તું જો કહે તો મળવાનું રાખશું
તું જો કહે તો મળવાનું રાખશું


તું જો કહે તો મળવાનું રાખશું અને મેળામાં સાથે જઈ મહાલશું,
મનગમતા ગીતોની રમઝટના સૂર ભરી હાથોમાં હાથ લઈ ચાલશું,
તારી એ વાતોના મધમધતા ભણકારા હૈયામાં સંઘરીને રાખું,
મારી બે આંખોથી તારા એ બોલેલા મીઠકડાં બોલને ચાખું,
તારી સંગાથ હવે આનંદની છોળોમાં જીવનની લહેજતને માણશું,
તું જો કહે તો મળવાનું રાખશું અને મેળામાં સાથે જઈ મહાલશું.
મુજને તો ગમતી આ તારી એ યારી જ્યાં મળતી સુંવાળપની પ્રીત,
તારા એ સરનામે પહોંચીને પામું હું મધમીઠું, ગમતું સંગીત,
દરિયાની રેતીના ખુલ્લા એ પટ પર સાથે બે પગલાઓ માડશું,
તું જો કહે તો મળવાનું રાખશું અને મેળામાં સાથે જઈ મહાલશું.
સાથે જો હોય તું જગમાં પણ મેળવું હું સોનેમઢેલ પેલી જીત,
સંકટને ટાણે પણ તારા બે શબ્દો ઊડી આવીને ગાતા કોઈ ગીત,
હવે તો ખુલ્લા આકાશની હેઠે જઈ ઈશ્વરનો પા'ડ પણ માનશું,
તું જો કહે તો મળવાનું રાખશું અને મેળામાં સાથે જઈ મહાલશું.