આકૃતિ
આકૃતિ
આકાશ ઘરના મોટા ઓરડામાં જમવા બેઠો હતો. અને એ વખતે જ તેની નજર રસ્તા ઉપર પડી. તેને બે આકૃતિ જોવા મળી. એક આકૃતિ મોટી હતી અને બીજી આકૃતિ નાની હતી. નાની આકૃતિએ મોટી આકૃતિનો હાથ પકડ્યો હતો.
હા, આ મોટી આકૃતિ એટલે બીજું કોઈ નહી પણ પારુલ. અને નાની આકૃતિ એટલે ઉદય. આકાશ ઉદયને લાડમાં બચ્ચું કહીને બોલાવતો. તે પોતે પણ જ્યારે નાનો હતો ત્યારે બચ્ચું જેવો જ દેખાતો હતો. દિવસમાં એકાદ વખત પણ જો પોતે 'બચ્ચું 'શબ્દ ન ઉચ્ચારે તો તેને ચેન ન પડે. બચ્ચુંને જોઈને એને એવી લાગણી થતી કે તે જાણે પોતાનો જ દીકરો ન હોય ! એને ઘણીવાર તેને ઊંચકી લેવાનું મન થતું હતું. પરંતુ પછી પાછો પડતો હતો. એના પપ્પા છે તો પછી મારી શી જરૂર એવો વિચાર કરીને તે ખાલી સ્મિત આપીને પોતાને રસ્તે પડી જતો.
આકાશે એક બાબત નોંધી હતી કે છેલ્લા કેટલાક દિવસથી પારુલ સવારે આઠ વાગ્યે ઘેરથી નીકળી જતા અને સાંજે છ વાગે ઘેર પરત ફરતા. એમનો પતિ સંકેત એમને મોટરસાઈકલ પર બેસાડીને જોબના સ્થળે મૂકી આવતો હતો.
ખેર, આકાશે બે આકૃતિ રસ્તા પર ચાલતી જોઈ એ સાથે જ એને પૂર્વેનો દિવસ; ખાસ તો સાંજનો સમય યાદ આવ્યો. પારુલ જેવા નોકરી ઉપરથી ઘેર આવ્યા અને હજી એમણે કપડાં પણ ચેન્જ નહોતા કર્યા ત્યાં તો સંકેતે પોતાનું મગજ ગુમાવ્યું. તે એલફેલ બોલવા લાગ્યો. તેના મુખમાંથી અપશબ્દો નીકળવા લાગ્યા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ કકળાટ તેની ચરમસીમાએ પહોંચ્યો.
આકાશે નોંધ્યું કે પારુલનો ડ્રેસ એકદમ ઑફિશ્યલ હતો. એટલે કે એમણે ઉપરના ભાગે સ્કાય બ્લૂ રંગનું શર્ટ પહેરવાનું રહેતું હતું. અને શરીરના નીચેના ભાગે ડાર્ક બ્લૂ રંગનું પેન્ટ. પગમાં તો જે પહેરવું હોય એ પહેરવાની છૂટ હતી. પણ પારુલ મોટાભાગે સારી ક્વોલિટીના ચંપલ જ પહેરવાનો આગ્રહ રાખતા. એમણે પહેરેલા કપડાં એકદમ સ્વચ્છ રહેતા.
પારુલ અને સંકેત વચ્ચે તણખા એટલા માટે ઝર્યા હતા કે થોડા દિવસો પૂર્વે બંને જણ કોઈ સંબંધીને ત્યાં ગયા હતા. અને ત્યાં કોઈ બાબતને લઈને સંકેતને મનદુખ થયું હતું. સંકેત એ વેળા તો કશું બોલ્યો નહોતો. પરંતુ ઘેર આવ્યા બાદ એના મગજમા રીતસરનો દાવાનળ ફાટી નીકળ્યો. અમુક અમુક સમયના અંતરે દારૂ-માસનું સેવન અને ઉપરથી રોજ પડીકી ખાવાની ટેવ એટલે એવી વ્યક્તિનો ગુસ્સો આસમાને ન પહોંચે તો ક્યાં પહોંચે ! એ પલંગ ઉપરથી ઊભો થયો અને ઘરના કોઈ એક ખૂણે પડેલું ઝાડુ ઉપાડ્યું અને પોતાના દાંત પીસતા પારુલને મારવા લાગ્યો. જોક પારુલે સમયસુચકતા વાપરીને પોતાનો જમણો હાથ આડો કરી દીધો જેને લઈને તેઓ મોઢા પર થનાર સંભવિત ઈજાથી બચી ગયા.
