વિધવા ભાગ-37 પુત્રજન્મ
વિધવા ભાગ-37 પુત્રજન્મ
આજ મારે આનંદનો નહિ પાર,
સૂરજ મારો જનમ્યો રે લોલ;
છોકરા તમે આવો સાકર લેવા,
મિત્ર તમારો જનમ્યો રે લોલ !
મારો સૂરજ તેજસ્વી ખૂબ થશે,
અંધારું દૂર કરશે રે લોલ;
દુનિયામાં એ વગાડી દેશે ડંકો,
ગગનમાં ચમકશે રે લોલ !
એતો મોંઘા મૂલું છે મારું રતન,
આંચ નૈ આવવા દઉં રે લોલ;
ચંદ્રને હું બનાવું એનો નોકર,
તારલા રમવા દઉં રે લોલ !
કપાળમાં કરું કાજળનો ડાઘ,
નજર ન એને લાગે રે લોલ;
ચમકે એના મુખનું તેજ,
અવરોધો દૂર ભાગે રે લોલ !
કા'નુડાની જેમ કરશે લીલાઓ,
મહાન બની પૂજાશે રે લોલ;
એના કામની હોશિયારી જોઈને,
સૌનાં મુખ મલકાશે રે લોલ !
બગીચામાં રૂડાં ફૂલડાં ખીલે છે,
વસંતની બહારમાં રે લોલ;
ખીલે એવું મારા સૂરજનું મુખ,
જીવનની બહારમાં રે લોલ !
