વિસરાયેલી બાળરમત
વિસરાયેલી બાળરમત
આજ મને કેમ થાતું ફરી બાળક નાનેરું મજાનું થાવું,
વિસરાયેલી બાળરમતને આજ પળમાં ગોતી લાવું ... !
નવો જમાનો લાવ્યો આજ અનેક નવા નવા વીજાણું,
પબજી, ફ્રી ફાયર રમતોમાં અટવાયું આજ સૌનું ખાણું... !
સાત ઠીકરી, આટા પાટા, સંતાકૂકડી રોજેરોજ હું ગોતું,
ગિલ્લી દંડો, નદી કે પર્વત રમતોને યાદ કરી દિલ કેવું રોતું... !
ચલક ચલાણી પેલે ઘેર ધાણી ફળિયામાં કેવું રૂડું ગવાતું,
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે કહી મન મારું હરખાતું...!
સાદ પાડી મનડું ઝંખે મુજનું આપી દે બાળરમતનું સમણું,
આંબલી પીપળી રમતાં રમતાં ગાતા જોને મસ્તીનું એ ગાણું .... !
હાલ રમતમાં બાળ વિકાસનું ઘડતર ક્યાં જોને પરખાતું,
જન જન જાગૃતિ લાવી ફરી પાછા કરીશું બાળરમતને રમતું ... !
બાળક સંગે વિસરાયેલી બાળરમત હવે રમવાને રોજ જાશું,
તન, મન, બુદ્ધિ, લાગણીઓમાં હસતાં બાળપણથી ધરાશું ..!
