આજની શિખામણ - ભૂલ
આજની શિખામણ - ભૂલ
“ભૂલ માત્ર શિખવા માટે નથી...”
આપણે કરેલી ભૂલોમાંથી પણ આપણે શિખવું જોઈએ એ તો આપણે જાણીએ છીએ પણ કંઈ ભૂલમાંથી શું શિખવું એ તો ખબર જ નથી હોતી. આપણે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરીએ એટલે ક્યારેક ભૂલ કરી બેસીએ અને ક્યારેક તો એ ભૂલની સજા પણ ભોગવાવી પડે. બાળપણમાં ભૂલો કરતા તો એની સજા શાબ્દિક કે ક્યારેક જરીક શારીરિક રીતે મળતી પણ જેમ જેમ મોટા થયા એમ સજા વધારે અઘરી થતી ગઈ. હવે તો માનસિક સજા મળે. જે માણસને સંપૂર્ણ તોડી પાડવા સમર્થ છે જાણતા હોવા છતાં આપણે ભૂલો કરીએ જ છીએ.
હા, પણ જો ભૂલ ના કરીયે તો નવા નવા અનુભવો પણ ના થાય. ક્યારેક તો ભૂલ એવી હોય ક આપણે કોઈની આંખમાં જોઈને વાત પણ ના કરી શકીએ. આવી ભૂલો ક્યારેક ઈર્ષ્યામાં કે નફરતમાં થઈ જાય છે. પરંતુ જ્યારે એ ભૂલ સમજાય એટલે પસ્તાવો પણ થાય છે.
તમે પણ સાંભળ્યું જ હશે કે ઉતાવળમાં ભૂલ થાય એટલે દરેક કામ સમજી વિચારીને કરવું જોઈએ ? તોય મારા જેવા મહારથી લોકો આ ભૂલ કરે. પછી પસ્તાવો થાય, પોતાની જ જાત પર ગુસ્સો આવે અને માફી માંગવાની હિંમત પણ ના થાય. આવુંં તો મારી સાથે અવારનવાર થતું જ હોય છે એટલે કંઈ નવાઈ તો નથી પણ આજે મેં ઉતાવળમાં એક એવી ભૂલ કરી જ્યારે મને એની ખબર પડી તો હું હસી પડી. પહેલીવાર એવું બન્યું કે ભૂલ કર્યા પછી પરસેવાને બદલે હસવું આવ્યું હોય.
આજે મેં મારી એક મિત્રને ફોન કરીને કહ્યુંં કે, “હું બપોરે તારા ઘરે આવું છું, મારુ જમવાનું બનાવી રાખજે અને હા, હાલ મારી પરીક્ષા શરૂ થાય છે તો હવે હું ફોન નહીં કરુ.”
મેં એનું કંઈપણ સાંભળ્યા વગર ફોન મૂકી દીધો. બીજી તરફ મારી મિત્રને એમ કે હું આવવાની છું તો એ રાહ જોઈ રહી. હવે બન્યુ એવું કે મારે જેના ઘરે જવાનું હતું હું ત્યાં પહોંચી ગઈ. મને જોઈને મારી એ મિત્રને નવાઈ લાગી. હવે મને એવું કંઈ સમજાય એ પહેલાં એની મમ્મીએ કહ્યુંં, “જમવાનું તૈયાર છે તમે બન્ને જમી લો.” અને મને થયુ મેં ફોન કર્યો હતો એટલે બનાવીને રાખ્યુ છે. હકીકતમાં જમવાનો સમય થયો જ હતો એટલે એમણે મને કહ્યુંં હતું. અમે જમીને ઊભાં થયા ત્યાં જ મારી મિત્રએ કહ્યુંં, “તું આમ અચાનક જ આવી ગઈ મે તને કહ્યું હતું ને કે ફોન કરીને આવજે.”
મે તો સહજતાથી કહી દીધું, “સવારે ફોન કર્યો તો હતો સવારે અને જમવાનું પણ કહ્યું હતું ને!”
“અરે, ફોન કર્યો હોય તો મને ખબર ના હોય પાગલ. ફોન કર્યા વગર આવી છે અને હું ઘરે ના હોત તો ?” એણે મને ઠપકો આપતાં કહ્યું.
પછી મે એણે બતાવવા ફોન નિકળ્યો અને કહ્યું, “લે, આમાં જોઈ લે મે તને ફોન કર્યો હતો કે નહીં.”
જેવો ફોન ખોલ્યો નામ તો એનું જ હતું પણ નંબર જુદો હતો. પછી મને ખબર પડી કે મે ખોટી જગ્યાએ ફોન કર્યો છે અને તરત જ ફરીથી એ નંબર પર ફોન કર્યો. સામેથી સીધો એ જ પ્રશ્ન હતો, “ તું હજુ આવી કેમ નથી ? હું તારી રાહ જોઈ રહી છું.” આ સાંભળીને મને આમ દુ:ખ થયું કે મારા કારણે એ હેરાન થઈ પણ તોય મારાથી હસી જ પડાયું. પછી જ્યારે મેં એને બધી વાત કહી તો એ પણ હસી પડી અને મને કહ્યું, “આજે તો ઉતાવળમાં ભૂલ કરી પણ હવે ભૂલ કરીને મારા ઘરે આવજે જમવા માટે. ચાલ હવે તું આવતી નથી તો હું જમી લઉ.” આ વાતથી એક મસ્તીભર્યુ હાસ્ય રેલાઈ ગયું.
પરંતું મેં ઉતાવળમાં કરેલી ભૂલના કારણે મારી મિત્રએ કામ પરથી રજા લીધી, ઘરે રહીને મારા માટે જમવાનું બનાવ્યું અને બપોરના ૨ વાગ્યા સુધી મારી રાહ પણ જોઈ. મેં જાણી જોઈ ને ના કરેલી અને આ રમુજ ભરેલી ભૂલના કારણે મારી જ મિત્રનો સમય બગડ્યો.
હવે આમાંથી હું એ શીખી છું કે ભલે ગમે તેટલી ઉતાવળ હોય આપણા કારણે બીજાં કોઈને તકલીફ ના પડે એનું ધ્યાન ફરજીયાત રાખવુંં જ પડશે અને હા, કોઈનાથી ભૂલ થઈ જાય તો મારી એ મિત્રની જેમ માફ કરીને હસી પણ લેવુંં જોઈએ. ભૂલ માત્રથી સંબંધો ના બગાડવા જોઈએ અને હા, ક્યારેક ભૂલમાંથી કંઈપણ શિખામણ ના લેવી એ પણ સમજદારી છે.