જો તેમણે હાથ આડો ન કર્યો હોત તો ઝાડુનો કઠણ ભાગ એમના મોંની હાલત બગાડી નાંખત. પારુલના ઉદાર સ્વભાવ વિશે આકાશ ઘણીવાર વિચારતો. તે જ્યારે એમના વિશે વિચારતો ત્યારે તેના મગજમાં સંકેતનો સ્વભાવ પણ ઉપસી આવતો. સંકેત નફ્ફટ બનવામાં સ્હેજ પણ શરમ અનુભવતો નહીં. બંને વચ્ચે જ્યારે તણખા ઝર્યા ત્યારે તે ઉઘાડો હતો. એટલે કે નીચે ચડ્ડો એકલો જ પહેર્યો હતો. મોમાં પડીકી ઓરી હતી.
આકાશને ઘરમાં ઉઘાડા રહેવાનું ગમતું નહી. કેમકે તે એવું વિચારતો કે જો ઉઘાડા રહીએ અને અચાનક જ કોઈ બહારથી આવી ચઢે તો સારું ન દેખાય. મહોલ્લામાં થતા મોટા ભાગના કકળાટને તે સાક્ષીભાવથી જોઈ રહેતો." લોકો શું કામ આવું કરતા હશે ", તે મનોમન વિચારતો. તેની દલીલ એવી હતી કે જો વ્યક્તિ પાસે સરસ મજાનું મકાન હોય, રાત્રે ઊંઘ દઈ શકે એવી જોબ હોય, પત્ની હોય તો પછી કકળાટ કરવો જ કેમ પડે ?
જોકે આકાશને જે પણ સવાલો થતા તે સવાલોના જવાબ તે કેટલીક વખત તરત જ મેળવી લેતો. ઘણા કિસ્સામાં તો તેને કોઈ સવાલનો જવાબ મહિના પછી પણ મળતો. લોકો દૂધમાથી માખણ બનાવતા ત્યારે આકાશ વિચાર કરીને તારણરુપી નવનીત કે માખણ બનાવતો. પણ આ આખી લીલા તે એકલો જ જાણતો અને માણતો.
જ્યારે સંકેતે ઝાડુ ઉગામ્યું ત્યારે નાનકડો ઉદય પોતાના પપ્પા સામે જોઈ રહ્યો હતો. તે પોતાની મમ્મીને બચાવવા ઈચ્છતો હતો પણ કેવી રીતે બચાવે ! એ તો નાનું બચ્ચું હતું. એ રડવા જેવો થઈ ગયો. પારુલ રડયા નહી પણ કહેવા લાગ્યા," ઊભો રે, આજે તો તને બતાવી જ દઉ….."
એ પછી એમણે પોતાના હાથમાં સ્માર્ટફોન લીધો અને નજીકના પોલીસ સ્ટેશનનો નંબર જોડ્યો. સંકેતને તો પોલીસ સ્ટેશનમાં જવાની સ્હેજ પણ નવાઈ નહોતી. સાદી ભાષામાં કહીએ તો તે રીઢો થઈ ગયો હતો. પારુલે નજીકના ગામમાં રહેતા પોતાના એક સંબંધીને પણ બોલાવ્યા. એ આવ્યા તો એમને પણ સંકેત ગાઠતો નહોતો. એમને પણ તે ન બોલવાનું બોલી ગયો.
એ પછી તે ક્યાંકથી લાકડાંનુ પાટીયું ઊઠાવી લાવ્યો અને તેને તેણે જોરપૂરવક જમીન પર પછાડ્યું. ભેગા થયેલ લોકો આ દ્રશ્ય જોઈ ગભરાઈ ગયા. એ પછી થોડીવાર રહીને એક કોન્સ્ટેબલ આવી પહોંચ્યા. એમના હાથમાં એક ડંડો હતો. આકાશે જોયું કે પેલા કોન્સ્ટેબલે ડંડાને દીવાલ સાથે પછાડ્યો. અને એ પછી સંકેતને ઝબ્બે કરવા તેઓ ઘરમાં ગયા. "તમે આગળ જાવ હું આવું છું " કહેતા સંકેતે કપડાં ચેન્જ કરી નાખ્યા. એ પછી તે કોન્સ્ટેબલની પાછળ પાછળ ચાલવા લાગ્યો. રાત્રિનુ આગમન થઈ ચૂક્યું હતું.
