પ્રશ્ન-ગીત
પ્રશ્ન-ગીત
દરિયાની સ્કૂલ હોય કેવડી ?
ને કોણ એના ટીચર ?
આકાશે કયાંય ના મકાન;
તો કેમ રહે ઈશ્વર ?
શીખવે છે કોણ પેલા પંખીને ટહુકો ?
છલકે સુગંધે કેમ ફૂલોનો ગજરો ?
ઘડી- ઘડી ભફ્ થાય ઝરણું;
તો વાગે નહીં પથ્થર ?
આકાશે કયાંય ના મકાન;
તો કેમ રહે ઈશ્વર ?
કીડીને સીડીની કેમ ના જરૂર ?
ચાંદામામાનું ઘર આટલું કેમ દૂર ?
બંધ કરું આંખ તોય,
સપનાં દેખાય કેમ સુંદર ?
દરિયાની સ્કૂલ હોય કેવડી ?
ને કોણ એના ટીચર?
