તમે છો ભોમિયા
તમે છો ભોમિયા
તમે છો ભોમિયા સાથે પછી તો શું થવાનું છે,
ભલે મમ્મી કહે છે ના, છતાં ફરવા જવાનું છે,
દડો ને બેટ સાથે છે, વળી રેકેટ પણ લેજો,
બધા ડબ્બા ભરીને થેપલાને ખાખરા લેજો,
અથાણું ખાસ ડબ્બીમાં ભરીને રાખવાનું છે,
તમે છો ભોમિયા સાથે પછી તો શું થવાનું છે,
ભરીને શ્વાસમાં વગડો, હૃદય વાદળ બનાવીશું,
નદીની રેતમાં સુંદર મજાનું ઘર બનાવીશું,
ઊભા છે દૂર પર્વત એમને જઈ ભેટવાનું છે,
તમે છો ભોમિયા સાથે પછી તો શું થવાનું છે,
બધાએ તારલાની સંગ ઘણુંયે બોલવાનું છે,
એ પેલા ચંદ્રમાની સંગ ઘણુંયે દોડવાનું છે,
ને સપનામાં પતંગા સંગ હજુ તો ભાગવાનું છે,
તમે છો ભોમિયા સાથે પછી તો શું થવાનું છે,
નિરાંતે ફરશું સૌ સાથે, નિરાંતે રમશું સૌ સાથે,
એ ઈન્ટરનેટની ચર્ચા બધી છોડીશું સૌ સાથે,
વચન મારું બધાએ હા હવે તો માનવાનું છે,
તમે છો ભોમિયા સાથે પછી તો શું થવાનું છે,
કદીયે બિનજરૂરી પાંદડાઓ તોડવાના નહીં,
ને જંગલના પશુઓને કદી રંજાડવાના નહીં,
તમારું કામ કુદરતના સહારે જીવવાનું છે,
તમે છો ભોમિયા સાથે પછી તો શું થવાનું છે,
ના ખૂટે એ કદી એવો આ કુદરતનો ખજાનો છે,
કદી નુકશાન કરીશું નહીં એ સંકલ્પ અમારો છે,
કરમ બસ આપણું એનો સહારો પામવાનું છે,
તમે છો ભોમિયા સાથે પછી તો શું થવાનું છે.