તોફાની કીડી
તોફાની કીડી
કીડી છે તોફાની...
આ કીડી છે તોફાની!
દે હરાવી હાથીભાઈને,
આમ ભલેને નાની!
આ કીડી છે તોફાની....
મમ્મી રાખે ઊંચે-ઊંચે,
અથાણાંની બરણી...
પ્હોંચી જાતી ત્યાંયે કીડી,
લીધા વિના નિસરણી..
મીઠાઈનાં ડબ્બામાં,
મજા કરતી છાનીમાની!
આ કીડી છે તોફાની...
કબૂતરોથી કરે દોસ્તી;
વડદાદાને વ્હાલી!
જાય બધાંને ઘેર,
હરખથી કીડી ચાલી-ચાલી!
ચટકીલી શોધે બસ,
દોડી-દોડી કીટલી ચાની!
આ કીડી છે તોફાની....
