વિધવા ભાગ-27 દિયરને
વિધવા ભાગ-27 દિયરને
હા, હા રે ! નાનેરા દેરીડા રે જલ્દી તું બન મહાન,
એ... તારી યુવાનીનું સંભળાય ગાન રે,
નાનેરા દેરીડા રે જલ્દી તું બન મહાન !
તારી મે'નતને હેતથી વધાવશું દેરીડા !
તારો અનુભવ અમે અપનાવશું દેરીડા !
એ... તારી મહાનતાનાં ગાશું અમે ગાન રે, નાનેરા...
અમને ન કદીએ ભૂલી જાતો રે દેરીડા !
તોડજે ન આપણો રૂડો નાતો રે દેરીડા !
એ... તું ઘરનો છે કામણગારો કા'ન રે, નાનેરા...
નાનપણનાં નખરાં તું છોડી દે દેરીડા !
ગંભીરતા તરફ મુખ મોડી દે દેરીડા !
એ... હવે તો બની જાજે તું ધૈર્યવાન રે, નાનેરા...
માબાપની આજ્ઞાનું પાલન કરજે દેરીડા !
આ ભાભલડીની વાત ઘ્યાને ધરજે દેરીડા !
એ... જીવનમાં બનજે તું નિષ્ઠાવાન રે, નાનેરા...
માતા-પિતાનાં હેત તને મળ્યાં રે દેરીડા !
સૌના આશીર્વાદ જાણજે ફળ્યાં રે દેરીડા !
એ... ઘરમાં આવશે રૂડી મુસ્કાન રે, નાનેરા...
મારી રૂપાળી દેરાણી શોધશું રે દેરીડા !
જાણે પરીઓની રાણી શોધશું રે દેરીડા !
એ... તેડાવશું અમે રૂડા મહેમાન રે, નાનેરા...
અમે આનંદથી તને પરણાવશું રે દેરીડા !
આપણા ગામને ગીતોથી ગુંજાવશું રે દેરીડા !
એ... તારી જોડશું જાડેરી અમે જાન રે, નાનેરા.
