વાદળાં એ ભૂલ્યું છે ભાન
વાદળાં એ ભૂલ્યું છે ભાન
ગડગડાટી ગર્જનામાં ઘેલું થઈને આ વાદળાં એ ભૂલ્યું છે ભાન,
કડકડાતી વીજળીના ચમકારે ઉતરીને આ ધરતી પર આદર્યું તોફાન.
એક તો ઉનાળો અને ઘરમાં પુરાયા સહુ, ઉપરથી ધુરકતો કાળ,
એની વચાળે આ વરસાદી માવઠાથી મનમાં હવે ઉછળતી ફાળ,
અલ્લડ આ વાદળાંને કેમ કરી રોકવું? એનું આભે અડકેલું ગુમાન,
ગડગડાટી ગર્જનામાં ઘેલું થઈને આ વાદળાં એ ભૂલ્યું છે ભાન.
વાયરો મંડાયો, ને આકાશે અંધાર, જાણે ચોમાસું ઉમટ્યું ચોધાર,
ખેતીમાં રાત દા’ડો પરસેવે ભીંજાયા, વાવી અંતરમાં ઓરતાનો ભાર,
આકાશી ઇન્દ્રને તો આંખ્યું માંડેલા પેલા ખેડૂ નું તો રાખવું’
તું ધ્યાન,
ગડગડાટી ગર્જનામાં ઘેલું થઈને આ વાદળાં એ ભૂલ્યું છે ભાન.
ચોમાસે રમઝટ ને શિયાળે છાંટણા, હવે ઉનાળે માવઠાની બૂમ,
આકાશી મનગમતા શ્વાસો ઓઢીને હવે ઈશ્વર પણ થઈ ગ્યો છે ગુમ,
કાળા ડીબાંગ આ વાદળાંની છાંયામાં, મેં ઈશ્વરના દેખ્યા નિશાન,
ગડગડાટી ગર્જનામાં ઘેલું થઈને આ વાદળાં એ ભૂલ્યું છે ભાન.
હોય હવે, કુદરતની અણધારી આફત, આપણે ન ડરીએ લગાર,
અગ્નિ પરીક્ષાઓ લે ભલે સીતાની, આ ધરતીને ના હોય તેનો ભાર,
સઘળી મુશ્કેલીને હડસેલી એકબાજુ, ઉઠાવો ખમીરનું બાણ,
ગડગડાટી ગર્જનામાં ઘેલું થઈને આ વાદળાં એ ભૂલ્યું છે ભાન.