અસ્પૃશ્ય ઋતુ
અસ્પૃશ્ય ઋતુ
કમાડ પાછળ,સળવળતી હવાના પ્રવાહની લહેરખી;
તૂટતા શરીરના અંગ અંગની મૂંગી આર્તતા,
ને અહીં પૂજાય દેવી,
પણ દેહની દેરી અપવિત્ર ગણાય.
લોહીનો દાગ,
જીવનના અંકુરની વાત કહેતો;પણ એ જ લાલ રંગ
શરમ, સંકોચ ને ત્યાગનો પર્યાય બને.
નાની બાળા સમજે નહીં
કાચના ટુકડા સમા
આ માન્યતાના કઠોર નિયમો.
ચૂલાને નહીં અડે, પાણીના ઘડે નહીં અડે,
ને પૂજાના તાકાને નહીં અડાય.
એક નિસાસો નીકળે ઊંડેથી,
નાભિના મૂળમાંથી.
માસિક ધર્મ આ તો, પ્રકૃતિનો ક્રમ,
છતાં એને જ ગણ્યો કેવો અધર્મ ?
નવસર્જનનો નાદ,
તોયે,
શાને આ અસ્પૃશ્યતાનો પડઘો ?
શાને આ અદ્રશ્ય પીડા ?
શબ્દો મૂંગા રહ્યા,
પણ લોહીના કણેકણમાં
ફૂટે છે એક અગ્નિજ્વાળા,
માન્યતાઓના બંધનો બાળતી,
નવસર્જનની પ્રચંડ ઉર્જા
એક નવો ઈતિહાસ લખવા...
-દિનેશ નાયક 'અક્ષર'
