તું શોધે છે
તું શોધે છે
ઘણું રણદ્વિપમાં જળ છે, છતાં મૃગજળ તું શોધે છે,
અરે તરબોળ તો છે પણ, કયું વાદળ તું શોધે છે ?
જમાનો છે હવે ટાઇપિંગ કરીને વાત કરવાનો,
કલમને હાથમાં રાખી હજું કાગળ તું શોધે છે !
નજર બૂરી અગર જો હોય તો બચવું જરૂરી છે,
ડબી છે હાથમાં તારા છતા કાજળ તું શોધે છે,
નથી બંધાવું પોતે લાગણીના તાંતણે માનવ,
પશુને બાંધવા માટે હવે સાંકળ તું શોધે છે,
પહોંચ્યો ટોચ પર એવો નથી કોઈ હવે પાસે
વધીને એકલો કોને હજું આગળ તું શોધે છે ?
હતી આશા મળે મૃગજળ, મૂકીને દોટ જીવનભર,
હવે આરામ કરવાનો, હે માનવ પળ તું શોધે છે,
ગઝલ આ 'કાલ્પનિક' છે પણ, હકીકત એક જાણી લે,
છે વાવ્યાં ઝાડ આ બાજૂ, અને ત્યાં ફળ તું શોધે છે.