વિધવા ભાગ- 57 પિયુજી પધાર્યા
વિધવા ભાગ- 57 પિયુજી પધાર્યા
સહિયર મોરી આનંદ આજ અનેરો જો,
પિયુજી વિદેશમાંથી આવ્યા રે લોલ !
સહિયર મોરી હવે સુધરશે ફેરો જો,
પિયુજી વિદેશમાંથી આવ્યા રે લોલ !
સહિયર મોરી દીવડિયા પ્રગટાવું જો,
આરતી એની હું તો ઉતારું રે લોલ !
ગલીએ ગલીએ સાથિયા પૂરાવું જો,
ઘર સજાવી દઉં અમારું રે લોલ !
સહિયર મોરી આ દુઃખનો આવ્યો અંત જો,
આવી ગ્યા ‘એલી, એલી' કે'નારા રે લોલ !
ખવડાવું એને શીરો, પૂરી ને સેવ જો,
આવ્યા મુજ રસોઈ ખાનારા રે લોલ !
સહિયર મોરી ગવડાવું હું તો રાસ જો,
સરખી સહેલીઓના સંગે રે લોલ !
આનંદતણી વાત કેમ વર્ણવું જો,
રોમેરોમ નાચે છે ઉમંગે રે લોલ !
સહિયર મોરી મોરલિયા ટહુકિયા જો,
કોયલ છેડે છે સરગમ રે લોલ !
વાદળાઓએ તોડયું પોતાનું મૌન જો,
ઢોલ વગાડે છે ઢમઢમ રે લોલ !
(શાંત સ્વરે...)
સહિયર મોરી દુઃખ હૈયે એક રહ્યું જો,
મિલન ન થયું પુત્ર સાથે રે લોલ !
તૂટી પડયો છે મારા ઉપર આ પહાડ જો,
ભાર રહ્યો છે એટલો માથે રે લોલ !
