આજની શિખામણ - જવાબદારી
આજની શિખામણ - જવાબદારી
નિભાવવાની જવાબદારી પણ મારી જ છે, સંબંધ લોહીના હોય કે લાગણીના એમાં જવાબદારી તો હોય જ ! એને નિભાવવાની અને એકબીજાના પૂરક બનવાની. પ્રેમ, દોસ્તી કે પરિવાર બધાંની સાથે તાલમેળ સાધવો જ પડે. જવાબદારીપૂર્વક આ સંબંધોને સાચવવા પણ પડે. નહીં તો ભંગાણ પડતાં જરાય સમય ના લાગે. એ માટે તમારે ઘણીવાર મથામણ કરવી પડે અને ક્યારેક પોતાનાઓની ખુશી માટે પોતાની જાતને દુઃખી પણ કરવી પડે. તમે ખૂલીને સાચા હૃદયથી જેને ચાહતા હોવ એમની ખુશી આગળ દરેક સુખ ઝાંખુ પડી જાય છે.
છેલ્લાં એકવર્ષથી હું મથામણ કરું છું કે પ્રેમ જો સામે પક્ષે ના હોય તો આપણે નિભાવવું કે નહીં. પરંતુ આજે મને સમજાયું કે જો પ્રેમ મેં કર્યો છે તો નિભાવવો પણ મારે જ પડે. જ્યારે કોઈ ભૂલ કરે તો સજા એને જ મળે છે એમજ તમે પ્રેમ કરો તો નિભાવવાનું તમારે જ હોય ને !
મારી સામે ના ક્યારેય એણે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો છે ના મેં રજૂઆત કરી છે અને ના ક્યારેય અમે આવા પ્રસ્તાવને મંજૂરી આપી છે. બસ થોડીઘણી ફિકર એણે કરી અને થોડીઘણી મેં પણ કરી છે. સમય સાથે મારી લાગણીઓ ગાઢ થતી ગઈ અને એની કદાચ ઝાંખી પડતી ગઈ. જેમ જેમ દૂર થતાં ગયા એમ મારું પાગલપન વધતું ગયું અને એમનાથી હું ભૂલાતી ગઈ. મારી પાસે યાદો ઢગલો ખડકાઈ ગયો અને એમને ત્યાં મારી ગેરહાજરી ભરાતી ગઈ. હવે મને એમ થાય કે આ એકતરફથી સંબંધ નિભાવવાનો કોઈ અર્થ નથી તો હું છોડી જ દઉં પણ પછી થોડીવારમાં એવો વિચાર આવે કે પ્રેમ મેં કર્યો છે તો એમની પાસે અપેક્ષા તો ના જ રખાયને કે એ પણ સામે પ્રેમ કરે અને જો એ સાચો પ્રેમ ભૂલાવી દઉં તો મારા વાયદાઓની કિંમત શું રહે ?
આ વાત આજે મને મારી પરીક્ષા શીખવી ગઈ કે પરીક્ષા મારી છે તો લખવાનું મારે છે અને પાસ પણ મારે જ થવાનું છે મને ભણાવવાવાળા કે પેપર તપાસવાવાળા પાસે તો મારે એવી આશા ના રખાયને કે એ મને પાસ કરી દેશે.
તો બસ એમ જ પ્રેમ મેં કર્યો છે તો નિભાવવાની ફરજ પણ મારી જ છે. હા, પણ ત્યાં સુધી જ જ્યાં સુધી મારા પ્રેમને સમજીશ તું. જે દિવસે મારો આ અનહદ પ્રેમ તને પાગલપન લાગવા માંડશે અને તું મારાથી દૂર રહેવાના આ પ્રયત્નમાં સફળ થઈશ એ દિવસથી મારો પ્રેમ પણ મારા જ હૃદયમાં દફન થઈ જશે.
