STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Others

3  

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Others

આંધળી દોટ

આંધળી દોટ

4 mins
171

“જાનકી, જલદી ચાલ આપણને મોડું થઈ રહ્યું છે.” ૬૮ વર્ષના ઘનશ્યામભાઈએ તેમની પત્નીને કહ્યું. જાનકીબેનને લીધે મોડું થઈ રહ્યું હોવાથી ઘનશ્યામભાઈનો કરચલીવાળા ચહેરો ગુસ્સાથી તંગ થઈ રહ્યો હતો. ઉંમરને કારણે અશક્ત થયેલ જાનકીબેને ધ્રુજતે હાથે દરવાજા પર તાળું વાસતા કહ્યું, “કોરોનાની વેક્સીનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે છતાંયે, તમે કેટલી ઉતાવળ કરી રહ્યા છો.”

“જાનકી, વેક્સીનેશન સેન્ટર પર વહેલી સવારથી જ લાંબી લાઈન લાગી જાય છે. આપણે જેટલું મોડું કરીશું એટલો આપણો નંબર પાછળ લાગશે.”

જાનકીબેને કાંડા ઘડિયાળમાં જોઈને કહ્યું, “હજુ તો સવારના ૮.૩૦ જ વાગ્યા છે. આપણી સોસાયટીમાં રહેતા મગનકાકા તો છેક ૧૦.૦૦ વાગે ગયા હતા અને આરામથી વેક્સીન લગાવી પાછા પણ આવ્યા હતા.”

“જાનકી, એ એટલા માટે કારણ તેમનો દીકરો ગિરીશ વહેલી સવારે લાઈનમાં જઈને ઊભો રહ્યો હતો. એ હરામખોર ગિરીશને આજે મેં આપણા માટે લાઈનમાં જઈને ઊભા રહેવાનું કહ્યું ત્યારે બહાનું બનાવી છટકી ગયો.”

જાનકીબેને એક નિ:સાસો છોડતા કહ્યું, “અરે! હરીશ કેમ આપણા માટે તકલીફ વેઠે ? આપણો દીકરો હોત તો.”

ઘનશ્યામભાઈએ કહ્યું, “ચાલ, ચાલ હવે. આમ પણ આપણને મોડું થઈ ગયું છે.”

બંને જણા વેક્સીનેશન સેન્ટર પર પહોંચ્યા ત્યારે ત્યાં ખૂબ લાંબી લાઈન લાગી હતી. એ જોઈ જાનકીબેન બોલ્યા, “ઓ બાપરે ! આપણો નંબર ક્યારે આવશે ?”

“મેં તને પહેલાં જ કહ્યું હતું કે ઉતાવળ કર પણ તું મારી વાત સાંભળે ત્યારે ને.”

“મારે ઘરમાં ઘણા કામ હોય છે. વેક્સીન ખાલી પેટે લેવાની હોતી નથી, તેથી સવારે વહેલા ઊઠીને મેં આપણા માટે ગરમાગરમ નાસ્તો બનાવ્યો. આ બધું કરવામાં મને મોડું થાય જ ને.”

“અહીં કોઈ ભૂખ્યા પેટે આવ્યું નથી. બધા ઘરેથી ભરપેટ નાસ્તો કરીને વહેલા વહેલા આવીને લાઈનમાં ઊભા રહ્યા છે.”

“તેમને ઘરમાં મદદ કરવા માટે વહુ દીકરીઓ છે. મને કોઈ મદદ કરવાવાળું છે ? મારી વહુ કે દીકરી હોત તો, હું આ બધા કરતા વહેલી આવીને લાઈનમાં ઊભી રહી હોત. પણ.”

“હવે તું પાછુ ચાલુ ન કર. બધા આપણી તરફ જોઈ રહ્યા છે. ચુપચાપ લાઈનમાં ઊભી રહે.”

ખાસ્સો સમય રાહ જોયા બાદ બંનેનો વેક્સીન લેવાનો વારો આવ્યો. ઘનશ્યામભાઈએ રજીસ્ટ્રેશનનો નંબર દેખાડતા બંનેને સેન્ટરની અંદર મોકલવામાં આવ્યા. ડોકટરે ખૂબજ કાળજીપૂર્વક બંનેને વેક્સીન આપતા કહ્યું, “તમે બંને અડધો કલાક સુધી પેલી રૂમમાં બેસી રહો ત્યારબાદ જ ઘરે જજો.”

વેક્સીનેશન સેન્ટર પર ઊભેલ મદદનીશે તેઓને આંગળી ચીંધી રૂમ દેખાડી. રૂમ તરફ ધીમે પગલે ચાલતા ચાલતા જાનકીબેન બોલ્યા, “હવે આ અડધો કલાક રોકાવવાની શું જરૂર છે ?”

“જાનકી, વેક્સીનની આડઅસર અડધા કલાકની અંદર થાય છે. તેથી વેક્સીન આપ્યા બાદ વેક્સીન લેનારે ફરજિયાતપણે જે તે સેન્ટર પર રોકાવવું પડે છે.”

