ગઝલ સર્જાય છે
ગઝલ સર્જાય છે
હૈયું પોતે ટેરવે આવીને બેસી જાય છે
મખમલી સન્માન સાથે આ ગઝલ સર્જાય છે
ત્યાં અજાણી લાશનું જો પંચનામું થાય છે
મોત આવ્યા બાદ માણસ પાંચમાં પૂછાય છે
મૌન એનું એટલું બોલી ગયું બોલ્યાં વગર
બોલવાથી બોલવા ધારેલું કયાં બોલાય છે !
આંખથી હૈયા સુધી, હૈયાથી બસ હોઠો સુધી
સાવ ટૂંકો રસ્તો છે પણ ભલભલા અટવાય છે
એક ધોળા રંગમાંથી જન્મે છે રંગો બધા
કેસરી ને લીલો બન્ને તો ય કાં અથડાય છે !
ત્યારે મૂંગી વ્યકિતની પણ ઇર્ષા આવે છે 'સુરેશ'
જયારે જયારે આપણી આ જીભ લપસી જાય છે