રંગમંચ
રંગમંચ


પડદો ભલે ને પડતો, અભિનય શરૂ સતત છે,
અંધાર છો ડરાવે, સૂરજ ભણી નજર છે.
પાત્રો બધા ભરેડી મળતા રહ્યા સફરમાં,
સારપ ભર્યા નયનમાં બસ વ્હાલની ફસલ છે.
એકાંત પાસ આવે તો પ્રેમથી વધાવું,
શબ્દોની શૃંખલામાં ટહુકાની ક્યાં કસર છે !
જીતવું નથી છતાં પણ રમવું પડે અદબથી,
હારી ગયેલ બાજીમાં પણ જરા હરખ છે.
દિવસ ને રાતનું છે કેવું મિલન અનોખું,
ને વેદના વિરહની ગાથા તળે ગગન છે.
ભાંગી પડેલ આશાને જોડશું ફરીથી,
છૂટીછવાઈ ઈચ્છાઓમાં જરા વજન છે.
ઝાકળ ભર્યા નયનથી બસ પ્રેમને વહાવું,
આ રંગમંચનું પણ ખુશ્બૂ ભર્યું જિગર છે.