ટપાલી
ટપાલી
શેરીએ શેરી એને ઓળખે પૂરો
ઘરે ઘર જાણે આ ટપાલી શૂરો
સ્થિતપ્રજ્ઞ વહેંચતો સુખ દુઃખ
ક્યાંક જગાવે પ્રેમીની અંત:ભૂખ,
લાવે ઉઘરાણી તણી જાસાચિઠ્ઠી
વહાવે જન્મની સરવાણી મીઠી
લાવે વળી એ લગ્નના નિમંત્રણ
સગા સંબંધીનાં રોજ આમંત્રણ,
કાળોતરી લઈ મોતનાં સમાચાર
થેલે ભર્યાં સારા નરસા વિચાર
સૌ નામ વિચારતો પ્રભાતે જાગે
ઊઠી સવારે દોડતો કચેરી ભાગે,
ઉઠાવે થપ્પે થપ્પા થોકડે થોકડા
મની ઓર્ડરનાં પૈસા થોડાં રોકડાં
વીંખતો પિંઝતો ટપાલનાં થેલા
ગોઠવે એકેક કાગળ મેલા ઘેલા,
ભરી ભારી સવારી ઊડે ગલીગલી
પિયુ ખત રાહ જોતી કોઈ પગલી
કોઈની નોકરી ને કોઈને છોકરી
લાવે સમાચાર મારી મીઠી ટોકરી,
શેરીએ શેરી એને ઓળખે પૂરો
વિના ટપાલી જીવનરથ અધૂરો
રવિવાર બિન ટપાલી દિન બૂરો
ઘરે ઘર જાણે આ ટપાલી શૂરો.
