વાંસળી
વાંસળી
વાંસળીના સૂર ઉપર સવાર થઈને શ્યામની સવારી આવે,
ધબકાર વાંસળીના રૂદિયાનો થઈ હવા અલગારી આવે !
મન નીચોવી, તન સૂકવી કાળજા છેદાવી રાહ જોઉં શ્યામની,
મારા ખાલીપામાં પવનની લહેરખી બની ફૂંક તમારી આવે !
લાગણીમાં ઝબોળીને મયુરપંખ,એ રમી ગયો ભલે હોળી,
પછી વાંસળીના સૂરમાં જાણે સુરાની નશીલી ખુમારી આવે !
બંધ આંખે આંગળીઓ ફરે મારા છેદાયેલા કાળજે જો શ્યામની,
ધડકનોમાંથી આઠો પ્રહર પછી રાગ કેદાર ને દરબારી આવે !
સ્પંદનોના તરંગીત વલોણે ઉભરી રહ્યા નવનીત નેહના,
ભાન ભૂલી,કામ છોડી, સૂરની પાછળ દોડતી સન્નારી આવે !
વાદળ ગરજી વરસે,મયુર નાચે કરે કોકિલ કલશોર,
જ્યારે કાલિંદીના કિનારે, કદંબની શાખે શ્યામ વાંસળી બજાવે !
"પરમ" સૂર વાંસળીમાંથી જ્યારે રેલાયા આ તન વૃંદાવને,
"પાગલ" થઈ રાસ રચવા રાધા મારા મનની મતવાલી આવે !
