ઘેરા લાલ રંગથી ચળકી રહ્યું હતું.

'નેશનલ આર્ટ ફૅસ્ટીવલ'

મેં કાર્યક્રમના સ્થળ માટે સરનામું વાંચ્યું. મકાનથી બહુ દૂર ન હતું. એક મોટું, મોકળું, ખુલ્લું મેદાન. ઘણી વાર શ્યામ જોડે ગાડીમાં એ મેદાન નજીકથી પસાર થયો હતો. કાર્યક્રમની તારીખ આજની હતી અને સમય વહેલી સવારથી મોડી સાંજ સુધી. કાર્ડના અંતિમ ફકરામાં એક ખાસ નોંધ હતી. જેમાં સ્થાનિક વિસ્તારના પ્રખ્યાત કલાકાર સ્વર્ગસ્થ અવિનાશને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનો વિશિષ્ટ ઉલ્લેખ હતો. એ કાર્યક્રમનો સમય યાદીમાં સૌથી અંતિમ હરોળમાં હતો. એટલે ફૅસ્ટીવલની સમાપ્તિ અવિનાશને શ્રદ્ધાંજલિ અર્પીને થવાની હતી. 

મેં મૂંઝવણમાં માથું ખજવાળ્યું. થોડો વિચાર કર્યો. જવું કે નહીં ? ભીડનો વિચાર આવતા જ મનમાં અકળામણનું પૂર આવ્યું. મારી એકલતા પસંદ જાત મને ન જવા માટે રીઝવવા લાગી. એ જ સમયે મારી નજર સ્ટડી ટેબલ પર મારી રાહ જોઈ રહેલા કોરા કાગળો અને સ્થગિત વાર્તા પર આવી પડી. ફરીથી મનમાં અકળામણનું પૂર ધસી આવ્યું. પણ આ પૂર પહેલા પૂરની સરખામણીમાં વધુ તીવ્ર હતું. 

એ બન્ને અકળામણના ખેંચતાણ વચ્ચે મને અચાનક બાળપણનું સ્મરણ થઇ આવ્યું. બાળપણમાં જયારે બા બરણીમાં અથાણું બનાવતી ત્યારે એ થોડા દિવસો માટે નવા અથાણાંની બરણી અભરાઈ પર ચઢાવી દેતી. થોડા સમય સુધી એ અથાણું વાપરતી નહીં. કેટલું પણ મોઢામાં પાણી છૂટે, એ બરણીને અડકવા દેતી નહીં. થોડા દિવસો પછી એ જાતે એ બરણી અભરાઈ પરથી નીચે ઉતારતી અને ત્યારબાદ એની અંદરના અથાણાંને વપરાશ માટે પરવાનગી મળતી. મને ખૂબ જ નવાઈ લાગતી. મને એનું કારણ જાણવું હતું અને એણે ખૂબ જ ધીરજ જોડે મને માહિતી આપી હતી. અથાણું તૈયાર થાય ત્યારે તરત જ જમવા માટે તૈયાર હોતું નથી. થોડા સમય માટે એને તેલ અને મસાલાઓ જોડે છોડી દેવું પડે. એને'આથવું'પડે. એક વાર બરાબરથી અથાઈ જાય ત્યાર બાદ જ એ સ્વાદ પકડે, લજ્જતદાર બને. વાર્તાઓનું પણ કંઈક એવુ જ નથી ? ક્યારેક એમને પણ કાગળ ઉપર એકલી છોડી દેવી પડે. ઉતાવળ ન કરાય. એકવાર અથાઈ જાય ત્યાર બાદ જ એ રસ પકડે, રોચક બને.

મારું મગજ ઘણું થાકેલું હતું. મને સાચે જ એક અર્થપૂર્ણ વિરામની જરૂર હતી. આર્ટ ફૅસ્ટીવલમાં જઈશ તો કદાચ મગજ અને મન બન્ને થોડી તાજગી અનુભવશે. તરોતાજા મન અને મગજ જોડે કદાચ વાર્તા વધુ પ્રભાવશાળી રીતે આગળ વધારી શકીશ. થાકેલા અંતરને હકારાત્મક વિચારો વડે અભિપ્રેરિત કરતા મેં ગરમ ચાનો એક ઘૂંટ હળવેથી ગળા નીચે ઉતારી દીધો. 

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Crime