આજની શિખામણ - માફી
આજની શિખામણ - માફી
માફી માંગવી જ જોઈએ. આજ સુધી મેં ઘણીવાર માફી માંગી છે. કેટલીક વાર મારી ભૂલ હતી પણ કેટલીક વાર તો મેં એમ જ માફી માંગી છે. મારું માનવુ છે કે માફી માંગવાથી સંબંધો મજબૂત થાય છે. તો શું જ્યાં સંબંધ ના હોય ત્યાં માફી ના માંગવી યોગ્ય છે ?
હું મારી સાથે બનેલી એક ઘટના પરથી સમજી કે માફી માંગવી કેમ જોઈએ !
૨૪મી તારીખે ૧૧ વાગે મારી કોલેજની પરીક્ષા શરૂ થઈ. પરીક્ષાનું માધ્યમ ઓનલાઈન હતું એટલે હું મોબાઈલ સામે ગોઠવાઈ ગઈ. હજુ માંડ બે મિનિટ થઈ હશે ત્યાં મારા ઘરે એક સમસ્યા થઈ ગઈ અને એણે ઝગડાનું સ્વરૂપ ધારણ કરી લીધું. પછી જ્યારે એ અજાણ્યા વ્યક્તિએ અપશબ્દો ઉચ્ચાર્યા ત્યારે મારો ગુસ્સો સાતમાં આકાશે પહોંચી ગયો.
બીજી બાજુ હું પરીક્ષા ચાલું જ મૂકીને રૂમની બહાર જતી રહી હતી. તેથી ત્યાં મારા શિક્ષિકાએ મને બે થી ત્રણ વાર ટકોર પણ કરી જોડાવા માટે છતાં મેં એ તરફ સહેજ પણ ધ્યાન ના આપ્યું. અચાનક જ મારા ફોનની રીંગ વાગી. ફોન મારા શિક્ષક મિત્રનો હતો. મેં એમનો ફોન ઉપાડ્યો અને ગુસ્સામાં ના બોલવાનું બોલી ગઈ. મેં એમને કહી દીધું મારે જોડાવું હશે તો જોડાઈશ તમે તમારું કામ કરો.
મને સહેજ પણ ભાન નહતું કે હું ગુસ્સામાં શું બોલી ગઈ. થોડીવાર પછી હું પરીક્ષામાં જોડાઈ. આ વખતે મારું મન થોડું શાંત થયું અને મને સમજાયું કે મારે મેડમની સામે આવું નહોતું બોલવું જોઈતું. મને મારી ભૂલ સમજાઈ પછી મેં જેવી પરીક્ષા પૂરી થઈ તરત જ એમની માફી માંગી. અહીં માફી માંગીને હું સંબંધ બચાવવા નહતી માંગતી પણ મને સમજાઈ ગયું હતું કે આ મારી ભૂલ છે એટલે મારે માફી તો માંગવી જ પડે. અહીં વાત સંબંધની નહતી પણ એમના હોદ્દાની અને મારી ભૂલની હતી. એટલે તરત જ મેં એમને માફી માંગવા માટે સંદેશ લખીને મોકલ્યો કેમકે ફોન કરીને માફી માંગવાની ના મારી હિંમત હતી, ના મારું મગજ ઠેકાણે હતું કે હું એમની સાથે વાત કરી શકું. હું જમવા બેઠી પણ એક કોળિયો ના ઊતર્યો. મારું સંપૂર્ણ ધ્યાન મારા મોબાઈલમાં ચોંટેલું હતું. ખબર નહીં મને માફી મળશે કે નહીં ? એમને ખોટું તો નહીં લાગ્યું હોય ને ? અને આવા હજાર સવાલો મને ઘેરીને ઊભા હતા. છેક સાંજે એમનો વળતો જવાબ આવ્યો, 'કંઈ વાંધો નહીં. ત્યાં ખુબ મોટી સમસ્યા થઈ છે ?'
આ વાંચ્યા પછી મને થોડી રાહત તો થઈ પણ મનમાં હજુય ક્યાંક એ ડર હતો કે મને આ માફી મળી છે એ હકીકત નહીં હોય તો ! અને એ દિવસે મેં એમને કોઈ જ વાત જણાવી નહીં કે અહીં શું થયું હતું.
પણ આજે હું એમને મળી. મારી હિંમત તો નહતી થઈ રહી છતાં હું એમની સામે ગઈ. મને એમ હતું કે હું માફી માંગુ પણ આજુબાજુ ઘણા લોકો જોઈને હું કંઈ બોલી નહીં. માફી માંગવાની હિંમત તો હું કરી પણ લઉં પરંતું એ માફી માંગવા પાછળની પરિસ્થિતિ વર્ણવવી મારા માટે મુશ્કેલ હતી. મારી પાસે એ પ્રશ્નનો કોઈ જવાબ નહતો કે મેં આવું કર્યુ જ કેમ ?
પરંતું મારા વિચારોથી તદ્દન વિપરીત મને એ શિક્ષકે સામેથી પૂછ્યું, "શું થયું હતું, તું રડી હતી ને ? "
મને સમજાયું કે ભલે મે ગુસ્સામાં કંઈપણ કર્યુ પરંતુ એમણે મારા ગુસ્સાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
હવે મને મારી ભૂલ સમજાઈ રહી છે કે મારે એમની માફી એમની સામે જઈને માંગવી જોઈતી હતી આમ સંદેશ મોકલીને નહીં.
એમણે તો મને માફ કરી કે નહીં પણ મને માફી માંગવાની જરૂરત સમજાઈ ગઈ. ખરેખર સંબંધ બચાવવાનો હોય કે ના હોય પણ ભૂલ હોય તો સામે જઈને માફી તો માંગવી જ જોઈએ પછી ભલે આપણને માફી મળે કે ના મળે. માફી માંગવી એ આવશ્યક છે.