હવે ઘરમાં પારુલ અને એમનો દીકરો ઉદય બે જ જણ હતા. પારુલે એ રાત્રે જ તિજોરીમાંથી જરૂરી કપડાં બહાર કાઢ્યા. અને એક બેગમાં ભરી દીધા. એમની સાથે ઉદય પણ પોતાના કપડાં વ્યવસ્થિત કરીને બેગમાં ભરવા લાગ્યો. એ પછી બંને જણ સૂઈ ગયા.
સવારે પારુલે રિક્શા બોલાવી અને એ પછી મા-દીકરો બંનેએ પિયરની વાટ પકડી. નાનકડા ઉદયને તો મામાના ઘેર જવાની ખુશી હતી. પરંતુ એને ક્યાં ખબર હતી કે પોતાની મમ્મી કકળાટને લઈને પિયર જઈ રહી હતી.
બપોરે બાર વાગ્યે જ્યારે સંકેતની એન્ટ્રી મહોલ્લામાં થઈ ત્યારે તેના ચહેરા પર ઉજાગરાની અસર જોવા મળતી હતી. એ પછી તે બે-ત્રણ ઘેર જઈને ચાવીની પૃચ્છા કરવા લાગ્યો. ચાવી મળતા તેણે તાળુ ખોલ્યું. એ પછી ઘરમાં ગયો. એને આખી પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. પોલીસ સ્ટેશનમાં તો સવારે મો ધોવાનો ક્યાંથી મેળ પડે ! અને એટલે તેણે ઘેર આવીને મો ધોયું. રાતે ખાવાનો પણ મેળ પડ્યો નહોતો. અને એટલે એના પેટમાં બિલાડા બોલી રહ્યા હતા.
તેણે ચા બનાવી અને એ પછી સ્ટીલના એક ડબ્બામાંથી બિસ્કીટનું પેકેટ કાઢ્યું અને એ પછી ભોંયતળિયે બેસીને ચા-નાસ્તો કરવા લાગ્યો. એ પછી તેણે ટી.વી. ચાલુ કર્યું. એ પછી એણે બિડી પીધી અને પારુલનો વિચાર કરતાં કરતાં મનોમન અકળાવા લાગ્યો !
બપોરે આડો પડ્યો પણ ઊઘ ક્યાંથી આવે ! મગજમાં ગરમી ભરાઈ ગઈ હોય તો શું ધૂળ ને ઢેફા ઊઘ આવે ! બાળપણમાં યોગ્ય સંસ્કાર ન મળ્યા તો પછી કરિયરનુ કાસળ જ નીકળી જાય ને! પત્ની અને બાળકને પાલવવા એ ખાવાના ખેલ નથી. નો ડાઉટ, એને પોતાનું મકાન હતું. મમ્મી પણ આર્થિક મદદ કરતા હતા પણ તોયે કોણ જાણે કેમ એને શાંતિપૂર્વકની જિંદગી જીવવામાં રસ જ નહોતો.
ખેર, આકાશ જ્યારે રાત પડી ને રવેશમા આડો પડ્યો ત્યારે સંકેત ; બીજા એક નફ્ફટના ઘેર ગયો. અને જાય જ ને ! કેમકે પોતાના ઘેર આખી રાત કેવી રીતે ગાળે ! બહુ બહુ તો ટી.વી. ચાલુ કરે. અને ટીવીમાં પણ પેલા અભિનેતા- અભિનેત્રી કૂદમ કૂદ કરે ! એ લોકો ટીવી સ્ક્રીનમાંથી બહાર થોડા આવવાના હતા !
