આજની શિખામણ - સંબધમાં વિશ્વાસ
આજની શિખામણ - સંબધમાં વિશ્વાસ
દરેક સંબંધો મજબૂત બનાવવા માટે બંને પક્ષે વિશ્વાસ હોવો જરૂરી છે. વિશ્વાસથી સમજણ કેળવાય છે. એકબીજાના વિચારોનું સન્માન કરી શકાય છે. સંબંધો અનાયાસે જ મજબૂત થતાં રહે છે. કેમકે જ્યાં વિશ્વાસ નથી ત્યાં સંબંધો ટકાવી રાખવા મહેનત કરવી પડે છે અને જ્યાં સંબંધ ટકે નહીં પણ ટકાવવો પડે તો એ સંબંધ હોવાનો દાવો કરવો જ યોગ્ય નથી.
દ્રઢ વિશ્વાસ અને પ્રામાણિકતાથી જ સંબંધ નિભાવી શકાય છે. જે સંબંધમાં પ્રામાણિકતા અને વિશ્વાસ નથી એ સંબંધમાં ગેરસમજ અને ઈર્ષ્યા ફાવી જાય છે.
આજે આ વાત મને એ વ્યક્તિ શિખવી ગયું જેના પર મને વિશ્વાસ નહતો, મેં વિશ્વાસ કરવાની કોશિશ તો કરી હતી પણ મને હજુ વિશ્વાસ બેઠો નહતો. અમારો સંબંધ દોસ્તી જેટલો પણ નથી એવું મને લાગતું હતું. સવારે ઉઠતાવેંત એ મિત્રનો ફોન આવ્યો. હું લાઈબ્રેરીમાં છું કામ હોય તો મેસેજ કરજે ફોન ના કરતી, હું બપોરે વાત કરું તારી સાથે. પછી અમારી વાત ત્યાં પૂરી થઈ. મેં વિચાર્યું કાલે રાત્રે મેં એને ખાલી કહ્યું જ હતું કે હું સવારે ફોન કરીશ 'ને એણે તો મને યાદ અપાવ્યું અને કહ્યું બપોરે ફોન કરજે સરખી વાત થાય. મારી પાસે એના માટે એક પ્રશ્ન હતો જેનો જવાબ જાણવો મારા માટે જરૂરી હતો. હું એને કંઈ પૂછું એ પહેલા જ એણે મને એ જવાબ આપી દીધો કેમકે કદાચ એ પણ જાણતી હતી કે મારા મનમાં પાંગરી રહેલો આ પ્રશ્ન અમારાં સંબંધને તોડવા માટે સક્ષમ છે. મને એના પર વિશ્વાસ કરવાનું કારણ મળી ગયું. છેલ્લા છ મહિનાથી જે પ્રશ્ન મારા મગજમાં હતો એનો જવાબ આપવા માટે કદાચ એને ય મારા પર વિશ્વાસ હોવો જરૂરી હતો અને આજે એને મારા પર વિશ્વાસ થયો. આજે મને જવાબ સાથે સાથે એ વાતની સ્પષ્ટતા મળી કે મારે માત્ર વિશ્વાસ કરવાનો છે. મારે મારી તરફથી પ્રામાણિક રહેવાનું છે. મારે મારી તરફનો સંબંધ નિભાવવાનો છે. મારે એ ધ્યાન રાખવાનું છે કે એનો મારા પર અને અમારા સંબંધ પર વિશ્વાસ બની રહે. પછી આ સંબંધ તો ટકવાનો જ છે ને !
મેં જો આટલા જ વિશ્વાસથી આ પ્રશ્ન છ મહિના પહેલાં પૂછી લીધો હોય તો આ ગેરસમજણ જેને હું આટલાં સમયથી ઉછેરીને મોટી કરી રહી હતી અને મારા મનમાં જ એ વ્યક્તિની ખરાબ તસવીર બનાવી રહી હતી એ કદાચ ના બની હોત.
આજની શિખામણ બસ એટલી જ કે સંબંધ ગમે તે હોય, ભલે એકતરફનો જ હોય જો આપણે જોડાયેલા છીએ તો વિશ્વાસપાત્ર અને પ્રામાણિક બનવું અને એ સંબંધને આપણી તરફથી સંપૂર્ણ રીતે જવાબદારીપૂર્વક નિભાવવો.