રૂમમાં પહોંચ્યા બાદ બંને જણા ખુરશી પર જઈ બેઠા. ઓરડામાં પંખાની વ્યવસ્થા હતી જેથી પવન મળતા બંનેને થોડી રાહત મળી. ત્યાંજ એક યુવાન રૂમમાં આવ્યો અને તેમની સામેની ખુરશી પર બેઠેલા વૃદ્ધને સંબોધી બોલ્યો, “દાદા, તમને કઈ પણ તકલીફ થાય તો તરત મને બોલાવજો. હું અહીં દાદર પાસે જ બેઠો છું.”

પેલા વૃદ્ધે હસતેમુખે કહ્યું, “બેટા, મને કોઈ તકલીફ જણાઈ રહી નથી. છતાંયે એવું કઈ લાગે તો તને બોલાવી લઈશ.”

અનાયાસે વૃદ્ધની નજર તેમને જોઈ રહેલા જાનકીબેન તરફ ગઈ. જાનકીબેન તેમને જોઈને ફિક્કું હસ્યા. વૃદ્ધે પણ જવાબમાં સ્મિત આપી બારી બહાર જોવા લાગ્યો.

જાનકીબેને હળવેકથી કહ્યું, “સાંભળો છો ?”

“શું ?”

“તમને વેક્સીનની આડઅસરથી કઈ થયું તો હું એકલી શું કરું ?”

“તેની ચિંતા ન કરીશ, એ માટે ડોકટરોની ટીમ અહીં બેઠી છે.”

“છતાં આપણો દીકરો હોત તો સારું થયું હોત.”

જાનકીબેનની વાત સાંભળી બાજુની ખુરશી પર બેઠેલી એક વૃદ્ધા બોલી, “બેન, તમને સંતાન નથી એ વાતનું દુઃખ રાખશો નહીં. એ તો નસીબમાં લખાયેલું હોય તે જ થાય. હું પણ નિ:સંતાન છું પણ મને તે વાતનું જરાયે દુઃખ નથી.”

ઘનશ્યામભાઈ બોલ્યા, “ઓ બેન, તમને કોણે કહ્યું કે અમે નિ:સંતાન છીએ ? અમને એક દીકરો અને એક દીકરી છે. પરંતુ તેઓ અહીં નથી વિદેશમાં છે.”

જાનકીબેન શૂન્યમનસ્કપણે બોલ્યા, “ડોલર કમાવવા ગયા છે.”

ઘનશ્યામભાઈ ગર્વથી બોલ્યા, “અને ખૂબ સારા કમાવે છે.”

“સરસ, તમે તો નસીબવાળા છો.” આમ કહી વૃદ્ધાએ ભીંત પર લાગેલી ઘડિયાળ તરફ જોયું.

સામે બેઠેલા વૃદ્ધનો અડધો કલાક પૂરો થતા તે ઊભો થયો. બારણા પાસે ઊભેલા તેના પોત્રએ આવીને તેને ટેકો આપ્યો. પોત્રના ખભે હાથ મૂકી એ વૃદ્ધ ઉમંગથી ઓરડાની બહાર નીકળી ગયો.

“ચાલો મારો પણ અડધો કલાક પૂરો થયો.” આમ બોલી બાજુમાં બેઠેલી વૃદ્ધા પણ ઊભી થઈ. નિ:સહાય અને લાચાર અવસ્થાએ તે ધીમે પગલે ઓરડાની બહાર નીકળી ગઈ.

જાનકીબેને ધીમેકથી કહ્યું, “એક વાત કહું ?”

“શું ?”

“આ બેનમાં અને મારામાં મને કોઈ ઝાઝો ફેર લાગતો નથી. તે નિ:સંતાન છે અને હું સંતાન હોવા છતાંયે.”

“બસ કર હવે.”

“સાંભળો છો ? શું ડોલર કમાવવું આટલું જરૂરી હતું ? શું આપણા દીકરા દીકરીને અહિયાં નોકરી મળી ન હોત ? તેઓ ગમે તેટલું કમાવી લે તો પણ શું પરિવાર સુખ આપણામાંથી કોઈને પણ મળવાનું છે ? આપણા પૌત્રોનું મોઢું જોઈને આજે વર્ષો થઈ ગયા. પડોશના છોકરા આપણી મદદ કરશે પરંતુ કેટલી ! આજે તમે હરીશને ગાળો આપી. તમને ખબર છે એ હરીશને પણ વિદેશ જવાની તક મળી હતી પરંતુ તે ગયો નહીં. તેણે શું કહ્યું ખબર છે ?”

“શું કહ્યું ?”

“જો હું વિદેશ જઈશ તો મારા માતાપિતાની દેખભાળ કોણ કરશે ?”

“બકવાસ”

“બકવાસ ! તમે જ વિચારો કે આપણા સંતાનો ડોલર કમાવવાની લાલચે વિદેશ ગયા ન હોત. તો આજે આપણે અહીં સહીએ છીએ એવી લાચારી સહેવી પડી હોત ? આપણને દીકરી છે, દીકરો છે, વહુ છે, બે પૌત્રો છે. છતાંયે આપણે નિ:સહાય છીએ, લાચાર છીએ, બેબસ છીએ. ડોલર પાછળ આ કેવી આંધળી દોટ ?”


Rate this content
Log in

Similar gujarati story from Abstract