વરસાદ
વરસાદ
ધીમો ધીમો વાયરો ને, ભીની ભીની સુગંધ
ધરતીનો શણગાર, મેહુલિયા હવે તો પધારી જા,
મન મૂકીને આજે ભીંજવી નાંખ, વર્ષાની એ ધરતીની પ્યાસ
નદી નાળા છલકાવી નાંખ સૂકા તળાવ છલકાવી નાંખ,
જીવંત કરી દે આ વેરાન જમીનને, થોડો શ્રાવણ અહીં પણ વરસાવી નાંખ,
પર્ણો –પર્ણોનો શ્વાસ બની જા, આંખોની મુસ્કાન બની જા,
લાગણીની સુગંધ બની, વાદળાઓને નિચોવી નાંખ,
પ્રેમનો સંદેશ છે તું, ખેડૂતનો માત્ર આધાર તું,
જીવોની પ્રાણશક્તિમાં તું, હર એક કણ –કણમાં બિરાજમાન તું,
સર્વશક્તિમાન તું ઈશ્વરની સર્વ શ્રેષ્ઠ રચના છે તું,
જગત આખું ખોરવાઈ જાય દર્શન જો તારા ના થાય !
સૂકું છે સફેદ રણ આ કચ્છનું, લીલું પર્ણ ક્યાંક આજે ઉગાડી નાંખ !
રણ પણ લીલું જંગલ બની જાય ખેલ એવો કંઈક રચાવી નાંખ !
રાહ જોવે છે ઘણા પ્રેમી તારી, પ્રેમ એની ધારમાં વરસાવી નાંખ !
સવાલ કરે છે કેટલાક જવાબો અહીં, હિસાબો એના મેળવી નાંખ
ગીત હું ગાઉં શું તારા મેહુલિયા ,ગીત તારું જ મને બનાવી નાંખ !

