મૂળ જો લીલા હશે તો
મૂળ જો લીલા હશે તો
મૂળ જો લીલા હશે તો ઝાડવું જીવી જશે,
હામ હૈયામાં હશે તો જંગ તું જીતી જશે.
ગ્રહ નક્ષત્રો ને ચોઘડિયાં બધા બદલી જશે,
એ અચાનક સ્મિત આપીને નજર ઢાળી જશે.
જોરથી અફળાવી ઘરના દ્વાર જે વાખી જશે,
એવા લોકો બહાર આવીને તરત હાંફી જશે.
જો ઉદાસી સામે હસવાનું તને ફાવી જશે,
જો જે તારાથી ઉદાસી સાવ કંટાળી જશે.
લેશે ત્યાં ઓવારણા સો સો વસંતો સામટી,
પાનખરમાં ડાળે પંખી માળો જો બાંધી જશે.
ઊતરો ભીતર, હ્રદયના દ્વાર ખખડાવો કવિ !
શબ્દનું તીલક કરી તમને ગઝલ પોંખી જશે.