પેલા નફ્ફટના ઘેર જઈને એણે પોતાનો બળાપો કાઢવા માંડ્યો. નફ્ફટની પત્ની હાજર હોવા છતાં તેણે અમુક અમુક સમયના અંતરે અપશબ્દો બોલવાનું ચાલું રાખ્યું. એ જ વેળા આકાશ પોતાના ખાટલામાં આડો પડ્યો હતો. તે આગામી દિવસે કયા કયા કામ હાથ પર લેવા તેનું આયોજન કરતો હતો. એ જ ઘડીએ એને નફ્ફટ અને સંકેતની વાતો સાંભળવા મળી. એણે નોંધ્યું કે એ લોકોની વાતોમાં નેગેટિવિટી અને કડવાશ ઠાંસી ઠાંસીને ભર્યા હતા. આકાશને નવાઈ લાગી કે નફ્ફટની પત્ની પણ સંકેતની 'વાણી' સાંભળવામા રસ દાખવી રહી હતી. આકાશની આંખો બંધ હતી પણ કાન ખુલ્લા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી તે તેના કાન સરવા રાખતો થઈ ગયો હતો.
થોડીવાર બાદ નફ્ફટની પત્ની પણ કંટાળી એટલે એ કહેવા લાગી, " સંકેત….ઓ સંકેત….. જો સાંભળ ….આ અડધી રાત થવા આવી. હવે ઘેર જઈન હુયજા...માર હવારમા નોકરી જવાનું છે. " નફ્ફટની પત્નીમાં આકાશે એક લાક્ષણિકતા બહુ ધ્યાન પૂર્વક નોંધી હતી. એ લાક્ષણિકતા એટલે એ જ કે તેનામાં સહનશક્તિ ભારોભાર ભરેલી હતી. નફ્ફટ કશો કામધંધો કરે નહી તોયે તેને નભાવી લેતી હતી. એટલું જ નહીં નફ્ફટ જ્યારે શરાબનું સેવન કરીને અપશબ્દો બોલે ત્યારે તે તેને લાડ લડાવે ! આકાશને મનમાં સવાલ થતો હતો કે સ્ત્રી આટલું બધું હેરાન થાય છે તો પણ પોતાના પતિને પપલાવતી કે પંપાળતી કેમ હશે ?
ખેર, એ પછી સંકેત પોતાના ઘેર ગયો. એ દિવસે તો એ ખતરનાક અકળાયેલો હતો. ઘરમાં જઈને એણે રેફ્રીજરેટર ખોલ્યું. એમાંથી એક બોટલ કાઢી. એ પછી તેણે કાચનો એક ગ્લાસ લીધો. એ દરમિયાન એની નજર ભગવાનની તસવીર પર પડી. જોકે તેણે તેને ધ્યાનમાં ન લીધી. અને અડધો ગ્લાસ ભર્યો. એ પછી એણે જેવું ટીવી ચાલું કર્યું કે પેલું ગીત વાગી રહ્યું હતું: મુઝ કો પીના હૈ પીને દો…..મુઝ કો જીના હૈ જીને દો…"
આ સાંભળી સંકેત અટ્ટહાસ્ય કરવા લાગ્યો. એ વેળા એણે ગ્લાસને મોંએ માંડી હતી.
બીજે દિવસે સવારે જ્યારે તે ઊઠ્યો ત્યારે સવારના અગિયાર વાગી ગયા હતા. તે પથારીમાંથી ઊઠ્યો. એ પછી તેણે મો ધોયું. એનો નશો ઊતરી જવા પામ્યો હતો. એણે સ્વયં ચ્હા બનાવી. એ પછી ચ્હા નાસ્તો કર્યો. એને પારુલ યાદ આવી ગયા. એણે ઝટપટ સ્નાન કરી લીધું. કપડાં પહેરી લીધા. પરફ્યુમ છાટ્યુ. અને એ પછી મોટરસાઈકલની ચાવી લઈને બહાર નીકળ્યો. તે પારુલને તેડવા જઈ રહ્યો હતો. તેણે મોટરસાઈકલ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કર્યુ. અને એ પછી ચાવી ખોસીને જમણી તરફ ફેરવી. મોટરસાઈકલ ચાલુ થઈ ગઈ. મોટરસાઈકલ ચાલુ થયાનો ટિપીકલ અવાજ આવવા લાગ્યો. જોકે એ પછી તેણે ચાવીને ડાબી બાજુ ફેરવી નાંખી. એક સેકન્ડમાં મોટરસાઈકલ બંધ થઈ જવા પામી !
