વરસાદ જેવી તું
વરસાદ જેવી તું
મદમસ્ત મદિરાના તલસાટ જેવી તું,
ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું,
હવે કેમ કરી મદહોશીને રોકીએ અમે,
ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી તું,
અમે તો શું પામી શકીએ વસંત પાસે,
લીલે પાંદડે અટકેલી ભીનાશ જેવી તું,
સાવ નિકટ વળગીને રહી છે જિંદગી,
વિરહમાં આભાસી સહવાસ જેવી તું,
તમને તો કેમેં વિસારી શકું હું 'કિરન'
બેફામ વહેતા ઝરણાંના સાદ જેવી તું.

