તરસ
તરસ
ખુલ્લું આકાશ ક્યાં ઘેરી શકાય ઘનઘોર વાદળે ?
ઉડતા પંખીને ક્યારે ક્યાં કોણ બાંધી શકે સાંકળે ?
પવનના સુસવાટે લળી ઢળીને ઝૂલે છે ફૂલો,
ખુશબુનો પમરાટ ગુંથ્યો છે ઝળહળ ઝાકળે.
ધોમ ધખધખતી રણની બળબળતી બપોરે,
રાહીને ભટકાવી દીધો ખુદના વિચાર વમળે.
તૃપ્તિની-તરસી તરસ હતી ને ઉત્કટ આશ હતી ,
બેતાબ નજર પણ છેતરાઈ ગઈ મૃગજળે.
જે અનમોલ અક્ષર લખી લખી ભૂંસી નાખ્યા હતા,
કલમ સહારે તે સૂરજની જેમ ઉગ્યા કાગળે.
