વસુધા
વસુધા
વસુધા પરનો ભાર આજ કેમ વધી ગયો.
મનુષ્ય બની આવ્યો તું શેતાન બની ગયો.
રડતી, કરગરતી વસુધા માવડી મૂંઝાતી,
નિર્દય બની માડીને કેટલા વાર કરી ગયો.
જન્મ આપ્યો વૃક્ષોને ઊછેરી મોટા કર્યા,
પળભરમાં કાપી વૃક્ષો, આંસુ તું ભરી ગયો.
બાળ બની જંગલો ખોળે વસુધાની રમતા,
પૈસાની લાલચમાં ચંદનને વેતરી ગયો.
સજી ધજી વસુધા દુલ્હન બની ખીલી ઊઠી,
કચરાપેટી છે સામે પણ ચાલતાં ભૂલી ગયો.
ખનીજની લાલચમાં ખોદકામ આડેધડ કરી,
વસુધાની પીઠ પર તું છૂપો વાર કરી ગયો.
કારખાના બનાવી ગંદુ પાણી છોડી દીધું,
વસુધાનો ચહેરો આજ કાળો તું કરી ગયો.
પાકને મેળવવા બમણો છાંટી દવા કેટલી,
તંદુરસ્ત મારી માને બીમાર તું પાડી ગયો.
વૃક્ષોનું છેદન કરી મોટી ઈમારતો ખડકાણી,
તાપથી અકળાણી માં તરસી તું રાખી ગયો.
કુદરતે ઘડયા નિયમો આવી તું ફેરવી ગયો,
માડી ના ખોળે અવતરી છરી તું ભોંકી ગયો.