વાતો ઘણી આવે
વાતો ઘણી આવે
અમારા ગામની વાતો ઘણી આવે,
ઘણી શેરી, ઘણા ઘર પણ પછી આવે.
વગર તારા ગુજારેલી સદી આવે,
ઢળે જો સાંજ તો યાદો ધસી આવે.
એ નજરે ના ચઢે વરસો લગી કોઈને,
અને નાદાન નયનોમાં મળી આવે.
બધી નારાજગીને દૂર હડસેલી,
ફરીએ તો નવા રસ્તા જડી આવે.
તળાવો ને ઘણા ખાબોચિયા આવ્યા,
હવે આવે તો ધસમસતી નદી આવે.
ન મળવાની કરી છે વાત તો પણ એ,
હજી મારા ઘણા સપના લગી આવે.
અને દિલ બેઠું છે બસ જીદ પકડીને,
મને મળવા હવે આવે, ફરી આવે