'નાર્યસ્તુ '
'નાર્યસ્તુ '
વહેતી ગંગામાં ઓઢણી પખાળી છે,
ને મૌન રહી મેં આંખોય પલાળી છે,
બંગડી ઝાંઝરનાં બંધનો વચ્ચે
મેં તલવાર પણ ઉગામી છે,
ખુલ્લા આકાશથી આકર્ષાવું સ્વાભાવિક હતું
એટલે જ પાંજરામાંય મેં પાંખો પ્રસારી છે,
હું જ રાણી લક્ષ્મી
હું જ અહિલ્યા બાઈ
હું જ કોકિલ કંઠી
એવી હું જ જીજીબાઈ
કાલી, દુર્ગા અને સરસ્વતી જે કહો તે હું જ
એક ભવમાં અનેક રૂપ લઈ,
મેં 'શક્તિ 'ની ઉપમા ઉજાળી છે,
એ જે કહે છે, 'તું અસમર્થ' છે,
એને કહી દો,
સમગ્ર બ્રહ્માંડની ચેતના મેં કોખમાં સમાવી છે,
સુખ દુઃખ જે મળ્યું, હસતાં મોઢે સ્વીકાર્યું મેં,
વસંત હોય કે પાનખર બન્ને મને વ્હાલી છે,
સાડી હોય -સલવાર હોય
ગમે તે હોય મારો પહેરવેશ
મર્યાદા, મમતા અને કરુણા મેં હૃદયમાં સ્થાપી છે,
ભરથારનું વિજય તિલક પણ મેં કર્યું
ને હાર સામે જૌહર પણ મેં જ વહોર્યું
આમ સાતફેરાની કસોટી પણ મેં આપી છે,
પુરુષની હું પ્રકૃતિ છું
શિવની હું શક્તિ છું
પ્રણયની હું રાધા છું
વૃક્ષોમાં હું તુલસી છું
હા હું સ્ત્રી છું.
